આજની એકવીસમી સદી વિજ્ઞાનની સદી છે. માનવજાતે સુખની આશામાં જાતજાતના આવિષ્કારો કર્યા છે. સાયન્સ અને ટેકનોલૉજીના પ્રતાપે સાધન-સામગ્રીના ઢગલા ખડકાયા છે. વિજ્ઞાનને પ્રતાપે માનવજાતે હરણફાળ નહીં, રોકેટફાળ ભરી છે. જે પરિવર્તનો આવતાં વર્ષો લાગી જતાં, એ આજે આંખના પલકારામાં આવી રહ્યાં છે.
વિજ્ઞાનના આટલા આવિષ્કારો પછી પણ માનવજાતની સમસ્યાઓનો અંત નથી આવ્યો. બહારના મોટા મોટા ભભકાઓમાં અંતરની શાંતિ અદેશ્ય છે. સાધન-સામગ્રીના ઢગલામાં સુખની ચાવી ખોવાઈ ગઈ છે. સ્વાર્થ અને હિંસાના વરવા ખેલ વિશ્વને કાંટાળા જંગલમાં ફેરવી રહ્યા છે.. અશાંતિ, અન્યાય અને પક્ષપાતની આગમાં જગત સળગી રહ્યું છે. રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રો જાતજાતનાં દૂષણોથી ઘેરાયેલાં છે. વિજ્ઞાનના દુરુપયોગે સત્યમ્, શિવમ્, સુંદરમ્ જગતને વિપરિત પરિસ્થિતિમાં મૂકી દીધું છે.
આ બધી જ સમસ્યાઓના સમાધાન માટે એક જ ગુરુચાવી છે....
“પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુકૃતં મહત્”
“પૃથ્વી ઉપર સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું, એથી મોટું પુણ્યકાર્ય નથી.” (શિક્ષાપત્રી-૧૩૨)
આ શ્લોક ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રાણીમાત્રના કલ્યાણ માટે લખેલી શિક્ષાપત્રીનો છે.
આજથી આશરે બસો વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે “સર્વજીવહિતાવહ”ની મંગલ કામનાથી આ નાનકડી શિક્ષાપત્રી લખેલી છે. પૂરાયે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શિક્ષાપત્રીનો નિત્યપાઠ થતો હતો, પરંતુ એ સર્વજીવહિતાવહ સંદેશાઓ અમલીકરણનો અવસર શોધી રહ્યા હતા.
આકાશમાંથી ઊતરતી ગંગાને ભગવાન શંકર ઝીલે, એમ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આ સંદેશાઓને ઝીલ્યા અને એમાંથી વિશ્વનું મંગલ કરનારી ગંગા સમી ગુરુકુલ સંસ્કૃતિનું ધરતી ઉપર પુનરાગમન થયું; જેણે માનવજાત માટે કલ્યાણકારી શેક્ષણિક જગતની કાયાપલટ કરવાનો માર્ગ મોકળો કર્યો.
સદ્વિદ્યાના પ્રવર્તનથી જ માનવજાતનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. સદ્વિદ્યા જ સાચા સુખની ગુરુચાવી છે. વિદ્યા એટલે સંસ્કાર સાથેનું શિક્ષણ, સદ્વિદ્યા એટલે ભૌતિક વિજ્ઞાન સાથે આધ્યાત્મ વિજ્ઞાનનો સંગમ.
ભગવાન શ્રી સ્વામિનારાયણના આ અદ્ભુત શ્લોકને મૂર્તરૂપ આપવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઈ.સ.. ૧૯૪૮ વસંતપંચમીના રોજ રાજકોટ મુકામે ગુરુકુલની સ્થાપના કરી અને જોતજોતામાં ન કેવળ ગુજરાત, પરંતુ પૂરાએ ભારતમાં ગુરુકુલના માધ્યમથી સંસ્કારયુક્ત શિક્ષણની સુગંધ આજે વસંતની વનરાઈની માફક ચોમેર પ્રસરી રહી છે.
આ મહાપુરુષે વાવેલું સદ્વિદ્યાનું બીજ આજ વટવૃક્ષ બની અનેકોનેકને શાતા આપે છે. સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાનનું સદાવ્રત માંડનારા અને સૌરાષ્ટ્રની ધીંગી ધરાના સંત શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું જીવનકાર્ય ટૂંકમાં અહીં પ્રસ્તુત છે.
ગીરના જંગલની વનરાયુંને વીંધીને અફળાતી-કૂદતી, વાંકી-ચૂકી અને સપાટ ભૂમિ ઉપર વહેતી શેત્રુંજી નદીના કાઠે પંખીના માળા જેવડું તરવડા ગામ. અમરેલી વિસ્તારના આ રમણીય ગામની વસ્તી તો માંડ પાંચસો માણસોની, પણ એ માણસોની કર્મઠતા આભને આંબે એવી. આજે તો આ ગામ મોટું થયું છે અને ગામના લોકો દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા છે.
તરવડા ભૂમિ વિશેષ ભાગ્યશાળી એટલા માટે છે કે અહીં જેમ આઝાદીની ચળવળ ચાલી, એ જ રીતે ધાર્મિક ક્રાંતિનું પણ ઉદ્ગમ ક્ષેત્ર બની છે. એ ધાર્મિકક્રાંતિના પ્રણેતા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, કહેતા અરજણનો જન્મ પણ આ જ ગામમાં વિ. સં. ૧૯૫૭ અષાઢ સુદિ બીજ મંગળવાર (ઇ. સ. ૧૯૦૧) ના મંગળ દિવસે થયો હતો. પિતાનું નામ ભૂરાભાઈ તથા માતાનું નામ વીરૂબાઈ હતું.
ભારતવર્ષને આઝાદી માટે લડવૈયાઓની જેટલી જરૂર હતી, એટલી જ જરૂરિયાત આઝાદ ભારતના ઘડવૈયાઓની પણ હતી. આઝાદી મળ્યા પછી આઝાદીના રક્ષકોની પણ આવશ્યકતા હતી. ભારતવર્ષે આઝાદીને રક્ષી શકે એવા નવયુવાન ઘડવૈયાઓની પ્રતિક્ષા કરી હતી અને એ ઘડવૈયો શેત્રુજીને ખોળે અરજણના રૂપમાં ઉછરી રહ્યો હતો. આ જ અરજણ આગળ જતા ગુરુકુલની પુનઃસ્થાપના કરીને શૈક્ષણિક ક્રાંતિ કરવાનો હતો.
વિશ્વના ઇતિહાસમાં ધાર્મિક અને રાજકીય ક્રાંતિઓ ઘણી થયેલી છે. રાજકીય ક્રાંતિના અગ્રદૂત સમા ગાંધીજી જેવા અનેક રાજપુરુષો ભારતવર્ષમાં પાક્યા છે, તો સાથોસાથ ધર્મક્રાંતિના પ્રણેતાઓ પણ આ જ ભૂમિમાં પાકેલા છે. અરજણે પણ ભવિષ્યમાં ધર્મક્ષેત્ર અને શિક્ષણક્ષેત્રમાં અનોખી રાહ ચીંધનાર તરીકે મહત્વની ભૂમિકા ભજવવાની હતી. અરજણનો જન્મ ચીલાચાલુ ધર્મને નવી દિશા ચીંધવાનો અને નવી પેઢીના ઘડતર માટેનો હતો.
અરજણના પિતા ભૂરાભાઈ તેજ સ્વભાવના હતા, જ્યારે માતા વીરુબાઈ પ્રેમાળ હતા. માતા વીરુબાઈએ નાનપણથી જ અરજણના જીવનમાં સત્સંગના સંસ્કારોનું સિંચન કર્યું હતું. અરજણ નાનપણથી જ માની સાથે સવાર-સાંજ મંદિરે જતો. અરજણની ઉંમર જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ તેની મંદિરની આવન-જાવન પણ વધતી ગઈ.
નાનકડા અરજણને મંદિરમાં મૂર્તિનાં દર્શન કરતાં કરતાં ભારે આનંદ આવતો અને પૂર્વનો જોગી હોય એમ મૂર્તિની સામે મીટ માંડી મૂર્તિને નીરખ્યા કરતો. બાળસહજ રમત કરતાંય અરજણે મંદિરે જવા-આવવાનું વધારે ગમતું.
તરવડા ગાયકવાડી ગામ હતું. એ જમાનામાં ગાયકવાડી રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થા ખૂબ સારી હતી, તેથી શાળાના ભણતરની સાથોસાથ શેત્રુંજીનો વિશાળ પટ, રમણીય હરિયાળા વૃક્ષોની હારમાળાઓ અને નવલખ તારલિયાઓની ભાત ભરેલું આકાશ અરજણને કુદરતી શિક્ષણ પૂરા પાડતા હતા.
અરજણમાં અનેક સદ્ગુણો સહજ અને જન્મજાત હતા. ભૂરાભાઈને ટૂંકી ખેતીમાં મોટો પરિવાર નભાવવાનો હતો. ઘરના સાધારણ વ્યવહારની અરજણને ખબર હતી. અરજણ ભણવા ઉપરાંત ખેતીવાડીમાં પરિશ્રમ કરીને પિતાને મદદ કરતો હતો.
મા વિરુબાઈએ નાનપણથી જ સત્સંગના જે બીજ રોપ્યાં હતાં તે અરજણની સમજણની સાથે સાથે પાંગરી રહ્યાં હતા. અરજણને મંદિર ભારે વિશ્રાંતિકારક લાગતું હતું. ગામમાં આવેલાં નાનકડાં સ્વામિનારાયણ મંદિરમાં બેસીને અરજણ માળા કરતો, કીર્તન બોલતો અને કથા વાંચતો. કુદરતે અરજણને મધુર કંઠ આપ્યો હતો. અરજણ મંદિરમાં બેસી મધુર કંઠે કીર્તનોનું ગાન કરતા, ત્યારે સાંભળનારા હરિભકતો ખૂબ જ રાજી થતા હતા.
આમ રોજ અરજણને હરિભક્તોનો જોગ મળતો, તો ક્યારેક સંતો પધારતા ત્યારે કથાવાર્તા સેવાનો લાભ મળતો. ધીમે ધીમે સમજણ વધતા ઘર કરતા મંદિરનો ખોળો અરજણને વધારે ગમવા લાગ્યો. એમાં પણ જ્યારે સાધુઓ આવ્યા હોય, ત્યારે તો અરજણ ઘરે જતો જ નહીં.
આમ સાધુઓ સાથેનો વધારે જોગ અરજણને નવું જ વિચારવા પ્રેરતો હતો. રમવાના સમયે અરજણ હવે ઘર છોડવાના વિચારો કરતો હતો, પરંતુ પિતાનો આકરો સ્વભાવ અરજણને આમ કરતા રોકતો હતો.
આખરે પિતા ભૂરાભાઈની કડકાઈ સામે અરજણનું મનોમંથન જીત્યું અને તેમણે સાધુ થવા ઘર છોડ્યું. વારંવાર પિતા તેમને પાછા લાવે અને અરજણ પાછો ઘરેથી ભાગે. આ સમયમાં કુટુંબીજનો તરફથી ખૂબ માર-કષ્ટો અરજણને સહન કરવા પડ્યા, પરંતુ આખરે એમના વૈરાગ્યના વેગને કોઈ રોકી શક્યું નહીં.
વિ. સં. ૧૯૭૩ના ભાદરવા વદ પંચમીનો પવિત્ર દિવસે અરજણના ગુરુ પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ સારંગપુર ખાતે વડતાલના આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજ પાસે સાધુની દીક્ષા આપાવી. આમ અરજણ હવે ‘સાધુ ધર્મજીવનદાસ’ બન્યા.
સાધુ ધર્મજીનદાસજીનું સાધના માર્ગે પ્રયાણ ચાલુ થયું. ઉત્તમ સગુરુઓનો યોગ સાંપડતા સાધુતાના ગુણો પાંગરવા લાગ્યા. સમય જતા સેવા, સ્મરણ અને સમજણે કરીને સાધુ ધર્મજીવનદાસજી સંતગુણે શોભી ઊઠ્યા.
ભારતીય સંસ્કૃતિમાં સાધુઓનો મહિમા ખૂબ ગવાયો છે. સાધુ બહારના આટાટોપની નહીં, પણ આંતરિક સૌંદર્યથી શોભે છે. પાસે આવેલાના અશાંત મનને શાંત કરે અને વિખરાયેલાને ભેગા કરી દે, તે સંત કહેવાય. સુખ માગે તે નહીં, પણ અન્યને સુખ આપે તે સંત. જેની શીતળ છાયામાં સંસારના તાપ મટી જાય, તે સંત. પોતામાં નહીં પણ પરમાત્મામાં જોડે, તે સંત. જેની કૃપાથી જીવ અને જગદીશનો સેતુ બંધાય, તે સંત કહેવાય. આવા જ કાંઈક ગુણોના દર્શન હવે સાધુ ધર્મજીવનદાસજીમાં થવા લાગ્યા.
યોગ્યતા વગર મળેલ અધિકાર, શક્તિ કે સગુણ વ્યક્તિને આસુરી અને અહંકારી બનાવે છે. શાસ્ત્રો પોતાનો મોક્ષમૂલક સિદ્ધાંત એવા વ્યક્તિને જ આપે છે, કે જેઓ હૃદયથી ભક્ત હોય અને જગતથી વિરક્ત હોય. શ્રીમંત સદ્ગૃહસ્થ પોતાનાં સંતાનોને સંપત્તિનો વારસો આપે છે, એવી જ રીતે અધ્યાત્મમાર્ગમાં સદ્ગુરુ સુપાત્ર શિષ્યને જ જ્ઞાનરૂપી સંપત્તિનો વારસો આપે છે.
પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીને ઘણા સમયથી સંકલ્પ હતો કે “મારી પાસે સંસ્કૃતના ઘણા બધા પુસ્તકો છે, જે સાધુ ભણીને સત્સંગ માટે ઉપયોગ કરે એવા હોય તેને આપી દઉં. પરંતુ એવું કોણ છે?” તેનો ઘણો વિચાર કર્યા પછી “આ નાના સાધુ ધર્મજીવનદાસ સંસ્કૃત ભણીને સત્સંગની સેવા કરે એવા છે, માટે મારા સંસ્કૃતનાં પુસ્તકો તેને આપું.” આમ ગુરુનો જ્ઞાનરૂપી વારસો સાધુ ધર્મજીવનદાસજીને મળ્યો.
પૂજ્ય સ્વામી કહેતા “ભગવાન શ્રી રામે ભરતજીને પોતાની પાદુકા આપી હતી, એ જ રીતે મને ગુરુદેવે જ્ઞાનરૂપી સત્શાસ્ત્રો આપ્યાં હતાં. આ ગ્રંથો ગુરુની ગેરહાજરીમાં પણ મારા જીવનનો આધાર બની રહ્યાં હતાં.”
પૂજ્ય સ્વામીશ્રીને ગુરુદેવમાં અનન્ય શ્રદ્ધા અને પ્રેમ હતા. ગુરુદેવ પુરાણી સ્વામી પણ આ નાના સાધુ ઉપર ખૂબ જ પ્રસન્ન રહેતા, પરંતુ દૈવયોગે પૂજય સ્વામીને ગુરુદેવ સાથે રહેવાનો યોગ એક વર્ષ સુધી જ મળ્યો.
ગુરુદેવના અક્ષરવાસ બાદ જૂનાગઢના સમર્થ સંત સ્વામી શ્રી નારાયણદાસજીની આજ્ઞાથી સ્વામીશ્રી સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે વડતાલની પાઠશાળામાં દાખલ થયા. દક્ષિણ ભારતના પ્રકાંડ પંડિત શ્રી એમ્બાર્ક કૃષ્ણમાચાર્ય પાસે સંસ્કૃતના દર્શનગ્રંથોનો અભ્યાસ કરી અનેરી વિદ્વતા પ્રાપ્ત કરી, શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરી.
અભ્યાસની સાથોસાથ તપ, ધ્યાન, ભજન વગેરે સાધનાની પ્રક્રિયા પણ અવિરત ચાલુ રહેતી. તેઓશ્રી રાતે એક કોથળો પાથરી જમીન પર પડ્યા રહેતા. દિવસમાં એક વખત પલાળેલો બાજરો, ચણા કે મગ ફાકી મહિનાઓ પસાર કરતા. તેઓશ્રીની યાદશક્તિ અતિ તીવ્ર હતી. ગીતાજીના અઢાર અધ્યાય તેઓએ ફક્ત અઢાર દિવસમાં કંઠસ્થ કરી લીધા હતા. તેઓશ્રીએ એક હજાર ઉપરાંત કીર્તનો અને સાહિત્યના ત્રણ હજાર જેટલા શ્લોકો પણ કંઠસ્થ કર્યા હતા.
તેઓશ્રી સત્સંગીજીવન, હરિલીલાકલ્પતરુ, શિક્ષાપત્રી ભાષ્ય, ભાગવત, ગીતાજી, ઉપનિષદો વગેરે સદ્ગ્રંથો ઉપર એવી ભાવવાહી કથા કરતા, કે સાંભળનારા મંત્રમુગ્ધ બનતા. એમના ધર્મમય જીવન અને અપ્રતિમ વિદ્વતાથી મોટા મોટા સંતો પણ રાજી થતા અને આર્શીવાદ આપતા.
તેઓશ્રીનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન અગાધ હતું. સંપ્રદાયના ગહન સંસ્કૃત ગ્રંથો ઉપર પ્રભુત્વ હતું. વેદ-વેદાંતના ગહન ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરેલો; ઉપરાંત જૈન, બૌદ્ધ વગેરે ધર્મોના ગ્રંથોનો પણ સારો એવો અભ્યાસ કરેલો.
સ્વામી શ્રી ધર્મજીવનદાસજીની સત્સંગપ્રચારની ધગશ અને ઉત્સાહ જોઈને સંવત્ ૧૯૯૯થી ૨૦૦૧ સુધી જૂનાગઢશ્રી સ્વામિનારાયણ મંદિરના મહંતપદે તેમની નિમણૂક થઈ. આ સમય દરમિયાન તેઓશ્રી ખૂબ જ સારો વહીવટ કરી સત્સંગનો વિકાસ કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સ્વામીશ્રીએ વિશ્વશાંતિ માટે કરેલો ૨૧ દિવસનો અભૂતપૂર્વ મહાવિષ્ણુયાગ સંપ્રદાયનો પ્રથમ મહામહોત્સવ હતો.
સત્સંગના વિકાસની અવિરત પ્રવૃતિઓ કરતા પૂજ્ય સ્વામીશ્રીના આત્મામાં સદેવ એવું લાગ્યા કરતું કે “ઉત્સવ સમૈયાઓ થાય છે, હજારો લોકો ભેગા થાય છે, પરંતુ કંઈક ખૂટે છે.”
સંપ્રદાયનું હાર્દ તેમના સિદ્ધાંતોમાં સમાયેલું છે, નહિ કે વહિવટમાં અથવા સોના-રૂપા કે આરસના ભભકામાં. સંસ્થાઓ તો કલેવર માત્ર છે, સિધ્ધાંતો તેના પ્રાણ છે.
વિશુદ્ધ જ્ઞાનની પરંપરા ન જળવાય, કેવળ આર્થિક હિતો પ્રધાન બને અને સત્તાની સાઠમારી ઊભી થાય ત્યારે સંપ્રદાયનું સંપ્રદાયપણું ઘવાય છે. કલેવરના ક્લેશમાં ઊતરવા કરતા સંપ્રદાયના પ્રાણોની પુષ્ટિ માટે મહેનત કરવી એ દરેક સાધુપુરુષોનું કર્તવ્ય છે.
સ્વામીશ્રીને થયા કરતું કે “ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલા મૂળભૂત સર્વજીવહિતાવહ સિદ્ધાંતો ગૌણ બનતા જાય છે અને વ્યવહારની પ્રધાનતા વધતી જાય છે. એટલું જ નહીં, વ્યવહારમાં નીતિમત્તાના ધોરણો પણ કથળતા જાય છે.” આ બધું જોઈને એમનાં અંતરમાં અપાર વેદના થતી. એમને લાગ્યા કરતું કે આ સંપ્રદાય ક્યાં જઈ રહ્યો છે? આ તો દિશા જ બદલાતી જાય છે. આપણે આ રીતે જ જીવન પૂરું કરવું એ યોગ્ય છે?
ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અદ્દભૂત છે, સંપ્રદાયમાં શક્તિ પણ અગાધ છે, પરંતુ માર્ગ થોડો આડો ફંટાતો જાય છે. સંપ્રદાયને વર્તમાન પ્રવાહમાંથી થોડો વળાંક આપવાની જરૂર છે. શ્રીજીના સર્વજીવહિતાવહસિદ્ધાંતો જન જન સુધી પહોંચાડવા હશે, તો સંપ્રદાયની શક્તિને સમસ્ત સમાજના વ્યાપક હિતમાં યોજવી પડશે.
સ્વામીશ્રીના મનમાં વિચારવલોણું ચાલું હતું. રૂઢ થઈ ગયેલી ઘરેડમાંથી માર્ગ કઈ રીતે કાઢવો? એ પ્રશ્ન એમના મનમાં સતત ગૂંજતો રહેતો.
દરેક સાધુ-સંતો અને સાધકોના અંતરમાં હિમાલયનું અનેરું આકર્ષણ રહ્યું છે. પૂજ્ય સ્વામીને પણ અંતરમાં હિમાલયનો સાદ સંભળાઈ રહ્યો હતો. સંપ્રદાયનો વ્યવહારમાર્ગ અને તેમાં રહેલા અનેક વિક્ષેપોથી પૂજ્ય સ્વામીનું અંતર એકદમ ઉદાસ થઈ ગયું હતું. તેથી જ જૂનાગઢના મહંતપદેથી નિવૃત થઈ, તેઓશ્રી હિમાલયની પુનિત યાત્રાએ ઉપડી ગયા.
યાત્રા દરમ્યાન પણ સમાજના હિતમાં શું કરવું? તેનું મનોમંથન સતત ચાલુ જ હતું. હરદ્વારમાં ગંગાના કિનારે બેસી એમણે અનુષ્ઠાનો કર્યા. હિમાલયના પાવન તીર્થોની પદયાત્રા શરૂ કરી.
ભારતભૂમિના ઋષિમુનિઓ અને સાધુસંતો માટે પ્રેરણાસ્રોત સમા નગાધિરાજ હિમાલયના હિમાચ્છાદિત ધવલ શિખરોનાં દર્શનથી તેમના હૃદયમાં નવીન ઊર્મિઓ જાગવા લાગી. ઘણીવાર તો મનમાં થતું કે “આ જ હિમાલયની ગોદમાં બેસી જવું અને ભજન સ્મરણમાં જ જીવન વિતાવી દેવું.” વળી થયું કે “નહિ, ભગવાન શ્રી સ્વામિનારાયણે નિષ્ક્રીય બેસી રહેવા કરતા નિષ્કામ સેવા પ્રવૃત્તિઓને શ્રેષ્ઠ માની છે. માટે ક્યો માર્ગ લેવો? નિવૃત્તિનો કે નિષ્કામ સેવાપ્રવૃતિનો?”
જેમ મહાભારતના અર્જુનનું મન કર્મયોગ અને સાંખ્યયોગ વચ્ચે ચકડોળે ચડ્યું હતું, એવી જ દશા સ્વામીશ્રીના મનની હતી. આવાં મનોમંથનમાં પદયાત્રા કરતા કરતા તેઓ રુદ્રપ્રયાગ પહોંચ્યા. અહીં અલકનંદા અને મંદાકીનીનો સંગમ છે. આ ભૂમિ દેવર્ષિ નારદની તપોભૂમિ છે. સ્વામીએ સંગમમાં સ્નાન કર્યું, તીર્થનાં દર્શન કર્યા અને એક પીપળાના વૃક્ષ નીચે બેસી ધ્યાન કરવા લાગ્યા.
એ જ સમયે થોડે દૂર એક વૃદ્ધ સન્યાસી મહારાજ કેટલાક બ્રાહ્મણ બટુઓને કવિકુલગુરુ કાલિદાસ રચિત રઘુવંશનો અભ્યાસ કરાવી રહ્યા હતા. રઘુવંશના શ્લોકોનું મધુર ગાન સ્વામીશ્રીના કાને પડ્યું. રઘુવંશના ગાને સ્વામીશ્રીના અંત:ચક્ષુ સમક્ષ પ્રાચીન ગુરુકુલોની ભવ્ય પરંપરા મૂર્તિમંત કરી.
વેદોના ઋષિઓના પવિત્ર અંતરમાં વેદોની ઋચાઓ પ્રગટે, એમ હિમાલયની પવિત્ર ભૂમિમાં પીપળાના પાવકારી વૃક્ષ નીચે એમના અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સંદેશાઓ પ્રગટવા લાગ્યા.
‘प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् |’ ‘પૃથ્વી ઉપર સર્વિદ્યાનો પ્રચાર કરવો.’
‘भाव्यं दीनेषु वत्सलैः |’ ‘દીનજન ઉપર દયાવાન થવું.’
અને ‘सर्व जीव हितवहः |’ ‘આ શિક્ષાપત્રીના આદેશો સર્વ જીવોનું હિત કરનારા છે.’
ભગવાન શ્રી સ્વામિનારાયણની નાનકડી શિક્ષાપત્રીના આ અદ્ભૂત મંત્રો તેમના મનમાં રમવા લાગ્યા. તેઓને ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સિદ્ધાંતોને અનુરૂપ સમાજ સુધારણા અને સમાજસેવાનો એક અનોખો માર્ગ હાથ આવ્યો. ભાવવિભોર બનેલા સ્વામીજીને હવે જીવનનો પથ સ્પષ્ટ થઈ ગયો.
સ્વામીજીને સાથોસાથ એ પણ વિચાર થયો કે “આજે જાતજાતના મતભેદને લીધે સંપ્રદાય અને સમાજ નાના નાના વાડાઓમાં વિભાજિત થતો જાય છે. આ વાડાઓને ગમે તેટલા રૂપાળા વાઘા પહેરાવવામાં આવે, પરંતુ તેના મૂળમાં તો મોટે ભાગે અહંકાર, રાગદ્વેષ અને સ્વાર્થ જ પડેલા હોય છે. હવે સંપ્રદાય કે સમાજને વધારે ટૂકડાઓમાં વહેંચવાની જરૂર નથી. આપણે જે રચનાત્મક કાર્ય કરવું, તે શ્રીજી સ્થાપિત સંપ્રદાયના મૂળભૂત માળખામાં રહીને જ કરવું.
પૂજ્ય સ્વામીશ્રી એ બરાબર જાણતા હતા કે આ રચનાત્મક કાર્યો કરવા જતાં અનેક મુશ્કેલીઓ આવશે અને આંતરિક અવરોધો પણ ઊભા થશે, છતાં તેમણે દઢ સંકલ્પ કર્યો કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તે સહન કરી લેવી અને મૂળ સંકલ્પમાં મજબૂત રહીને સત્કાર્યમાં આગળ વધ્યે જવું.'
જગતકલ્યાણનો મંગલ સંદેશ લઈ હિમાલયની યાત્રાએથી સ્વામીજી પાછા ફર્યા. ફરતા ફરતા રાજકોટ પધાર્યા. ગુજરાતના જાણીતા કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસનો ભેટો થયો.
કવિ અને સંતની જોડ જામી. સરખી રુચિનો સંગમ થયો. વિદ્વતા અને અનુભૂતિનું અદ્ભૂત મિલન થયું. વિચારોએ આચારનું મૂર્ત રૂપ લીધું. આદર્શોએ યથાર્થતાની ભૂમિકા ઉપર પગલાં માંડ્યાં અને એક એવા અદ્ભૂત આશ્રમના મંડાણ થયાં કે જેમાં પ્રાચીન ગુરુકુલોની આભા પ્રકાશતી હોય, જ્યાં ભૌતિકવિદ્યા સાથે અધ્યાત્મના પિયૂષ પવાતાં હોય, જ્યાં ચૈતન્ય દીવડાઓથી ઠાકોરની આરતી ઊતરતી હોય, જ્યાં ચૈતન્ય પુષ્પોની માળાઓથી ઠાકોરજીનું પૂજન થતું હોય, જ્યાં સાચા અર્થમાં માનવતાથી મહેકતા માનવા તૈયાર થતા હોય.
ઋષિમુનિઓના પ્રાચીન ગુરુકુલોના સર્જનની કલ્પના ઘણી જ રમણીય હતી, પરંતુ એ કલ્પનાને મૂર્તિમંત કરવાનું કામ ખૂબ જ કપરું હતું. એક તો સ્વામીશ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણના સાચા સંત હતા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે તેઓ ધનસંગ્રહ નહોતા કરતા કે નહોતા કરાવતા. ઉપરાંત પૂજ્ય સ્વામીના જીવનમાં એક આજીવન ટેક હતી કે સ્વાર્થ માટે તો ઠીક, પણ પરોપકાર માટે પણ ફંડફાળો કરવો નહિ. ધન વગર ગુરુકુલનો આરંભ કઈ રીતે કરવો?
પૂજ્ય સ્વામીના શબ્દોમાં કહીએ તો “હું બાવો ને ત્રિભુવનભાઈ બ્રાહ્મણ. બન્ને પાસે કશું ન મળે! અને આ બધું મંડાણ કેમ કરવું? પણ ભગવાનની કૃપા થઈ ગઈ અને સપ્રવૃતિને આગળ વધારતા ગયા અને આજે પણ વધતી જાય છે.”
વિક્રમ સંવત ૨૦૦૪ (ઈ.સ. ૧૯૪૮) વસંત પંચમીના પવિત્ર દિવસે ભાડાના મકાનમાં ગુરુકુલનો મંગલ પ્રારંભ થયો, ત્યારે વિદ્યાર્થી હતા માત્ર સાત. ત્યાર બાદ મહંત સ્વામીશ્રી કૃષ્ણજીવનદાસજી જેવા પવિત્ર સંતની ઉપસ્થિતિમાં અને મેંગણી દરબાર નામદાર કુમાર શ્રી પ્રદ્યુમ્નસિંહજી ભાઈના શુભ હાથે આશ્રમના મકાનોનું ખાતમુહૂત થયું.
સ્વામીશ્રીનો દૃષ્ટિકોણ વિશાળ હતો. ગુરુકુલના પ્રારંભમાં એવાં સૂચનો થયાં કે “સત્સંગીના જ બાળકો રાખવા.” સ્વામીશ્રીને આવા માત્ર સંપ્રદાયલક્ષી સૂચનો રૂચ્યા નહીં. એમને થયું, “એ કઈ રીતે બને? મારે મન તો સમસ્ત વિશ્વ ઈશ્વરનું સંતાન છે, ત્યારે મારા-તારાનો ભેદ કેમ થાય?” આખરે એમણે નિણર્ય કર્યો કે, “આ ગુરુકુળમાં કોઈપણ જાતના ધર્મના ભેદભાવ સિવાય બધા જ બાળકોને પ્રવેશ મળશે.”
પૂજ્ય સ્વામીશ્રીના અંત:ચક્ષુ સમક્ષ ગુજરાતના ગરીબ મા-બાપ રમતા હતા કે જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પોતાના પ્રતિભાવાન બાળકોને ભણાવી શકતા નહોતા. પૂજ્ય સ્વામીને સંકલ્પ થયો કે “ઓછામાં ઓછું લવાજમ રાખવું અને આવા બાળકોને અભ્યાસની તકો પૂરી પાડવી. સાથોસાથ તેમના જીવનમાં ભારતીય સંસ્કૃતિને અનુરુપ શુભ સંસ્કારોનું સીંચન કરવું.” સ્વામીએ આ સંકલ્પ સાકરિત કરતા એક દિવસનું ફક્ત એક રૂપિયો લવાજમ રાખી ગુરુકુલનો પ્રારંભ કર્યો.
બાળકોને ભણાવવા એ જ કેવળ સ્વામીશ્રીનું ધ્યેય નહોતું, એમને તો ગુરુકુળ દ્વારા નવી પેઢીને વર્તમાન યુગના દૂષણોથી બચાવી, શુભ સંસ્કારોનું સીંચન કરવું હતું. બાળકોને ઉત્તમ રાષ્ટ્રભક્ત નાગરિક તરીકે કેળવવા હતાં. એ બધાને ભગવાનમાં જોડવા હતાં. ગુરુકુલ તો આ અંગેનું એક સાધન માત્ર હતું.
સ્વામીશ્રી ઘણી વખત કહેતા કે “ઘણા લોકો સંસ્થામાં આવે છે, ત્યારે કોઈ મોટાં મોટાં મકાનોનાં વખાણ કરે છે, કોઈ સારા ભણતરનાં વખાણ કરે છે, પણ અમારા મૂળ ધ્યેયને તો કોઈક જ સમજે છે. આજે ઘણા વિદ્યાલયો-કોલેજો છે. ભણનાર માટે સરકાર પણ ઘણી રીતે મદદરૂપ થાય છે, પરંતુ માત્ર ભૌતિકવિદ્યા આપવી એ અમારું સાધુનું લક્ષ્ય નથી. અમારે તો માણસમાંથી માણસ ઘડવા છે. આ ચૈતન્ય ફૂલડાંઓમાં સંસ્કારની સુવાસ પ્રગટાવવી છે અને તે ફૂલોને શ્રીહરિનાં ચરણમાં સમર્પી દેવાં છે.”
એક વખત કોઈએ સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી! તમે સાધુ થઈને ગૃહસ્થના છોકરા કેળવવાની પંચાતમાં કેમ પડ્યા?”
સ્વામીએ પોતાની લાક્ષણિક શૈલીમાં જવાબ દીધો, “અમે જે કપડાં પહેરીએ છીએ તે સમાજના છે. જે અન્ન જમીએ છીએ તે સમાજનું છે. માણસો કેટલી મહેનત કરી કમાય છે અને જીવનનિર્વાહ કરે છે, ત્યારે અમારે આ રીતે કોઈકની કમાણી ઉપર જીવવાનો અધિકાર નથી. આનો બદલો અમારે ચૂકવવો જ જોઈએ, નહિતર બીજે જન્મ કાં કોઈના બળદ થવું પડે ને કાં તો કોઈની ઘોડાગાડીના ઘોડા થવું પડે. અમારે એવું નથી થવું, માટે આ કરીએ છીએ.”
“સમાજના આ ઋણને કેમ ચૂકવવું? એ સવાલ અમારાં મનમાં રમ્યા કરતો; અમારાથી તમારે ત્યાં મજૂરીએ આવી શકાતું નથી કે તમારા ધંધાપાણીમાં મદદરૂપ થઈ શકાતું નથી. ખૂબ વિચાર કરતા અમને થયું કે આ ગૃહસ્થોના બાળકોને કેળવવાનું કામ કરવું, કારણ કે આજે જેમ પશુપંખીઓ બચ્ચાઓને જન્મ આપે છે એમ જ માણસ સંતાનોને જન્મ આપે છે, સંસ્કાર દેવાની એમને ફુરસદ નથી. શિક્ષણ ક્ષેત્રમાં અનેક સ્કૂલ અને કોલેજોમાં પણ સારા સંસ્કાર મળી શકે તેવું વાતાવરણ રહ્યું નથી, ત્યારે અમને થયું કે આ છોકરાં કેળવવાની સેવા અમારે સાધુઓએ ઉપાડી લેવી જોઈએ, એથી આ શરૂ કર્યું છે.”
સ્વામીશ્રીના નિઃસ્વાર્થ સેવાભાવથી, તપોબળથી અને ઈશ્વરની અથાહ કૃપાથી ગુરુકુલની સેવા પ્રવૃત્તિઓ ઉત્તરોત્તર વિકસતી ગઈ. છાત્રાલયની અને વિદ્યાલયની વિશાળ ઇમારતો સંતો અને વિદ્યાર્થીઓના સાચા શ્રમયજ્ઞથી તૈયાર થતી ગઈ. સ્વામીશ્રીના જમણા હાથ સમાન પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી અને જોગી સ્વામી જેવા પવિત્ર સંતોનો સાથ મળ્યો.
ગુરુકુલમાં તૈયાર થઈ બહાર જતા વિદ્યાર્થીઓના સંસ્કારી જીવનની સુવાસ સમાજમાં પ્રસરવા લાગી અને સમાજમાં આવા સંસ્કાર કેન્દ્રોના વિકાસની માગણી વધતા લાગી. પરિણામે ગુરુકુલની એક શાખા જૂનાગઢમાં થઈ અને બીજી અમદાવાદમાં.
ગુરુકુલનો પ્રારંભનો તબક્કો પૂજ્ય સ્વામી માટે ઘણો જ કસોટીમય હતો. સંપ્રદાયના લોકો તરફથી અનેક પ્રકારના અવરોધો ઊભા થતા. આ અવરોધો એવા હતા કે જેવો તેવો માણસ તો ક્યાંય ફેંકાય જાય, પરંતુ સ્વામીશ્રી તો દઢ મનોબળવાળા સંત હતા, કોઈ અવરોધ તેમને નડતો નહીં. લોકો તરફથી મુશ્કેલીઓ હદબહાર જતી, ત્યારે સ્વામીશ્રી કહેતા કે “આ તો પ્રસાદ છે. પ્રસાદ ! કસોટીઓ અને અવરોધો તો જીવનને ઘડનારાં – ઉત્તમ પરિબળો છે. માણસે કસોટીથી કાયર ન થવાય.” પૂજ્ય સ્વામી મૌનભાવે બધા જ આઘાત-ત્યાઘાતને સહન કરતા અને મક્કમતાથી પોતાના માર્ગે આગળ ધપતા રહેતા.
આશ્ચર્યની વાત એ હતી, કે એક બાજુ સંપ્રદાયના કેટલાક રૂઢિચુસ્ત વર્ગને પૂજ્ય સ્વામીનું આ સેવાકાર્ય રુચતું ન હતું, તો બીજી બાજુ સંપ્રદાય સિવાયનો ઈતરવર્ગ કોઈ પૂર્વગ્રહથી પીડાઈ રહ્યો હતો. સ્વામિનારાયણ નામ સાંભળીને તેઓ ભડકતા હતા. ગુરુકુલની સેવા પ્રવૃત્તિઓ ગમે તેટલી વિશાળ ભાવનાથી ચાલતી હોય, પણ તેને નજીકથી જોવા સમાજ તૈયાર ન હતો. આ બધી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી સ્વામીશ્રીને સેવા પ્રવૃત્તિઓ વિકસાવવાની હતી.
ગુરુકુલના સેવાકાર્યોની સુવાસ જેમ જેમ પ્રસરતી ગઈ, તેમ તેમ લોકોમાં ગુરુકુલ પ્રત્યેનું માન વધતું ગયું અને આખરે ઈશ્વરકૃપાથી સત્સંગ તેમજ સમાજના સર્વ વર્ગોમાં સંસ્થા ખૂબ જ આદરપાત્ર બની.
સ્વામીશ્રીની સેવાપ્રવૃત્તિઓ સંપ્રદાય પૂરતી સિમિત ન હતી. તેઓશ્રીની સેવા પ્રવૃત્તિઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ આદેશને અનુરૂપ જીવપ્રાણીમાત્રના કલ્યાણ માટે હતી.
જગતકલ્યાણ માટે અવતરેલા મહાપુરુષો સદ્પ્રવૃત્તિઓમાં ક્યારેય પ્રમાદ કરતાં નથી. સ્વામીશ્રી સદૈવ સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા. ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ હતો...
“કોઈને દુઃખિયો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય,
અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દષ્ટિ રે દેખી વાનાજ વાળે.”
સ્વામીશ્રીના જીવનમાં આવી કરૂણાદૃષ્ટિ સહજ રીતે વણાઈ ગઈ હતી અને તેથી જ તેઓશ્રી દીન-દુઃખી-દરિદ્રીઓ અને રોગથી પીડાતા મનુષ્યોની સેવા આજીવન કરતા રહ્યા. તેઓશ્રીએ ગુરુકુલને આંગણે કાયમી ધોરણે દુઃખિયા જીવો માટે અનેક સેવાકેન્દ્રો ખોલ્યાં. ઉપરાંત દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી હોનારતોમાં કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વિના અન્ન, વસ્ત્ર તથા જીવન-જરૂરિયાતના તમામ પદાર્થ પૂરા પાડતા.
સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વામીશ્રીએ સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયને નવો દૃષ્ટિકોણ આપ્યો અને સંપ્રદાયના આગેવાનો આ સેવાકાર્યનું મહત્વ સમજતા થયા અને સમાજમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સાચા સેવાભાવની સુવાસ પ્રસરવા લાગી.
સમાજસેવાની આ સમસ્ત પ્રવૃત્તિઓની પાછળ પણ સ્વામીશ્રીનો આગવો દૃષ્ટિકોણ રહેતો. તેઓ કહેતા કે “સંતો ! આપણે પરોપકાર કરવાનો નથી, પણ પૂજા કરવાની છે. પરોપકાર કરનારા આપણે કોણ? ‘પરોપકાર' શબ્દ દીન અને દુઃખી વ્યક્તિના હૃદયમાં હીનતાની ભાવના અને દેનારના હૃદયમાં અહંકારની ભાવનાને દઢ કરાવે છે. આપણે તો સેવક છીએ, ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વના હૃદયમાં બેઠા છે. આ બધી જ સેવા પ્રવૃત્તિઓ એ તો સાચા અર્થમાં મહારાજની પૂજા છે. પૂજામાં સમપર્ણ છે. પૂજક હમેશા નાનો હોય અને પૂજ્ય શ્રેષ્ઠ હોય. સત્કર્મોનો પણ આપણા હૃદયમાં અહંકાર ન હોવો જોઈએ. જે કરવું તે પૂજનની દૃષ્ટિથી કરવું, પણ પરોપકારની દૃષ્ટિથી નહીં.”
૮૭ વર્ષના દીર્ધ જીવન દરમિયાન તેઓશ્રીએ સમાજસેવાના મોટાં મોટાં આયોજનો કર્યા, લાખો રૂપિયા વપરાયા, પરંતુ ભગવાને એ વગર માગ્યે પૂર્ણ કરાવ્યાં. આશ્ચર્ય તો એ હતું કે તેઓશ્રીએ સત્કાર્ય માટે પણ ક્યારેય ફંડફાળાની ઝોળી ફેરવી નથી. ‘આજીવન અયાચક’ રહેવું એ એમનું વ્રત હતું. ‘સ્વાર્થ માટે તો નહિ, પણ પરોપકાર માટે પણ માગવું નહિ’ એ એમની ટેક હતી.
તેઓ કહેતા કે, “મારે માગવું હશે તો મહારાજ પાસે જ માગીશ, માણસ પાસે નહિ. ભગવાનમાં આસ્થા હોય તો ભગવાન ગમે તે રીતે પૂરું કરે છે. અમે સાધુઓ તો ભગવાનને ખોળે બેઠા છીએ, હવે જો ભીખ માંગીએ તો ભગવાનને શરમ આવે. એમાં પણ ભગવાન માટે ભીખ માગવી એ તો અધ્યાત્મજીવનની મોટી વિડંબના છે ! ભગવાનમાં નિષ્ઠા રાખી નિષ્કામભાવે કોઈ કામ આદરીએ, તો ભગવાન ક્યારેય અધૂરું રહેવા દેતા નથી.”
પૂજ્ય સ્વામીની તમામ સેવા-પ્રવૃત્તિઓ કેવળ નિષ્કામભાવે થતી. એમનું અયાચક વ્રત અબાધિત રહેતું. એમણે ધારેલો સંકલ્પ ભગવાન અદ્ભૂત રીતે પાર પાડતા.
આજનો ભંયકર મોંઘવારીનો જમાનો, ગુરુકુલનું રોજનું લવાજમ માત્ર રૂપિયો એક, તેમાં વિદ્યાર્થીઓની રહેવાની, જમવાની, ઔષધની, પુસ્તકોની સગવડતા પૂરી પાડવાની. સાથોસાથ સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવાની, સંસ્થાના બાંધકામો વગેરે વિકાસના કામો કરવાનાં, આ બધું વગર ફંડફાળે કઈ રીતે શક્ય બને?
કોઈને પણ ગળે ઊતરે નહિ એવી આ વાત છે, પરંતુ સ્વામીશ્રીને ભગવાનમાં નિષ્ઠા અનન્ય હતી. તેઓ કહેતા કે “ભગવાને નરસૈયાની હૂંડી એકવાર સ્વીકારી, મારી તો વર્ષોવર્ષ સ્વીકારે છે. આ બધું ભગવાન જ પૂરું કરે છે ને ! ભગવાનને રાજી કરવા આ પરોપકારનું પરબ માંડ્યું છે. એમાં પાણીની જરૂર પડે છે ત્યારે પરમેશ્વર ગમે તેને પ્રેરણાદે છે, પરબમાં પાણી આવ્યા જ કરે છે અને હું બે હાથે ઉલેચ્યા કરું છું.”
સ્વામીશ્રીએ આરંભેલું આ સેવાકાર્ય અમદાવાદમાં મેમનગર ગુરુકુલ તથા SGVP માં આજે પણ અવિરતપણે ચાલુ છે. આજે આટલી મોંઘવારીમાં પણ અહીં માત્ર એક રૂપિયા લવાજમમાં વિદ્યાર્થીઓ રહે છે અને ભણે છે. SGVP ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ રાહતદરે ભણે છે. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં બાળકો વિનામૂલ્ય સંસ્કૃતનો અભ્યાસ કરે છે.
સ્વામીશ્રીના જીવનમાં વ્યક્તિપૂજાને સ્થાન નહોતું. પૂજા અને પ્રશંસા એમને પ્રિય નહોતા. કોઈ વખાણ કરે, કોઈ જય બોલાવે તે ગમતું નહિ. તેઓ કહેતા કે “સાધુના વખાણ તો મર્યા પછી, અગ્નિસંસ્કાર થઈ જાય, રાખ પાણીમાં પધરાવાઈ જાય, પછી જ કરવા.”
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે તેઓ ગુરુઓના ગુરુ એવા ભગવાનની પૂજા કરાવતા. રથયાત્રાનો પાવનકારી દિવસ સ્વામીશ્રીનો જન્મદિવસ હતો, પરંતુ તેઓએ ક્યારેય જન્મદિવસ ઉજવાવા દીધો ન હતો. એ દિવસે તેઓ વિશેષ ભજન કિરતા અને કરાવતા.
સ્વામીશ્રી પોતાની પાસે આવનારાઓને સીધા ભગવાનમાં જોડતા, ક્યારેય આડકતરી રીતે પણ પોતાના સામે આંગળી ચીંધતા નહિ. તેઓને કોઈ તેમના ખોટા વખાણ કરી લલચાવી શકતું નહિ કે ગમે તેવી ટીકા તેમને તેમના ધ્યેયમાંથી તેમને ચલિત કરી શકતી નહિ.
સ્વામીશ્રી બાહ્ય આડંબર કે ભભકામાં બિલકુલ માનતા નહિ. તેઓશ્રીનું જીવન બિલકુલ સાદગીભર્યું હતું. ગુરુકુલમાં જ્યાં એમનું આસન છે, ત્યાં આરસ કે મોઝેક ટાઈલ્સ પણ નાખવા દીધા ન હતા. તેઓ કહેતા “આપણે તો સાધુ છીએ. જેનું જીવન સાદું એ જ સાધુ. સાધુના જીવનમાં કોઈ મોજશોખ કે ભભકા ન જોઈએ. સાધુની શોભા બાહ્ય દેખાવમાં નથી, સાધુની શોભા તો સાધુતાના ગુણોથી છે.” ૮૨ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તેમનું આસન જમીન ઉપર જ રહ્યું. અવસ્થાને કારણે શરીરમાં બેસવા-ઉઠવાની ખૂબ જ તકલીફ થઈ, ત્યારે ભક્તોએ વિનંતી કરીને માંડ માંડ લાકડાની પાટ નખાવી.
મુસાફરી દરમિયાન પૂજા વગેરે સામાન ભરવા સાદા ડબ્બાના પતરાંમાંથી એક પેટી બનાવેલી, જે પેટી ચાલીસ વર્ષ સુધી ચલાવી. કાતર, સોય, દોરા જેવી નાની નાની ચીજો પણ વર્ષો સુધી સાચવતા. તારીખિયાનાં પાનાં ફાટે તે ઓશિકા નીચે મૂકી રાખતા અને બિલ્ડીંગોના બાંધકામની કાંઈ ગણતરી કરવી હોય, તેમાં તેનો ઉપયોગ કરતા. તેઓ કાયમ કહેતા, જેના જીવનમાં ઓછી જરૂરિયાત છે, તે જ સુખી છે.” પોતે દિવસમાં એક વખત ભોજન લેતા અને તે પણ અલ્પ માત્રામાં.
સ્વામીશ્રીનું જીવન સતત સ્વાધ્યાયશીલ હતું. પોતે ક્યારેય નવરા તો બેસતા જ નહિ. હમેશા પૂજા પૂર્ણ કરીને વચનામૃત અધ્યયન કરતા તેમજ અન્ય પ્રવૃત્તિ ન હોય, ત્યારે આસને બેઠા બેઠા સદ્ગ્રંથોનું સતત વાચન કર્યા કરતા. એમાં પોતાને ગમતા મુદ્દાઓને સાંજની સત્સંગ સભામાં અવશ્ય ટાંકતા. તેઓશ્રીની પાસે દરરોજ કોઈને કોઈ સદ્ગ્રંથની કથાવાર્તા થતી રહેતી, જેમાં આશ્રમના તમામ સંતો અને શહેરના મુમુક્ષુ ભક્તજનો સારી સંખ્યામાં હાજરી આપતા. પોતાનું શરીર અસ્વસ્થ હોય છતાં પણ કથાપ્રસંગ ચાલે ત્યારે એવી બળભરી વાતો કરતા, કે જાણે શરીરમાં કોઈ બિમારી છે જ નહિ.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણનારાયણે પ્રબોધેલો અનાસક્ત યોગ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં સહજ રીતે ઓતપ્રોત હતો. તેઓશ્રી ગુરુકુલની આટલી મોટી સેવાપ્રવૃત્તિઓ કરતા, પરંતુ તે સત્કાર્યોનો અહં એમના અંતઃકરણને સ્પર્શતો નહીં. ઉપરાંત તેઓ સતત સાવધાન રહેતા કે ક્યાંય શિષ્યોમાં કે સત્પ્રવૃત્તિઓમાં પણ મારે આસક્તિઓ રહી જતી નથીને! તેઓ કહેતા કે, “આ ગુરુકુલ એ કાંઈ મારે ગળે ઘંટ બાંધ્યો નથી. અંતરમાં સતત જોતો રહું છું કે મહારાજની મૂર્તિ ભૂલી નથી જતો ને! આ બધી સમ્રવૃત્તિઓનું મને બંધન તો નથી થતું ને! પરંતુ ભગવદ્ કૃપાથી અંતરમાં સદૈવ અજવાળું રહે છે.”
સ્વામીના જીવનમાં ગાંધીજી જેવી જ કરકસર વણાયેલી હતી. તારીખિયાના પાનાના પાછલા કોરા ભાગનો પણ તેઓ ઉપયોગ કરી લેતા. ગુરુકુલનો વહીવટ કરસકર ભરી રીતે ચલાવતા. ક્યાંય કોઈ પદાર્થનો બગાડ થવા દેતા નહીં. તેઓ કહેતા, ગૃહસ્થો કેટલી મહેનત કરીને ધન કમાય છે, સત્કાર્ય માટે દાન કરે છે, ત્યારે આપણે જો બગાડ કરીએ, દુરઉપયોગ કરીએ કે અંગત મોજ-શોખ માટે ઉપયોગ કરીએ તો આપણે ઈશ્વરના ઘરના ગુનેગાર બનીએ.
ગુરુકુલમાં બાંધકામ વગેરે મોટાભાગના કાર્યો શ્રમયજ્ઞથી થતા. પરિણામે સમાજનો એક રૂપિયો સવા રૂપિયો થઈને સમાજને પાછો મળતો.
સ્વામીશ્રી અનેક પ્રકારની સમાજસેવાની પ્રવૃતિઓ આજીવન કરતા રહ્યા. તેઓ સંકલ્પસિદ્ધ પુરુષ હતા. તેમના કોઈ સંકલ્પ અધૂરા રહેતા નહિ. ઘણા સમયથી તેમના મનમાં રહ્યા કરતું કે આ ૭૫ જેટલા સંતો મારામાં વિશ્વાસ રાખી સંસારના સુખોનો ત્યાગ કરી, ઘરબાર છોડી, ભગવાનના આશરે આવ્યા છે. તેઓને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જવા એ મારી પવિત્ર ફરજ છે. તેઓશ્રીએ ઋષિકેશ જેવાં પવિત્ર સ્થાનની પસંદગી કરી અને જીવન-સુધારણા તથા સત્સંગ-સાધના શિબિરની યોજના કરી ગુરુકુલના બધા જ સંતો અને આશરે અઢીસો જેટલા સાધકો સાથે ઋષિકેશમાં ગંગાકિનારે વેદનિકેતન આશ્રમમાં એક માસ રહ્યા.
હિમાલયના પવિત્ર વાતાવરણમાં ભાગીરથીની ગોદમાં મન સહેજે સત્વગુણથી ભરાઈ જતું. અનુપમ શાંતિ અને દિવ્ય આનંદનો અનુભવ થતો. સહજભાવે નિર્વિચાર બનેલું મન મહારાજની મૂર્તિમાં નિમગ્ન બનતું.
સ્વામીશ્રી ૮૭ વર્ષની ઉંમરે પણ બહાર અનુષ્ઠાન સ્થાને અઢી કલાક સુધી એક આસને બેસી જપ કરતા અને પ્રસંગોપાત સભા કરી મંગલ પ્રવચન આપતા. મોટા સંતો અને શ્રીજીમહારાજનાં અવતરણનો હેતુ સમજાવતા. આ રીતે એક માસ સુધી સર્વે સંતો-ભક્તોને સાથે રાખી સ્વામીએ સર્વના મનનાં મેલ ધોઈ નાખ્યા, અંતર શુદ્ધ કર્યા. આ શિબિરનું કાર્ય સત્સંગમાં પ્રેરણારૂપ અને અજોડ હતું.
ઋષિકેશની ઠંડી અને ઠંડા જળનાં નિત્યસ્નાનથી પૂજ્ય સ્વામીના શરીર ઉપર વિપરિત અસર થઈ. ઋષિકેશથી આવ્યા બાદ શરીરે નબળાઈ વધી ગઈ. પૂજ્ય સ્વામીના અંતરમાં જગત પ્રત્યેની ઉદાસીનતા વધવા લાગી. સર્વમાંથી વૃત્તિઓ પાછી વાળી, વધુ ને વધુ ભગવાનની મૂર્તિમાં રહેવા લાગ્યા. પૂજ્ય સ્વામીને મળવા માટે અનેક એકાંતિક ભક્તો આવતા. પૂજ્ય સ્વામી હવે સર્વને એક જ વાત કરતા કે “હવે તો હું મહેમાન છું. આ ગુરુકુલની શુભપ્રવૃત્તિઓમાં પણ મને હવે કોઈ રસ રહ્યો નથી. હવે તો મહારાજ ક્યારે તેડવા માટે આવે, તેની રાહ જોઈ રહ્યો છું.”
સ્વામીની પ્રકૃતિ સહજભાવે આકરી હતી, પણ છેલ્લા એકાદ વર્ષથી પ્રકૃતિ બદલાવી લીધી હતી. કોઈને કાંઈ કહેવાનું થાય તો પણ ખૂબ જ ધીરજથી કહેતા.
અવસ્થાને લીધે સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. હરિભક્તના આગ્રહથી સ્વામી મુબંઈ પધાર્યા. નિદાન ચાલુ હતું, ત્યાં અચાનક સ્વામીશ્રીએ આગેવાનોને બોલાવી કહ્યું, “ટિકિટ મગાવો, મારે રાજકોટ જવું છે.”
ભક્તોએ કહ્યું, “સ્વામી! હજુ એક-બે ટેસ્ટ બાકી છે, તે પૂરા કરાવી લઈએ. પછી તમે રાજકોટ જજો.” સ્વામીશ્રીએ મર્મમાં કહ્યું, “અહીં હવે કોઈ ટેસ્ટ બાકી નથી, એક જ ટેસ્ટ બાકી છે, તે હવે રાજકોટમાં અપાશે.”
સ્વામીશ્રીની પાસે કોઈ કાંઈ બોલી શક્યું નહીં. સ્વામીશ્રી રાજકોટ પધાર્યા. તેઓશ્રીએ શરીર છોડ્યાના ચાર દિવસ પહેલાની આ વાત છે. સ્વામીશ્રીની નજીકમાં બેસનારા ભક્તોમાં કેશોદવાળા ગોવિંદબાપા હતા. સ્વામીશ્રીએ એમને પાસે બોલાવી કહ્યું, “ગોવિંદભાઈ! હવે ચાર દિવસ પછી આ શરીર નહીં હોય, મહારાજ તેડી જશે. શરીર છોડવા જ રાજકોટ આવ્યો છું.”
ધામમાં જવાને આગલે દિવસે રાત્રિના સમયે પોતાની પૂજા મંગાવી દર્શન કર્યા. જનોઈ બદલવાનો કોઈ પ્રસંગ ન હોવા છતાં જનોઈ બદલી. ધામમાં જવાની તૈયારી કરી બધા જ સંતોને ભેગા કર્યા. બહારગામ ફરતા હતા તેઓને પણ બોલાવી લીધા અને છેલ્લી ભલામણ કરી, “સંતો! આ શરીરરૂપી ચાદર ૮૭ વર્ષ સુધી ઓઢી, પરંતુ ભગવાન અને મોટા સંતોની કૃપાથી એને દાગ લાગ્યો નથી, હવે અમને કાંઠો દેખાઈ ગયો છે એટલે હવે નિશ્ચિત થઈ ગયા છીએ. મારી કોઈ ગાદી નથી, મારો કોઈ વારસો નથી. આ સંસ્થા ભગવાનની છે. હજારો આત્માઓને અધ્યાત્મને પુનિતપંથે વાળવા ગુરુકુલની સ્થાપના થયેલી છે. બને તેટલી સેવા કરજો અને ધર્મમાં રહેજો. ધર્મમાં રહેશો તો ભગવાન તમારી સાથે રહેશે.”
ધામમાં જતા પહેલાનો સ્વામીશ્રીનો આ અંતિમ ઉપદેશ હતો.
શ્રીજીમહારાજે અનેક આત્માઓના ઉદ્ધાર માટે પૃથ્વી ઉપર મોકલેલ આ મુક્તપુરુષે પોતાનાં જીવનનાં સર્વ કાર્યો પૂરા કરી સં. ૨૦૪૪ મહા વદી ૨, તા.૫-૨-૧૯૮૮ના રોજ આ લોકમાંથી પ્રભુસ્મરણ સાથે પરમ શાંતિ અને સંતોષ સાથે વિદાય લીધી. પોતે ગયા તો ખરા, પણ એક સંત તરીકે કેમ જીવન જિવાય તેનો ઉત્તમ આદર્શ આપતા ગયા. તેઓશ્રીએ આજીવન અથાગ પરિશ્રમ કર્યો તથા પોતાની જાતને ચંદનની જેમ ઘસી નાખી. તેઓ ભલે ગયા, પણ તેમના જીવનની સુવાસ સમગ્ર સમાજ તેમ જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદાય મહેકતી રહેશે.
સ્વામીશ્રી તો અક્ષરધામમાં મહારાજના મુક્તોની પંક્તિમાં ભળી ગયા, પરંતુ તેમણે જે જે સેવા પ્રવૃત્તિઓની જ્યોતો પ્રગટાવી છે તે ચીર કાળ સુધી ઝળહળતી રહેશે અને સ્વામીશ્રીની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ રાખશે.
પુરાણી સ્વામી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ પોતાના શ્રેષ્ઠ શિષ્યને જે જ્ઞાનવારસો આપ્યો હતો, એ સહજાનંદી અને ગુણાતીત જ્ઞાનવારસો હતો. સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ એ જ્ઞાનવારસાનું જતન કર્યું હતું અને વિશાળ ફલક ઉપર વિસ્તાર્યો હતો. એ જ જ્ઞાનવારસાને એમના કૃપાપાત્ર શિષ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી પણ જતનથી જાળવી રહ્યા છે અને વિશ્વફલક ઉપર વિસ્તારી રહ્યા છે.
પુરાણી સ્વામી ગોપીનાથદાસજીએ જ્ઞાનવારસાના પ્રતિક રૂપે જે ગ્રંથો આપ્યા હતા, એ જ ગ્રંથોનો વારસો પણ આજે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીને પ્રાપ્ત થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સિદ્ધાંતોને અનુસરીને શાસ્ત્રીજી મહારાજે જે સેવાકાર્યોનો વિસ્તાર કર્યો હતો, એ સેવાકાર્યો પણ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીએ વિશ્વફલક ઉપર વિસ્તાર્યા છે.
સ્વામીશ્રીના કૃપાપાત્ર શિષ્ય સ્વામી માધવપ્રિયદાસજીની દૃષ્ટિ સર્વગ્રાહી રહી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની દીર્ઘદૃષ્ટિને પારખી અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભવ્ય સંસ્થાનું નિર્માણ કર્યું છે, જેમાં આજે અનેક દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોના જતન માટે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી છે, જેની સુગંધ સમસ્ત ભારતવર્ષમાં પ્રસરેલી છે.
સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વિઝન અને માર્ગદર્શન પ્રમાણે આજે SGVP દ્વારા અનેક પ્રકારના શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે. સ્વામીજી દ્વારા થતા સેવાકાર્યોને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બિરદાવતા રહ્યા છે.
ગુરુકુલના માધ્યમ દ્વારા હજારો દીકરાઓ સુસંસ્કારિત થઈ દુનિયાના ખૂણેખૂણે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે, ત્યારે દીકરીઓ માટે પણ ગુરુકુલની સ્થાપના થાય તેવી સમાજની તીવ્ર માંગને સ્વામીજીએ વધાવી છે અને આજે ગીર વિસ્તારમાં દ્રોણેશ્વર ગુસ્કુલ ખાતે મોટી સંખ્યામાં દીકરીઓના અભ્યાસની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. દીકરીઓ અહીં અભ્યાસની સાથે સાથે પોતાનો સર્વાગીણ વિકાસ સાધી રહી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે બાંધાલી મર્યાદામાં રહીને જ્યારે આ ઐતિહાસિક કાર્યનો આરંભ કરવામાં આવ્યો, ત્યારે સમાજના આગેવાનો અને હજારો લોકોએ આ સરાહનીય કાર્યને હર્ષભેર વધાવી લીધું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણની સદ્વિદ્યા પ્રવર્તનની આજ્ઞાને અનુરૂપ સ્વામીએ શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી સેવાઓ કરી છે.
ગામડાના નાનામાં નાના ગરીબ પરિવારોના બાળકો પણ સંસ્કારયુક્ત શિક્ષણ લઈ શકે એ માટે એમણે રોજના ફક્ત એક રૂપિયા લવાજમમાં હજારો બાળકોને ભણાવ્યા.
સ્વામીશ્રી દ્વારા પ્રસ્થાપિત એક રૂપિયા લવાજમની પરંપરા આજે પણ અમદાવાદ ગુરુકુમાં ચાલી રહી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું સૂત્ર છે, “કુસંગીના ફેલમાં સત્સંગના રોટલા.”
ભગવાન શ્રી સ્વામિનારાયણે જબરું વ્યસનમુક્તિ આંદોલન ચલાવ્યું હતું. પરિણામે હજારો લોકોના જીવન નિરામય બન્યા હતા. તેઓના આર્થિક વ્યવહારો સદ્ધર થયા હતા.
સ્વામીશ્રીએ આ જ પરંપરાને અનુસરીને વ્યસનમુક્તિની જબરી ઝુંબેશ ચલાવી હતી. એમાં પણ એમણે ભગવાન શ્રી સ્વામિનારાયણના દ્વિશતાબ્દી વર્ષે બસો ગામડાઓને નિર્વ્યસની કરવાનો સંકલ્પ કર્યો હતો. આ ભગીરથ કાર્ય માટે સ્વામીશ્રીની પ્રેરણાથી પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી વગેરે ગુરુકુલના સંતો ગામડે ગામડે ફરી વળ્યા હતા અને સ્વામીશ્રીનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિનું મૂળ શાસ્ત્ર છે. શાસ્ત્રરક્ષા સંસ્કૃતિરક્ષા છે એવા હેતુથી સ્વામીએ રાજકોટમાં સંસ્કૃત પાઠશાળાની શરૂઆત કરાવી અને મોટી સંખ્યામાં સંતો તથા ઋષિકુમારોને પારંગત કર્યા. સ્વામીનું આ કાર્ય આજે SGVP માં વિશાળ ફલક ઉપર વિસ્તર્યું છે અને ચાર વેદ તથા સત્શાસ્ત્રોનો અભ્યાસ સંતો તથા ઋષિકુમારો વિના મૂલ્ય કરી રહ્યા છે.
સ્વામીશ્રીનું જીવન જ જપમય હતું. કોઈપણ ક્રિયામાં તેઓશ્રી મહારાજની મૂર્તિનું અનુસંધાન ચૂકતા નહિ. સ્વામીશ્રીએ વિચાર કર્યો કે સમાજમાં જપયજ્ઞનો પ્રચાર થાય, તો સહેજે સમાજની અશાંતિ દૂર થાય. તેથી તેમણે ગામડે ગામડે મંત્રલેખન, માળા, સ્રોતપાઠ, સ્વાધ્યાયની પુનિત પ્રવિત્તિઓ પૂરજોશમાં શરૂ કરાવી ને આ અનુષ્ઠાનના અનેક હોમાત્મક પુરશ્ચરણો રૂપે ગુરુકુલના પરિસરમાં મોટામોટા વિષ્ણુયાગો કરાવ્યાં. ગુરુકુલની ધરતીના કણેકણ ભગવાનના પુનિત મંત્રોથી પાવન થયા છે. પરિણામે આ પુણ્યભૂમિમાં પ્રવેશ કરનાર અપાર શાંતિ અનુભવે છે.
ભારતવર્ષમાં તીર્થયાત્રાનો મહિમા અનાદિકાળથી ચાલ્યો આવે છે. સ્વામીશ્રીને સંકલ્પ થયો કે, ગામડાના અનેક ભક્તજનોને તીર્થયાત્રા અને ભારતદર્શન કરવાનો સંકલ્પ હોય છે, પણ આર્થિક સ્થિતિ સદ્ધર હોતી નથી. ઉપરાંત બીજી પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ હોય છે. એટલે તેઓ પોતાનો સંકલ્પ પૂર્ણ કરી શકતા નથી. આ માટે કંઈક કરવું જોઈએ. આમ વિચારી તેઓશ્રીએ સાવ નજીવા દરે સાત સાત વખત સ્પેશયલ યાત્રા ટ્રેનોનું આયોજન કર્યું અને ગામડાના હજારો ગરીબ માણસોને તીર્થયાત્રાઓ કરાવી અને ભારતદર્શન કરાવ્યા.
સ્વામીશ્રીને તથા કવિશ્રી ત્રિભુવનભાઈને થયા કરતું કે આ પ્રેરણાત્મક સાહિત્ય જનસમુદાયને સુલભ બને તેવું કંઈક કરવું જોઈએ. સ્વામીએ સાહિત્ય પ્રકાશનની પ્રવૃત્તિને વેગ આપ્યો. ગુરુકુલનાં પરિસરમાં મુદ્રણાલયની સ્થાપના થઈ. સંપ્રદાયના સારા સદ્ગ્રંથો રાહતદરે પ્રકાશિત કરવાની ગોઠવણ કરી. આજે વિજ્ઞાનના વિકાસ સાથે પ્રચાર માધ્યમોમાં ધરખમ ફેરફાર થયો છે. આ માધ્યમનો સદ્ઉપયોગ કરી સ્વામીશ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદસંતોના જીવન અને કવનને વણી લેતી ઘણી કેસેટો બહાર પાડી, સત્સંગમાં બહોળો પ્રચાર કર્યો.
મનુષ્યોનો ભૌતિક વિકાસ થાય એની સાથોસાથ આધ્યાત્મિક વિકાસ પણ એટલો જ જરૂરી છે. પ્રાચીન યુગમાં ઋષિમુનિઓ નૈમિષારણ્ય જેવાં ક્ષેત્રમાં એકઠાં થઈ બ્રહ્મસત્રો કરતા. એ પરંપરાને અનુસરીને સ્વામીશ્રીએ પ્રત્યેક શ્રાવણ માસમાં રાજકોટ ગુરુકુલને આંગણે બ્રહ્મસત્રો અને અમદાવાદ ગુરુકુલને આંગણે જ્ઞાનસત્રો યોજ્યા.
સ્વામીશ્રીના સેવાકાર્યોની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઈ રહી. ગુરુકુલમાં અભ્યાસ કરી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં જતા, ત્યાં દેશ-વિદેશમાં સદાચારની સુવાસ ફેલાવતા. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ તથા ભક્તજનોએ સ્વામીશ્રીને આફ્રિકા તેડાવ્યા. આ યાત્રાથી વિદેશમાં સત્સંગનો ખૂબ સારો પ્રચાર થયો. ત્યાર બાદ અને ૧૯૭૮માં અમેરિકા અને યુરોપમાં વસતા ગુરુકુલના ભૂતપૂર્વવિદ્યાર્થીઓ અને હરિભક્તોએ પૂજ્ય સ્વામીને ફરીને સત્સંગયાત્રા માટે વિદેશ તેડાવ્યા. ત્યારબાદ તો સ્વામીશ્રીએ ચાર ચાર વિદેશયાત્રાઓ કરી અને ત્યાં વસતા લોકોના જીવનમાં ઇશ્વરનિષ્ઠા અને સદાચારનું સિંચન કર્યું.
‘ગાયો વિશ્વસ્ય માતર:’ સૂત્રને સાકારિત કરતા પૂજ્ય સ્વામીએ મોટા પાયે ગૌશાળાની સ્થાપના કરી અને ભારતીય નસ્લની ગાયોના સંવર્ધનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું.
પૂજય સદ્ગુરુ જોગી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી
સદ્ગુરુ કોઠારી સ્વામી દેવકૃષ્ણદાસજી
સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી
પૂજય કોઠારી સ્વામી હરિજીવનદાસજી
પૂજય સ્વામી નિરન્નમુકતદાસજી
સદ્ગુરુ પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી
ભંડારી સ્વામી શ્રીહરિપ્રસાદદાસજી
સાધુ મોહનપ્રસાદદાસજી સ્વામી
સાધુ ઘનશ્યામજીવનદાસજી સ્વામી
સહતંત્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી
પુરાણી શ્રીહરિદાસજી સ્વામી
સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી
સદ્ગુરુ પુરાણી જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી
સાધુ વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી
સાધુ નારાયણપ્રસાદદાસજી સ્વામી
સાધુ નારાયણસેવાદાસજી સ્વામી
પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી
સાધુ વાસુદેવપ્રસાદદાસજી સ્વામી
પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી
પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી
સાધુ ભકિતવલ્લભદાસજી સ્વામી
સાધુ પ્રભુચરણદાસજી સ્વામી
સાધુ સંતવલ્લભદાસજી સ્વામી
સાધુ કેશવજીવનદાસજી સ્વામી
પુરાણી માધવજીવનદાસજી સ્વામી
સાધુ રામાનુજદાસજી સ્વામી
સાધુ ધર્મપ્રિયદાસજી સ્વામી
સાધુ ધર્મપ્રકાશદાસજી સ્વામી
સાધુ માધવચરણદાસજી સ્વામી
સાધુ શ્વેતવૈકુંઠદાસજી
શાસ્ત્રી નિર્મળદાસજી સ્વામી
પુરાણી કૃષ્ણસ્વરુપદાસજી સ્વામી
સાધુ ધર્મપ્રસાદદાસજી સ્વામી
સાધુ હરિકૃષ્ણદાસજી સ્વામી
સાધુ ગોવિંદસ્વરુપદાસજી સ્વામી
સાધુ ભગવાનદાસજી સ્વામી
સાધુ નીલકંઠદાસજી સ્વામી
પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી
શાસ્ત્રી હરિનારાયણદાસજી સ્વામી
સાધુ વિશ્વપ્રકાશદાસજી સ્વામી
સાધુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ગવૈયા ઈશ્વરચરણદાસજી સ્વામી
સાધુ ઉત્તમચરણદાસજી સ્વામી
સાધુ શ્રીવલ્લભદાસજી સ્વામી
સાધુ કૃષ્ણજીવનદાસજી (ધોળ કપડે)
સાધુ જગતપાવનદાસજી (ધોળ કપડે)
પાર્ષદ રવજી ભગત
પાર્ષદ કનુ ભગત
પાર્ષદ પુરુષોત્તમ ભગત
પાર્ષદ શામજી ભગત
પાર્ષદ બાલુ ભગત
પાર્ષદ આત્મારામ ભગત
પાર્ષદ ત્રિભુવન ભગત
પાર્ષદ વશરામ ભગત
પાર્ષદ ચંદુ ભગત
પાર્ષદ અર્જુન ભગત
પાર્ષદ મનુ ભગત