(જીવન અને સત્સંગ સેવા)
ઉગે કમળ પંકે, તદપિ દેવ શિરે ચડેઃ
કહેવાય છે કે સંતને સેવે તે વ્યક્તિ અવશ્ય સંત સમાન બની જાય છે; અને સત્સંગના મહિમા પ્રત્યે સપૂર્ણ આદરભાવ રાખીને, તન-મન-ધનથી સંતસેવા કરે તો પતંગિયા સમાન જીવો પણ સૂર્ય સરખા તેજસ્વી બનીને ઝળહળી ઉઠે છે!!
ઉપરોક્ત વિધાનના ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ જીવતર જીવીને તથા વિશાળ ફલક પર સેવાકાર્યો કરીને પાર્ષદ શ્રી નારાયણ ભગત સહજ રીતે જ અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળી ગયા. અક્ષર નિવાસી પૂજ્ય પાર્ષદવર્ય શ્રી નારાયણ ભગતની આછી જીવનરેખા વાચકોને અત્યંત પ્રેરણાદાયી નીવડશે એવા શુભ આશયથી; પૂજ્ય ભગતજીના સ્વમુખેથી નિખાલસભાવે સાંભળેલી અને અનુભવેલી તેઓશ્રીની સત્સંગ સભર જીવનયાત્રા અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
પાર્ષદ શ્રી નારાયણ ભગતનું મૂળ નામ પુનાભાઈ હતું અને તેઓશ્રી જ્ઞાતિએ કુંભાર હતા. એમના માતાનું નામ ગંગામાં તથા પિતાનું નામ જેરામભાઈ હતું. ઇ.સ. ૧૯૨૦માં જામનગર જિલ્લાના વંથલી પાસેના રોજીયા ગામે જન્મેલા પુનાભાઈનો લગ્નવિધિ પણ દશ-બાર વર્ષની નાની ઉંમરે જ થઇ ગયો હતો! અત્રે નોંધનીય છે કે બિલકુલ નાની વયમાં જ તેઓશ્રીએ પિતાશ્રીનું છત્ર ગુમાવ્યું હતું. એટલું જ નહિ, પરંતુ તેઓના માતુશ્રી પણ લગભગ તે અરસામાં જ સ્વર્ગવાસી થઇ ગયા હતા!
રોજીયા સરીખા બિસ્કુલ નાના ગામમાં રોજી રોટી કમાવાની મોટી મુંઝવણ હોવાથી પુનાભાઈ સોળ વર્ષની નાની ઉમરે નોકરી ધંધા અર્થે રાજકોટ શહેરમાં ગયા.
તે સમયમાં ૫. ભ. શ્રી શિવાભાઈ શેઠ રાજકોટ સ્ટેટના ફોટોગ્રાફર હતા. પ્રભુકૃપાથી પુનાભાઈને તેઓના બંગલામાં જ ઘરકામ કરવાની સાથે બાળકોની દેખભાળ રાખવા માટેની નોકરી મળી ગઇ!
... અને એ રીતે પુનાભાઈ રાજકોટ શહેરમાં નહીં, ઠરીઠામ(સ્થાયી) થયા.
શ્રી શિવાભાઈ સોલંકી પોતે તો એક ઉત્તમ કોટિના હરિભક્ત હતા જ, પરંતુ તેમના ધર્મપત્ની લક્ષ્મીબેન પણ સત્સંગ અને સંતો પ્રત્યે અપાર મહિમાભાવ ધરાવતા સન્નારી હતા!
આવા સત્સંગપ્રેમી કુટુંબમાં નોકરી-ચાકરી કરતા કરતા પુનાભાઈને સત્સંગનો સહજ રીતે જ પરિચય થયો. શ્રી શિવાભાઈ સોલંકીના ઘરમાં દરરોજ સાયંકાળે ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી તથા ધુન, કથા અને કીર્તન થતાં હતાં. ઘરના એક નોકર તરીકે પુનાભાઈ પોતે પણ તેમાં અવાર નવાર ભાગ લઇ શકતા હતા.
ઉપરોક્ત સાયંકથામાં સંપ્રદાયના માન્ય ગ્રંથો ઉપરાંત શ્રીમદ્ ભાગવત્ અને રામાયણનું પણ વાંચન થતું હતું. એ રીતે એક વખત તુલસીકૃત રામચરિત માનસની કથા વંચાતી હતી ત્યારે કથાસ્થાનની બિલકુલ નજીકના વૃક્ષ ઉપર એક વાનર પણ દરરોજ કથા સાંભળવા બેસતો હતો. એ વખતે પોતાની ફરજ સમજીને પુનાભાઈએ વાનરને ભગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે પરમ ભક્ત શ્રી શિવાભાઈના પત્ની લક્ષ્મીબેને પુનાભાઈને એમ કરતા રોક્યા અને કહ્યું, “એ વાનર તો શ્રી રામભક્ત હનુમાનજી મહારાજ પોતે જ છે; અને તેઓને અત્યંત પ્રિય એવી શ્રી રામકથા સાંભળવા માટે જ દરરોજ અહીં આગળ પધારે છે, માટે એને ભગાડશો
લક્ષ્મીબેનના મુખેથી નીકળેલા શબ્દોની પુનાભાઈનાં માનસ ઉપર જબરદસ્ત અસર થઇ અને પરિણામ સ્વરૂપ તેઓ પોતે પણ અત્યંત ધ્યાનપૂર્વક કથા સાંભળવા લાગ્યા. અલબત, તેમાં પણ શ્રી હનુમાનજીનાં સેવાભક્તિ અને દાસભાવના કથા પ્રસંગો સાંભળીને તો પુનાભાઈને પોતાને પણ, હરિભક્તિના અનોખા રંગે રંગાઇ જવાની પ્રબળ ઉત્કંઠા જાગી.
... ને પછી તો પુનાભાઈ દિન-પ્રતિદિન હરિરસની હેલીમાં ભીંજાતા ભીંજાતા, ભક્તિમાર્ગના પાવન પથ પર આગળ ને આગળ વધવા લાગ્યા! સંસારપ્રેમ ઓછો ને ઓછો થતો ગયો અને એમનું હૈયું હરદમ હરપલ હરિદર્શનને જ ઝંખવા લાગ્યું!!
... એટલે તો કહેવત છે કે તમામ રસોમાં એક હરિરસ જ સર્વશ્રેષ્ઠ રસ છે!!” માટે એ રસને તો પીવાઇ એટલો પી લઇને મનુષ્ય અવતારને સફળ કરવો એ જ પ્રત્યેક મનુષ્યનું મોટામાં મોટું કર્તવ્ય છે અને એ જ તો માનવ જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે.
એ સમયે રાજકોટમાં જૂનું સ્વામિનારાયણ મંદિર દાણાપીઠમાં હતું. જૂનાગઢ દેશના સંતો કથાવાર્તા કરવા અને સત્સંગના નિયમ પ્રમાણે નામ-ધર્માદો લેવા માટે અવાર-નવાર એ મંદિરમાં પધારતા હતા. જ્યારે જ્યારે રાજકોટ મંદિરમાં એ રીતે સંતોની પધરામણી થતી ત્યારે, હરિભક્ત શિવાભાઈના ધર્મપત્ની ઠાકોરજીના થાળ માટે તથા સંતોની રસોઇ માટે સીધુ-સામાન પોતાને ત્યાંથી જ મોકલાવતા હતા અને એ સેવાકાર્ય ખાસ કરીને પુનાભાઇને જ સોંપતા હતા.
આમ હોવાથી એ સેવાકાર્ય નિમિત્તે પુનાભાઈને મંદિરમાં બિરાજતા ઠાકોરજીનાં દર્શન સાથે સંતોના દર્શનનો તેમજ કથાવાર્તા સાંભળવાનો અમૂલ્ય લાભ અવાર-નવાર મળતો હતો. એ રીતે સંતોના નિયમિત સત્સંગ-યોગથી પુનાભાઈને સ્વાભાવિક રીતે જ સ્વામિનારાયણ ભગવાનની સાચી ઓળખ થઇ. સાથે જ ભગવાન શ્રીહરિ તેમજ સંતોમાં અત્યંત હેતભાવના પ્રગટ થઇ.
એક વખત જૂનાગઢથી સ્વામી શ્રી ત્યાગવલ્લભદાસજી તથા સ્વામી ભક્તિતનયદાસજી સંતમંડળ સહિત રાજકોટ મંદિરમાં પધાર્યા હતા. અને એ વખતે ઘણા લાંબા સમય સુધી એ સંતમંડળે ત્યાં આગળ રોકાઇને, રોજ રોજ નિત્યનૂતન કથાવાર્તાઓ અને સંગીત સભર કીર્તનોની જાણે કે રમઝટ બોલાવી દીધી હતી! ભક્તિપંથે ઘણો બધો પંથ કાપી ચૂકેલા પુનાભાઈ તે વખતે પણ હરિરસની પતિત-પાવન ગંગાધારાઓમાં મન ભરીને ભીંજાયા હતા.
અહીં આગળ આટલું ખાસ નોંધવું પડશે કે પુનાભાઈ કથાવાર્તા અને કીર્તનો માત્ર સાંભળવા ખાતર, અથવા તો શ્રવણેન્દ્રિયના વિષયરસને સંતોષવા ખાતર જ સાંભળતા હતા એવું ન હતું પરંતુ તેઓ તો શ્રવણે પડેલા જે તે આધ્યાત્મિક ભાવોને હૃદયરૂપી મંજૂષામાં કાળજીપૂર્વક સંઘરી રાખતા હતા. ને વળી તેની ઉપર ગહન કહી શકાય એવું ચિંતન મનન પણ સતત કરતા રહેતા હતા અને એ પ્રમાણે પોતાનું જીવન ધન્ય બનાવતા હતાં.
હાસ્તો ભાઈ! સંતોના શબ્દોને કંઇ એમ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવા જેવા નથી હોતા! કોઇ એક કિંમતી ખજાના સરખી એવી એ આધ્યાત્મિક ને વળી અર્થ ગંભીર વાણીને તો ખૂબ ખૂબ સમજી વિચારીને આચરણમાં મૂકવી જોઇએ!ને જો એમ બની શકે તો જ કથાવાર્તા કે કીર્તનો સાંભળ્યા પ્રમાણ ગણાય.
તો વળી પુનાભાઈને સત્સંગના રંગે રંગાયેલા જોઇને શિવાભાઈનાં કુટુંબીજનો પણ અત્યંત રાજી થતા હતા! કદી કદી સંતોએ કહેલી કથાવાર્તાઓ પુનાભાઈના મુખેથી સાંભળતા પણ હતા.
.. ને એ રીતે અહર્નિશ હરિભક્તિની મસ્તીમાં રહેતા પુનાભાઈ સુખેથી દિવસો વિતાવી રહ્યા હતા. શિવાભાઈના કુટુંબીજનો પણ પુનાભાઈને નોકર તરીકે નહિ, પરંતુ કુટુંબની એક આદરણીય વ્યક્તિ તરીકે જ ગણીને માન-સન્માન આપતા હતા.
પુનાભાઈની નિષ્કામ હરિભક્તિ તથા આધ્યાત્મિક પંથે તેઓને અત્યંત આગળ વધેલા જોઇને એક દિવસ શિવાભાઈના ધર્મપત્નીએ પુનાભાઈને વર્તમાન ધારણ કરી, સત્સંગનું શરણું લેવાની પ્રેરણા કરી.
ને એ રીતે એક બાજુથી માંગલિક પ્રેરણા મળી, તો બીજી બાજુ યોગાનુયોગ એ અરસામાં જ રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી ત્યાગવલ્લભદાસજી પધાર્યા. અકસ્માતે જ આવો સુભગ સંજોગ પ્રાપ્ત થવાથી પુનાભાઈ એક શુભ દિવસે સ્વામી ત્યાગવલ્લભદાસજી પાસેથી સત્સંગના વર્તમાન ધારણ કરી ધન્ય ધન્ય બની ગયા. અને સત્સંગી બન્યા.
સ્વામી ત્યાગવલ્લભદાસજી જૂનાગઢના જોગી સ્વામી નારાયણદાસજી સ્વામીના આદર્શ શિષ્ય હતા, અને ખૂબ જ સારા સંત હતા. ભજન સ્મરણ અને કથાવાર્તા કરતા તેઓ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓના ગામડાંઓમાં ફરીને સત્સંગની અનુપમ સેવા કરતા હતા! આવા સમર્થ ગુરુ મળવાથી પુનાભાઇ પોતાની જીંદગીનો ફેરો સફળ થઇ ગયો માની બમણા જોર સાથે હરિભજન અને સેવા કરવા લાગી ગયા.
તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા હોવાથી પુનાભાઈ જે તે સંતો પાસેથી સાંભળેલી કથાવાર્તા અથેતિ યાદ રાખી શકતા હતા અને સંગ્રહિત કરેલું આધ્યાત્મિક ભાથુ અધિકારી શ્રોતા વર્ગ આગળ અવાર નવાર પીરસતા પણ રહેતા હતા. ને એ રીતે પુનાભાઈની હરિભક્તિ અત્યંત દેઢ બની ગઇ હતી.
એક વખત સ્વામિનારાયણ મંદિર, દાણાપીઠ, રાજકોટમાં સંતો પધાર્યા છે એ વાત જાણીને શિવાભાઈના પત્નીએ સીધુ-સામાન આપવા માટે પુનાભાઈને ત્યાં (મંદિરમાં) મોકલ્યા. કોઠારમાં સીધુ-સામાન અર્પણ કરીને પુનાભાઈ
મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે ત્યાં આગળ પ્રદક્ષિણા કરતી વેળાએ તેઓને એક સંતના દર્શન થયાં.
એ સંત સાથે એક ઉજ્જવળ વસ્ત્રધારી હરિભક્ત સત્સંગની વાતો કરતા ઉભા હતા.
સંતની પ્રતિભા દિવ્ય અને અત્યંત પ્રભાવશાળી જણાતી હતી, અને હરિભક્ત દેખાવમાં કોઈ ક્ષત્રિય જેવા લાગતા હતા. એ હરિભક્ત સંતને કહેતા હતા, “સ્વામીજી! આજે તો તમે સત્સંગ સભામાં શુદ્ધ ઉપાસનાની જ વાતો કરજો. કારણ કે હમણાં હમણાં આ બોચાસણવાળાઓએ કંઇક અવળી વાતો જ શરૂ કરી છે, ને વળી તેનો પ્રચાર પણ ખૂબ જ જોરશોરથી કરી રહ્યા છે એવું મારા સાંભળવામાં આવ્યું છે! માટે હરિભક્તોના સમાસ માટે શ્રીજી મહારાજે જે શુદ્ધ ઉપાસના પ્રણાલી સ્થાપી છે તેની જ વાતો આજે કરજયો.”
તે હરિભક્તનું એ પ્રકારનું નિવેદન સાંભળીને સંત બોલ્યા, ‘ભાઈ! સભામાં જે પ્રમાણે જે ગ્રંથ વંચાતો હોય તે ગ્રંથ આજે પણ વાંચજો. પરંતુ હમણાં તમોએ મને જે કંઇ કહ્યું તેને લગતો કોઇ એક પ્રસંગ નીકળશે તો હું શ્રીજી મહારાજ પ્રેરણા આપશે એવી સત્સંગની થોડી વાતો અવશ્ય કરીશ.” આ રીતે એ સંત અને એ હરિભક્ત વચ્ચેનો ઉપરોક્ત સંવાદ પ્રદક્ષિણા કરી રહેલા પુનાભાઈ પણ સાંભળતા હતા. તેમને એ બન્નેના સંવાદમાં ખૂબ જ રસ પડ્યો. તદુપરાંત એવા એ સંતની વાણીમાંથી સ્ફૂટતી દિવ્યતા અને સરળતાનો હૃદયસ્પર્શી અનુભવ પણ થવાથી પુનાભાઈ પણ એવા એ સંતની કથાવાર્તા સાંભળવા માટે ત્યાં આગળ સભામંડપમાં બેઠા.
કથામાં નિત્ય નિયમ મુજબ સૌ પ્રથમ વચનામૃત વાંચવામાં આવ્યું ને પછી સંતે ઘણી બધી વાતો કરી.
અલબત્ત, તેમાંથી ઉપાસના અંગેની એક વાત તો પુનાભાઇને અત્યંત સ્પર્શી ગઇ!! સંત કહેતા હતા: “પરુષોત્તમ નારાયણ એક જ છે, ને વળી સ્વતંત્ર અને સ્વરાટ્ છે. એ જ સર્વોપરિ તત્ત્વ છે! જો એની સમાન પણ કોઇ નથી તો પછી તેનાથી અધિકનો તો સવાલ જ ક્યાં રહ્યો? અને અક્ષર તો તેની પાસે સદાય સેવકભાવે વર્તે છે. અક્ષર ક્યારેય પણ પુરુષોત્તમ નારાયણની સાથે જોડાડોડ બેસી શકે જ નહીં. એટલું જ નહિ, પરંતુ એ તો પુરુષોત્તમનારાયણની મોજડીયું ઉપાડીને તેમની સેવામાં કાયમ માટે તત્પર રહે છે અને અખંડ સેવકભાવે વર્તે છે!! તેથી અક્ષરનો દાસભાવ અને સેવકભાવ આપણે સહુએ શીખવાનો છે, અને પુરુષોત્તમનારાયણની સેવામાં રહેવાનો અતિદેઢ સંકલ્પ રાખવાનો છે.”
...ને ત્યારે સંત હૃદયના ઉંડાણમાંથી પ્રગટેલી એ કથાવાર્તાનો મર્મ પુનાભાઈને ખૂબજ સ્પર્શી ગયો અને સેવકભાવે આવા સંતની સેવા કરવાનો એ જ વખતે દઢ સંકલ્પ કર્યો અને આવા સંતની સેવામાં રહેવાનું કાયમ માટે મળી જાય તો બેડો પાર થઇ જાય એવા વિચાર સાથે જ્યારે સભા પૂરી થઈ ત્યારે પુનાભાઈએ ગદ્ ગદ્ ભાવે સંતના ચરણમાં માથું ઝૂકાવીને નમસ્કાર કર્યા. જો કે એ ટાણે તેઓ ભાવસમાધિમાં ડૂબેલા હોઇ કંઇ પણ બોલી શકવા સમર્થ ન હતા.
થોડી વાર પછી પુનાભાઈ શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા માટે ફરી વખત મંદિરમાં ગયા અને અંતઃકરણપૂર્વક મૌન પ્રાર્થના કરી કે, “હે મહારાજ! મને સદાય માટે આવા સંતની સેવામાં રહેવાનું સૌભાગ્ય મળે એવું વરદાન આપજો ; હે મારા નાથ!
જે સંતની કથાવાર્તાથી પુનાભાઈનાં અંતરના પડદા ખુલી ગયા હતા, તે સંત બીજા કોઇ નહીં પરંતુ તત્કાલીન સત્સંગના શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ગોપીનાથદાસજી સ્વામીના આદર્શ શિષ્ય એવા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પોતે જ હતા.
જુનાગઢ શ્રી રાધારમણદેવ દેશના મંડળધારી સંત તરીકે પૂ. સ્વામીજી પોતાના સંતમંડળ સાથે રાજકોટ પધારેલા ત્યારે તેમના પ્રત્યે ગુરુભાવ ધરાવતા હરિભક્તોમાં એક એવા મેંગણી દરબાર પરમ ભક્ત શ્રી અર્જુનસિંહજી બાપુએ સભામાં ઉપાસનાની વાર્તા કરવા સંતને વિનંતી કરી હતી ને તેના અનુસંધાનમાં એ સંતવર્યો (રાજકોટ સભામંડપમાં) જે વાતો કરી હતી તે સાંભળીને પુનાભાઇના અંતરમાં સંતસેવાની લગની સાથે સંપૂર્ણ સમર્પણભાવ પણ જાગી ઉઠ્યો હતો! હાસ્તો, સાચા સંતોના શબ્દો તો ભાઇ ! શ્રોતાજનોની હૃદય ભોમકા પરસદગુણોની મેઘધારા જ વરસાવી દેતા હોયછેને!!
શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દર્શન અને કથાવાર્તા શ્રવણ કર્યા પછી પુનાભાઇનાં અંતરમાં ભક્તિભાવ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો ! અને તે જોઇ શિવાભાઈ સોલંકીના ધર્મપત્ની લક્ષ્મીબેને પુનાભાઈને એક દિવસ સ્વામિનારાયણ ભગવાનની પૂજા પણ આપી. પૂજા લીધા પછી નિત્ય નિયમિત પૂજાપાઠ, મંદિરે દર્શન કરવા જવું, કથાવાર્તા સાંભળવી અને ત્યાં આગળ જે જે સંતો આવતા-જતા હોય તેઓની સેવાનો લાભ લેવો. આ પ્રકારના નિત્ય ક્રમમાં વર્તતા પુનાભાઈ સહજભાવથી જ સાચા સત્સંગી બની રહ્યા.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિર (દાણાપીઠ)માં અવાર-નવાર પધારતા સંતોમાં ( પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા જોગી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી (પીળી ચોટલીવાળા)ના યોગમાં પુનાભાઈને સત્સંગનું બળ ખૂબ જ પ્રાપ્ત થયુ હતું.
એકવાર પીળી ચોટલીવાળા જોગીસ્વામી આગળ પુનાભાઈએ પોતાનો સંકલ્પ જાહેર કરતા કહ્યું કે, 'મારે તમારા જેવા સંતોની નોકરી કરવાની પ્રબળ ઇચ્છા છે.' જોગીસ્વામી તરતજ પુનાભાઈની મુમુક્ષતાને પામી ગયા. ને પછી પોતાનાં નાક પર આંગળી મૂકીને તે સંતે પુનાભાઈને કહ્યું કે, 'હમણાં આવી વાત મનમાં જ રાખજો , કોઈને કહેશો નહીં, હું તમને ભક્તિ અને મુક્તિ બન્ને અપાવી શકે એવા સાચા સંતનો ભેટો કરાવી દઈશ.’
સંતની સલાહ માનીને પુનાભાઇ એ વખતથી બિલકુલ મૌન બની ગયા અને નજીકના ભવિષ્યમાં સંત સેવાનો અમૂલ્ય લાભ મળશે એમ માની અંતરમાં અત્યંત ઉત્સાહબળ અનુભવવા લાગ્યા. અહાહા! સંતસેવાનો લ્હાવો લેવાની આ તે શી પ્રબળ ઉત્કંઠા!! ધન્ય છે પુનાભાઇના જીવનપંથને.
એક દિવસ પુનાભાઈ શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે ગયા ત્યારે પુજય જોગીસ્વામી હરિકૃષ્ણદાસજી (પીળી ચોટલીવાળા)એ તેમને પોતાના આસને બોલાવ્યા અને પોતાની નજીક બેસાડીને અત્યંત હેતથી કહ્યું, ‘પુના ભગત! તમારા મનમાં જેવા સંતની સેવામાં જોડાવાનો સંકલ્પ છે, એવા જ એક સંત અત્યારે તોરી ગામમાં કથા કરવા રોકાયા છે. જો તમારે તમારો સંકલ્પ સિદ્ધ કરવો હોય તો તરત જ તોરી પહોંચી જાઓ, ને આ માટે એ સંત ઉપર તમારા માટે (ભલામણપત્ર જેવી) ચિઠ્ઠી પણ હું લખાવી આપું છું.'
જોગી સ્વામીની વાત સાંભળીને પુનાભાઈના હરખનો પાર ન રહ્યો. ને પછી પોતે જયાં નોકરી કરતા હતા તે શિવલાલભાઈ અને તેમના ધર્મપત્નીની રજા લઇને, તમામ જરૂરી તૈયારી સાથે મંદિરે પહોંચી ગયા. પૂજય જોગીસ્વામી પાસેથી ભલામણપત્ર લઇને રાજકોટ સ્ટેશનેથી ટ્રેનમાં બેસી ગયા.
યોગાનુયોગ એ જ ટ્રેનમાં પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી અને અન્ય સંતો પણ બેઠા હતા! અલબત્ત, એ સંતો રીબડા સ્ટેશને ઉતરી ગયા અને પુનાભગત જેતપુર પહોંચ્યા. ત્યાંના સ્વામિનારાયણ મંદિરમાં બે દિવસ રોકાઇને સંત સમાગમ દ્વારા સત્સંગનો લાભ લઇને કુંકાવાવ ગયા.
કુકાવાવમાં પ.ભ. ગોરધનભાઈ સોરઠીયાના માતશ્રીએ પુના ભગતને પોતાના ઘરે લઇ જઇને અત્યંત પ્રેમથી જમાડ્યા. પછી પુનાભાઈ તોરી પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી. હર્ષભર્યા હૈયે. પૂછપરછ કરતા મંદિરમાં ગયા ને જોયું તો ત્યાં આગળ પીપલાણાના જોગીસ્વામી, નાના સંતો સાધુ હરિજીવનદાસજી અને સાધુ હરિપ્રિયદાસજી હાજર હતા. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનસાદજી સ્વામી બાજુના ગામડાંમા સત્સંગ કરવા પધાર્યા હતા. પુનાભગતે સંતોને ચિઠ્ઠી આપી, જે વાંચીને એ સંતો અત્યંત રાજી થયા અને પુનાભગતને ઝાઝા આદરમાને આપીને પ્રેમથી જમાડ્યા. રાત્રિકાળે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પધાર્યા ત્યારે નાના સંતોએ તેઓને પુનાભગત વિષેની માહિતી આપી. સાથે જ જોગીસ્વામી હરિકૃષણદાસજીની ભલામણચિઠ્ઠી પણ આપી. સંતવર્ય પણ પુનાભાઈને જોઇને રાજી થયા! જાણે કે સેવક અને સદ્દગુરુનું મંગળ મિલન થયું!
...ને પછી પુના ભગત દંડવત્ પ્રણામ કરીને શાંતિથી બેઠા ત્યારે ગુરુદેવે નવા આવેલા તે મુમુક્ષુને ડગલાનું વચનામૃત (ગ.પ્ર.૪૪મું) વાંચી સંભળાવ્યું ને સાથે જ ત્યાગાશ્રમના કઠોર માર્ગની સમજણ પણ આપી!
શ્રી સ્વામિનારાયણ મંદિર, તોરી ગામમાં એક મંગલ પ્રભાતે શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પુનાભગતને પાર્ષદ તરીકેની દીક્ષા આપી. નવા શ્વેત ધોતિયા આપ્યાં; ગામના વાણંદને બોલાવી મુંડન કરાવ્યું. ને પછી સ્નાનવિધિથી પરવારીને પુનાભાઈ શ્વેત વસ્ત્રો ધારણ કરવા લાગ્યા ત્યારે સ્વયં શાસ્ત્રીજી મહારાજે ભગતને ધોતિયું પહેરતા શીખવ્યું! અને સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... બોલતા ગુરુવર્યે કહ્યું કે, આજથી તમારું નામ નારાયણ ભગત કહેવાશે.” ... ને એ રીતે સંસારી મટીને ત્યાગી બનેલા પુનાભાઇ તે દિવસથી નારાયણ ભગત તરીકે ઓળખાવા લાગ્યા!
એ વખતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના શિષ્યમંડળમાં ત્રણ સંતો હતા : સાધુ હરિજીવનદાસજી, સાધુ હરિપ્રિયદાસજી અને સાધુ ભગવદ્ગજીવનદાસજી. પાર્ષદ નારાયણ ભગત એવા એ સંત મંડળમાં જોડાતા ગુરુદેવ સહિત પાંચ ત્યાગીઓનું મંડળ થયું તેથી (પાંચના શુકનવંતા અંકથી) ગુરુદેવ અને સંતો અત્યંત રાજી થયા! ને પછી તોરી ગામમાં કથા પૂર્ણ કરીને પાર્ષદ નારાયણ ભગતે સંતો સાથે જુનાગઢ પધાર્યા.
પ્રથમ દિવસે જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પાર્ષદ નારાયણ ભગતે દેવસમૂહનાં દર્શન કર્યા ત્યારે ત્યાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિઓ પાર્ષદ નારાયણ ભગતના હૃદયમાં કાયમ માટે બિરાજમાન થઇ ગઈ.
સત્સંગનું સાન્નિધ્ય પામીને નારાયણ ભગત સ્વાભાવિક જ સત્સંગમાં રસબસ થઇ ગયા! ને વળી સત્સંગ સાથે કથાવાર્તા શ્રવણ કરતા કરતા તેઓને પોતાનું અંગ પણ ઓળખાયું અને “સેવા એ જ મારું અંગ” એમ મનોમન નક્કી કરીને નારાયણ ભગત જૂનાગઢ મંદિરમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સેવા કરવા લાગ્યા. શ્રી રાધારમણ દેવનાં દિવ્ય સાન્નિધ્યમાં વડીલ સંતો, પાર્ષદો અને હરિભક્તોની સેવા કરીને સહુનો રાજીપો મેળવવા લાગ્યા!
..આમ નિત્ય સેવા સાથે સત્સંગ શ્રવણ કરતા નારાયણ ભગતે નીલકંઠવર્ણીની કથા પ્રત્યે, તેઓનાં તપ-ત્યાગમય વનવિચરણ પ્રત્યે અને લોજપુરમાં મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહીને સેવાઓ કરતા વર્ણીરાજ પ્રત્યે અપાર હેત પ્રગટ થયું! ને વળી તેમાં પણ વર્ણીરાજ લોજ ગામના ગોંદરે છાણ ભેળું કરે, આશ્રમને વાળી-ઝૂડીને સ્વચ્છ રાખે, રામાનંદ સ્વામીના સદાવ્રત માટે ભિક્ષા માગવા જાય... વગેરે સેવાઓથી નારાયણ ભગત ખૂબજ પ્રભાવિત થયા અને પોતે પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞામાં રહીને મંદિરની નાનામાં નાની સેવાઓ અતિ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યા!! સમય જતાં નારાયણ ભગતના અંતરમાં વર્ણવેષ એવા તો વસી ગયા!! ને વળી રાત-દિવસ નીલકંઠવર્ણીના તપ-ત્યાગ અને સેવાકાર્યનું ચિંતવન કરતા હોવાથી નારાયણ ભગત સ્વાભાવિક જ નીલકંઠવર્ણીમાં ઓતપ્રોત બની રહ્યા. એટલે તો તેઓને એક રાત્રિએ સ્વપ્નમાંમાં સાક્ષાત નીલકંઠવર્ણીનાં દર્શન થયાં!!!
અલબત્ત નવા મુમુક્ષુ સાધક માટે એ એક અલૌકિક ઘટના કહેવાય ને તેથી જ સ્વપ્રમાં વર્ણીરાજનાં દર્શન થવાથી) નારાયણ ભગત સવારે પથારીમાંથી ઉઠ્યા ત્યારે જાણે કે ગાંડા-ઘેલા થઇ ગયા હોય એવું લાગતું હતું!
એ રીતે નીલકંઠવર્ણીના સ્વપ્રમાં સાક્ષાત્કાર થયા પછી તો નારાયણ ભગત અત્યંત ઉત્સાહ અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે સેવાપંથે આગળ ને આગળ વધવા લાગ્યા!
અત્રે નોંધનીય છે કે, એંશી વર્ષની ઉંમરે પણ નારાયણ ભગત અમદાવાદ ગુરુકુળમાં જ્યારે જયારે વર્ણીવેષની કથા શ્રવણ કરતા ત્યારે તેઓની આંખો અવશ્ય અશ્રુભીની થઇ જતી હતી. તે જોઇને અમે ક્યારેક તેઓને પૂછતા કે “કાં ભગતજી! ઢીલા કેમ થઇ ગયા?' જવાબમાં તેઓ પોતાના ઉપરોક્ત સ્વપ્રની વાત કરીને પોતાના વિષે અનુતાપ કરતા અને વર્ણીરાજના તપ-ત્યાગ-વનવિચરણ અને સેવાભાવ વિષે અહોભાવ વ્યક્ત કરતા હતા!
રાજકોટ ગુરુકુલની ઓફિસમાં નીલકંઠવર્ણીની અતિશય કુશ કાયાવાળી એક છબી હતી, નારાયણ ભગત એ છબીનાં નિત્ય દર્શન કરતા અને તેની સામે એકીટશે જોઈ રહેતા. તેઓ જ્યારે અમદાવાદ ગુરુકુલમાં પધાર્યા ત્યારે વર્ણીની એ છબીને દરરોજ સંભારે, ને સાથે જ એકદમ ઉદાસ પણ થઇ જાય!
ભગતજીની એ પ્રકારની વિહ્વળ મનોદશા નિહાળીને તથા તેઓની ઉત્કટ આંતરિક ઇચ્છા પૂર્ણ કરવા માટે આખરે અમે વર્ણીરાજની એ છબીને પ. પૂ. શ્રી દેવકૃષ્ણદાસજીની સંમતિ લઇને રાજકોટથી અમદાવાદ લાવ્યા. પોતાને અત્યંત પ્રિય એવી એ ચિત્ર પ્રતિમા નિહાળીને નારાયણ ભગતના નિર્દોષ ચહેરા પર જે આનંદ છવાઇ ગયો હતો તેનું વર્ણન કરવું સર્વથા અશક્ય છે!
અલબત્ત અહીં આગળ આટલું તો ખાસ નોંધવું જોઇએ કે કોઇ એક આત્મનિવેદી ભક્તની જેમ નારાયણ ભગત જિંદગીભર નીલકંઠવર્ણીની એ ચિત્રપ્રતિમાની સેવા-પૂજા કરતા રહ્યા હતા! આજે પણ આ ચિત્રપ્રતિમા તથા નીલકંઠવર્ણીના સેવ્ય સ્વરુપની સેવા મેમનગર ગુરુકુલમાં નિત્યનિયમિત થાય છે!
પૂ. નારાયણ ભગતને ભગવાન સ્વામિનારાયણ સંસ્થાપિત ગાદી સંસ્થાન વડતાલ અને અમદાવાદના આચાર્ય મહારાજશ્રીઓ પ્રત્યે અપાર મમત્ત્વ, મહિમા અને આદરભાવ સાથે સંપૂર્ણ નિષ્ઠા હતી. શ્રીજી સંસ્થાપિત મૂળ મંદિરોમાં રહીને સેવા કરતા અને કથાવાર્તા દ્વારા સત્સંગનું પોષણ મેળવતા પૂ. નારાયણ ભગત આચાર્ય મહારાજનાં દર્શન-સ્પર્શ અને સેવા કરવા સદાય તત્પરતા દાખવતા હતા.
પૂ. ભગતજીને વડતાલ ગાદી સ્થાનના આચાર્ય મહારાજશ્રી આનંદપ્રસાદજી મહારાજના સર્વપ્રથમ દર્શન, શ્રી સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે યોજાયેલા એકવીસ દિવસીય જપયજ્ઞ મહોત્સવ પ્રસંગે થયા હતાં. પ્રથમ દર્શને જ તેઓને આચાર્ય મહારાજશ્રી પ્રત્યે અપાર સ્નેહભાવ બંધાયો હતો. તદુપરાંત પ. પૂ. આચાર્ય મહારાજશ્રી આનંદપ્રસાદજીની રાજરીત અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વથી ભગતજી અત્યંત પ્રભાવિત થયા હતા. જયારે જયારે જૂનાગઢ મહોત્સવનાં સ્મરણો તાજા કરતા ત્યારે તેઓ અત્યંત ભાવવિભોર બની જતા! ને વળી મહારાજશ્રીને ભગવાનના અંશ-વિભૂતિ ગણીને તેમના પ્રત્યે અપાર પૂજયભાવ ધરાવતા હતા.
જૂનાગઢ મહોત્સવ દરમિયાન નારાયણ ભગતે આચાર્ય મહારાજશ્રીની ખૂબ જ સેવા કરી હતી અને મહારાજશ્રી પણ ભગતજીની સેવાથી અત્યંત પ્રસન્ન થયા હતા. મહોત્સવ દરમિયાન એક દિવસ નારાયણ ભગતને રાત્રે સ્વપ્રમાં આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજનાં દર્શન થયાં. ‘જેવું સતત ચિંતવન, એવું જ સ્વપ્ર દર્શન!. નારાયણ ભગત પણ આચાર્ય મહારાજ શ્રી ભગવતપ્રસાદજી મહારાજનાં ચિત્રો અને તેઓનાં અતિ ભવ્ય કહી શકાય એવા પોષાક પરિધાનથી અત્યંત આકર્ષાઇને સતત તેઓશ્રીનું સ્મરણ કર્યા કરતા હતા! ને તેથી તેઓને સ્વપ્નમાં પણ ભગવતપ્રસાદજી મહારાજનાં દર્શન થયા હતાં અને તે માટે તેઓ અંતર ભીતર અપરંપાર ધન્યતા અનુભવી રહ્યા હતા!!
આ બાબત અંગે અમે નારાયણ ભગતને વારંવાર પૂછતા ત્યારે તેઓ જવાબમાં એક વાક્ય અચૂક કહેતા, ‘મને સ્વપનામાં આચાર્ય મહારાજશ્રી ભગવપ્રસાદજી મહારાજે પાળા તરીકેની દીક્ષા આપેલી છે, પરિણામ સ્વરુપ તેઓશ્રી મારા માટે અત્યંત પૂજનીય બની રહ્યા છે.”
અલબત્ત આવો આદર અને મહિમાભાવ તેઓ બન્ને દેશના આચાર્યો પ્રત્યે સતત ધરાવતા હતા. ક્યારેક વાતચીત દરમિયાન આચાર્ય મહારાજશ્રીની વાત નીકળે ત્યારે પૂ. ભગતજી તેઓશ્રીના એક નિષ્ઠાવાન પક્ષકાર તરીકે જ બળે ભરી વાતો કરે અને આચાર્ય મહારાજ કે ગાદી સ્થાન પ્રત્યેની લેશમાત્ર અવગણના સહી શકે નહિ!
ઉપરોક્ત બાબત પરથી એટલું તો સ્પષ્ટ ફલિત થાય છે કે, નારાયણ ભગત સત્સંગ અને સત્સંગની શોભારૂપ આચાર્ય મહારાજશ્રીઓ પ્રત્યે સંપૂર્ણ સ્વરૂપે સમર્પિત હતા.
રાજકોટ ગુરુકુલમાં ઇ.સ. ૧૯૫૫માં જયારે આચાર્ય મહારાજશ્રી આનંદપ્રસાદજી મહારાજ પધાર્યા અને કેટલોક સમય રોકાયા ત્યારે આપણા ભગતજીએ તેઓશ્રીની સેવાનો લ્હાવો મન ભરીને માણ્યો હતો!
તદુપરાંત વડતાલના પૂર્વ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજ તથા અમદાવાદના પૂર્વ આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા વડતાલના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પ્રત્યે પણ નારાયણ ભગત અપાર મહિમા અને અત્યંત અહોભાવ ધરાવતા હતા. અને જયારે પણ દર્શન, સ્પર્શ અને સેવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે રાજી રાજી થઇ જતા હતા!
વડતાલ ખાતે ‘હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ’ (ઇ. સ. ૨૦૦૬માં) ઉજવાયો ત્યારે યજ્ઞનારાયણનાં દર્શન કરવા માટે પૂ. નારાયણ ભગત ત્યાં પધાર્યા હતા. ત્યાં યજ્ઞકુંડ સમક્ષ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને યજ્ઞવિધિ કરતા જોયા એટલે પછી ભગતજી તો મહારાજશ્રીનાં દર્શનમાં જ એકદમ તલ્લીન બની ગયા... અને યજ્ઞવિધિ પૂર્ણ થતાંની સાથે જ આચાર્ય મહારાજશ્રીના દર્શન કરવા માટે તેઓ બિલકુલ એક બાળકની જેમ જ દોડી ગયા. એ સમયે પૂ. રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે નવી કંઠી ધારણ કરીને ભારે ધન્યતા અનુભવી રહ્યા!!!
પૂ. નારાયણ ભગત શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવનાં દર્શન કરવા માટે જયારે જયારે જાય ત્યારે ત્યાં આગળ દેવદર્શન પછી તરત જ મહારાજશ્રીનાં દર્શન માટે આકુળ વ્યાકુળ બની જાય અને મહારાજશ્રીનાં દર્શન થતાં જ દૂરથી દંડવત્ પ્રણામ કરવા લાગે!! ને વળી બધા સંતો હરિભક્તો વચ્ચે મહારાજશ્રી ઘેરાયેલા હોય તો પણ એક ચપળ નવયુવાન જેટલી સ્કૂર્તિથી બધાની વચ્ચે પેસી જઇને નારાયણ ભગત મહારાજશ્રીના ચરણસ્પર્શ અવશ્ય કરી લે!! ક્યારેક મહારાજશ્રી ન હોય ત્યારે ત્યાં સભા મંડપમાં સ્થાપિત પૂ. મહારાજશ્રીની ગાદીને પણ દંડવત્ પ્રણામ કરીને અત્યંત હર્ષ અનુભવે! આચાર્ય મહારાજશ્રી પ્રત્યે આવો અપરંપાર મહિમા પૂ. નારાયણ ભગત ધરાવતા હતા!!
જે સેવકના મનમાં સેવા-પૂજા અને ભક્તિનો ભારે મહિમા હોય અને સાચા સંતો પ્રત્યે અંતરનો આદરભાવ હોય ત્યારે જ ભક્તિ ફળે છે! ...અને પછી જ સદ્ગુરુની કૃપા પણ સાંપડે છે. વળી તે પછી જ શ્રીહરિનો સાક્ષાત્કાર થાય છે.
પાર્ષદ શ્રી નારાયણ ભગતને શાળાનું શિક્ષણ મળ્યું નહોતું તેથી હંમેશા પોતાને અભણ વ્યક્તિ તરીકે જ અભિવ્યક્ત કરતા રહેતા. પરંતુ પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સંતમંડળમાં જોડાયા પછી જરુરી અક્ષરજ્ઞાન અને સેવાલક્ષી વ્યવહારજ્ઞાન સારી રીતે પ્રાપ્ત કરી લીધું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટનો પ્રારંભ થયો ત્યારે પૂ. ભગતજી ત્યાગાશ્રમમાં જોડાયા તે વાતને બરાબર આઠ વર્ષ થઇ ચૂક્યા હતા એટલે નારાયણ ભગત ઇ. સ. ૧૯૪૦માં પૂ. ગુરુદેવના સંતમંડળમાં ત્યાગી તરીકે જોડાયા ત્યારે તેઓની ઉંમર વીસ વર્ષની હતી.
ઉપરોક્ત રીતે ગણતરી કરતાં નારાયણ ભગત જયારે ઇ. સ. ૨૦૧૦માં ૧૪ નવેમ્બરના રોજ અક્ષરવાસી થયા ત્યારે તેઓના આયુષ્યના ૯૦વર્ષ પૂર્ણ થઇ ચૂક્યાં હતાં. છેલ્લા ૨૩ વર્ષથી પૂ. ભગતજી શ્રી
સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ ખાતે રહેતા હતા અને સેવા-સ્વાધ્યાય તથા કથાશ્રવણ વગેરેથી ભક્તિસભર જીવન વ્યતીત કરી રહ્યા હતા.
પૂ. નારાયણ ભગતના સેવાકાર્યો વિષે કહીએ તો ત્યાં આગળ ગુરુકુલ સંસ્થામાં અથવા તો મંદિરમાં પધારતા સંતો તથા હરિભક્તોને, પૂ. ગુરુદેવનાં આસન પર લઇ જાય, ઉતારાની વ્યવસ્થા ગોઠવી આપે અને જરુરી આગતા-સ્વાગતા સાથે મહેમાનો માટે ચા-દૂધ કોફી તથા નાસ્તા વગેરેની ભાવપૂર્ણ સેવા પૂરી પાડે.
ને એટલે તો આવા કોઇ વ્યક્તિ વિશેષનાં જીવન વ્યાપારને બિલકુલ નજીકથી નિહાળીએ ત્યારે જ આપણને સાચું સમજાય છે કે, “કો'કના માટે કંઇક કરી છૂટવું એ જ તો મોટામાં મોટી હરિભક્તિ હોઇ શકે.
નારણ ભગતના હાથના ચા, પાણી વગેરેની મીઠી મહેમાની માણ્યા પછી કોઇપણ વ્યક્તિ ભગતજીને કદી પણ ભૂલી શકતી નહિ, અને બીજી વખત સંસ્થામાં જવાનું થાય ત્યારે તે સૌ પ્રથમ નારાયણ ભગતને જ ખોળવા લાગે!!
તદુપરાંત સંપ્રદાયનાં મંદિરોમાં નિવાસ કરતા સંતોને પણ તેઓની રૂચિ અનુસાર ઉકાળા-પાણીનું પાન અવશ્ય કરાવે. ગુરુકુલમાં વસતા વિદ્યાર્થીઓ, કે જેઓ ચા-કોફીના વ્યસની હોય તેને પણ નારાયણ ભગતની કેન્ટીનની મુલાકાત વારંવાર લેવી પડે!
...તો વળી, સંસ્થાનાં નાના-મોટા કર્મચારીઓ, આગંતુક મહેમાનો, અજાણ્યા મુલાકાતીઓ તેમજ મોટી ધાર્મિક જગ્યાઓના મહંતો-મઠાધિપતિઓ પધારે ત્યારે તેઓને જોઇને નારાયણ ભગતનો સેવાભાવ એવો તો બેવડાઇ જતો હતો. જાણે કે મહેમાનોનાં સ્વરૂપમાં સાક્ષાત્ ભગવાન પોતે જ ન પધાર્યા હોય.
અલબત્ત ભગત પોતે આટલી બધી ભાવપૂર્ણ સેવા કરે, પણ બદલાની બિલકુલ અપેક્ષા રાખે નહિ, એ જ તો એમની મોટાઇ હતી! અને તેઓનો મોટામાં મોટો ગુણ એ પણ હતો કે આખી સંસ્થામાં તેઓ કોઇપણ ચીજવસ્તુનો બગાડ સહેજ પણ થવા દેતા ન હતો..
સંસ્થા સ્થિત ઉતારાનાં ઓરડાઓ ભગતજી પોતે જ સાફસૂફ કરે; ઉતારામાં વપરાતા પાગરણની પૂરી સંભાળ રાખે, કીટલી, તપેલી, કપ-રકાબીઓ, કેન્ટીનનાં વાસણો એકદમ ચોખ્ખાં રાખે; ને વળી આટ આટલી સ્વચ્છતા સાથે સેવાની તકેદારી પણ પાછા એટલી જ રાખે.
આવું સદાચારી ને પાછું સેવાભાવનાથી મઘમઘતું માનવજીવન તો, અનેક જન્મોનાં પુણ્યકર્મો ફળે ત્યારે જ કોઇ કોઇ વ્યક્તિઓને પ્રાપ્ત થતું હોય છે.
સંસ્થામાં સાજા-માંદા સંતો તથા વિદ્યાર્થીઓની સમયાનુસાર સેવામાં પણ અવશ્ય પહોંચી જાય; છતાં નિષ્કામભાવ એટલો બધો પ્રબળ હતો કે, કોઇક રાજી થઇને કદી કંઇક આપવા જાય તો પોતે ઉગ્રતા ધારણ કરીને આપનારને ખખડાવી નાખતા કહે, ‘ભાઇ! સાધુને કંઇ ભેટ બક્ષિસ અપાય જ નહિ, જાવ ઓફિસમાં જઇને આપી આવો, અથવા તો ઠાકોરજીના મંદિરમાં જઇને ગલ્લાપેટીમાં પધરાવી આવો!’
આવા નિસ્વાર્થી, નિરપેક્ષ અને નિષ્કામ ભક્તની સેવાથી ભગવાન શ્રીહરિ, સંતો, હરિભક્તો... વગેરે બધા જ ભગતજી ઉપર અત્યંત રાજી રહેતા હતા!
અત્રે નોંધનીય છે કે, ઇ.સ. ૧૯૭૮-૭૯માં પ્રથમ વખત અમેરિકાની ધર્મયાત્રાએ પધારેલા ગુરુદેવ શ્રી
શાસ્ત્રીજી મહારાજે પોતના આ પ્રીતિપાત્ર સેવક નારાયણ ભગત ઉપર લખેલા એક પત્રમાં અત્યંત રાજીપો દર્શાવતા લખ્યું છે:
‘તમે મારા શરીરની ખૂબ જ સેવા કરી છે. સંતો તેમજ સંસ્થાની અને સમગ્ર સત્સંગની સેવા કરીને બધાને ખૂબજ રાજી કર્યા છે, હું પણ તમારા ઉપર અત્યંત રાજી છું; હવે તમારાથી સેવા ન થઇ શકે એટલી હદે તમારું શરીર વૃદ્ધ થયું છે માટે હવે તો તમારે સંસ્થામાં માત્ર દેખરેખ રાખવી અને હરિભજન કરવું.”
.. ને ગુરુદેવનો એવો એ રાજીપાનો પત્ર નારાયણ ભગત કોઇ એક મહામૂલા ખજાનાની જેમ પોતાની પૂજાપેટીમાં સાચવી રાખતા હતા! ને વળી દરરોજ સવારે નિત્યપૂજા પૂર્ણ કરીને તે પત્રનું દર્શન અને વાંચન પણ કરતા હતા!!
પૂ. ભગતજીને સેવા સાથે સ્વાધ્યાયનું પણ એટલું જ વ્યસન હતું એ નિઃશંક કહી શકાય. શિક્ષાપત્રીનું નિત્ય નિયમિત વાંચન કરવું અને વિવિધ સેવાકાર્યોમાંથી પરવાર્યા પછી સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને શ્રીમદ્ ભગવદ્ગીતાનો સ્વાધ્યાય પણ તેઓ નિત્ય નિયમિત કરતા હતા. તેથી કહી શકાય કે, જેવી સેવામાં શ્રદ્ધા અને તત્પરતા એટલી જ ઉત્સુકતા સાથે તેઓ ધર્મગ્રંથનું પઠન પણ કરતા હતા; ને વળી દિવસ દરમિયાન એનું સતત ચિંતન-મનન પણ કરતા રહેતા હતા!
આવું અતિ સુંદર, ને વળી અનુસરણીય જીવન જીવતા નારાયણ ભગતને નિહાળીને કદાચ ઘણી બધી વ્યક્તિઓને આવો વિચાર અવશ્ય આવતો હશે કે, “અહાહા ભાઈ! આપણે પણ નારાયણ ભગત બની શકીએ તો કેવું સારું!!!
પૂ. ભગતજીની મનન કરવાની રીત પણ ખરેખર અદ્ભૂત હતી. સેવા પ્રવૃત્તિમાં એવો કંઇ પ્રસંગ નીકળે એટલે સ્વામીની વાતોમાંથી તરત જ કંઇક બોલી જાય, અથવા ગીતાજીનું અવતરણ ટાંકે! ગીતાજી માંહેની ‘યજ્ઞભાવના અને સ્વામીની વાતોમાંની ‘પુરુષોત્તમ નારાયણની ઉપાસના' તો ભગતજીની રગેરગમાં વ્યાપી ગયેલી હતી!
પૂ. નારાયણ ભગત દરરોજ સવારે સહુથી વહેલા ઉઠે. બ્રાહ્મમૂહુર્તમાં જાગીને પોતાની દેહક્રિયા પૂજાપાઠ અને સ્વાધ્યાયમાંથી પરવારીને પ્રાત:કાળે પાંચ વાગ્યે તો પોતે તૈયાર થઇને ઠાકોરજી સમક્ષ બેસી પણ જાય! સવારની બધી જ ક્રિયાઓ એકદમ ઝડપથી પૂર્ણ કરે, અને વળી કોઇને પણ અડચણરૂપ થયા વિના બિલકુલ ચૂપચાપ નિત્યવિધિ કરે! ને પછી બધા સંતો-વિદ્યાર્થીઓ પૂજા કરવા બેસે ત્યારે તે બધાના મહિમાપૂર્વક દર્શન કરે; દંડવત્ પ્રણામ કરે, બધાને હેતથી બોલાવે અને પોતાનાં વાંચન-મનનમાં આવેલ સત્સંગના શબ્દોનું રટણ કરતા ઝડપથી ચાલ્યા જાય! તદુપરાંત કો'ક સંતને માળા કરતા દેખે એટલે તરત જ ભગતજી બોલી ઉઠે : “યજ્ઞમાં જપયજ્ઞ હું છું.” આંગણાના વૃક્ષોને પ્રથમ વંદન કરે, ને પછી બોલે : ‘વૃક્ષોમાં પીપળો હું છું.” સવારે અથવા ગમે ત્યારે બિલાડીને જોઇ જાય તો એકદમ જ બોલે, “પ્રાણીઓમાં સિંહ હું છું.”
ઉપરોક્ત રીતે જોતા કહેવું પડે કે, પરમાત્માને સર્વત્ર જોવાની દિવ્ય દૃષ્ટિ ભગતજીને સહજ રીતે જ સાંપડી હતી. અને તે પણ ત્યાં સુધી કે કોઇ બાળક, યુવાન કે પછી વૃદ્ધ કોઇને પણ જુએ તો તરત જ તેના ચરણસ્પર્શ અત્યંત ઝડપથી કરી લે, ને સામેની વ્યક્તિ કંઇ બોલે અથવા અટકાવે તો પહેલાં તો બે ત્રણ દંડવત્ પ્રણામ પણ કરી લે! આવા સ્વાધ્યાયી અને સંપૂર્ણ સેવકભાવ ધરાવનાર ભક્ત પ્રત્યે સહુના અંતરમાં હેત ઉભરાય
એ તો સ્વાભાવિક જ છે.
પૂ. નારાયણ ભગત એક ચકોર સેવક હતા, બધાની સાથે સેવકભાવે રહેતા હતા અને કડક-મીઠી લિજ્જતદાર ચા બનાવીને જે જે વ્યસની વ્યક્તિઓ હોય તેને ચા-કોફી-દૂધ કે ઉકાળાનું પાન પ્રેમ સહિત કરાવતા હતા.
પૂજય ભગતજી પોતે પણ ચા-કોફી પીતા હતા અને ચાનું વ્યસન છોડવા માટે હંમેશા કોશિષ પણ કરતા રહેતા. ક્યારેક ક્યારેક પશ્ચાતાપ કરતા હોય તેમ બોલી ઉઠતા ‘હું તો વ્યસની છું, બંધાણી છું' એમ કહીને તેઓ ચાનું વ્યસન કેટલાક દિવસો સુધી છોડી પણ દેતા હતા. અમદાવાદ ગુરુકુલમાં પધાર્યા પછી તેમણે એ હઠીલું વ્યસન સંપૂર્ણપણે છોડી દીધું હતું! જો કે ચાનું વ્યસન છોડ્યા પછી તેઓ કથા શ્રવણના બંધાણી બની ગયા હતા!!
પુરાણ કથાઓમાં પૃથુ રાજાની શ્રવણભક્તિનો ભારે મહિમા ગાવામાં આવ્યો છે.
બિલકુલ એવી જ અસાધારણ શ્રવણભક્તિ પૂ. નારાયણ ભગતમાં પણ જોવા મળતી હતી! કથા શ્રવણનો મહિમા પોતાના જીવનમાં અખંડ રીતે ઉતારનારા બે મહાનુભાવ સંતોના દર્શન ગુરુકુળમાં થયાં છે. એક તો પૂ. જોગીસ્વામી કે જેમના આસને વર્ષોથી વચનામૃતનું વાંચન સતત ચાલ્યા કરતું હતું. કથાવાચક અવાર નવાર બદલાયા કરે, પરંતુ પૂ. જોગીસ્વામી તો અખંડ રીતે વચનામૃતનું શ્રવણ કરતા જ રહે, કરતા જ રહે. એ જ રીતે બીજા મહિમાધારી શ્રોતા તે નારાયણ ભગત. અમદાવાદ, મેમનગર ગુરુકુલ ખાતે ૧૯૮૮માં પધાર્યા ત્યારથી કથા વાંચનનો ભવ્ય કાર્યક્રમ સતત ચાલતો રહેતો હતો.
સવારે પાંચ વાગતા જ ભગતજી તૈયાર થઈને કથા સાંભળવા બેસી જ ગયા હોય! પ. ભ. શ્રી ધીરજલાલ ઝવેરભાઈ પટેલ દરરોજ વહેલી સવારે ભગતજીને સત્સંગના વિવિધ ગ્રંથોમાંથી વિભિન્ન કથાઓ વાંચી સંભળાવે. છ વાગ્યા સુધી કથા શ્રવણ કર્યા પછી પ્રાતઃ આરતીનો ઘંટ વાગે એટલે ભગતજી એકદમ ઝડપથી શ્રી ઘનશ્યામ મહારાજની આરતીનાં દર્શન કરવા પધારે.
સાડા છ વાગ્યે પ. પૂ. સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી ભક્તિચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય અથવા હરિલીલામૃત ગ્રંથનું ગાન શરૂ કરે એટલે નારાયણ ભગત તરત એ કથામાં બેસી જાય.
કથામાં વચ્ચે પુરાણી સ્વામી અને નારાયણ ભગત વચ્ચે નાનકડી જ્ઞાનચર્ચા પણ થઇ જાય. સાડા સાત વાગ્યે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ થાય એટલે ભગતજી એ સમયમાં ઠાકોરજીનાં સિંહાસન સ્વચ્છ કરવાની તથા ગણપતિ અને હનુમાનજીના સ્વરૂપોની સેવા કરી લે. તદુપરાંત આઠ વાગ્યે પુરાણી પ્રેમજીવનદાસજી સ્વામી કે અન્ય સંતો કથા શરૂ કરે એટલે ભગતજી પાછા એવી એ કથામાં બિરાજમાન થાય, અને અત્યંત ધ્યાનપૂર્વક કથા શ્રવણ કરે!!
લગભગ ૮.૪૫ વાગ્યા સુધી એ કથા ચાલે, અને તે પછી કરશનબાપા, બંસીલાલભાઈ વગેરે વડીલ હરિભક્તો કથાવાંચન શરૂ કરે એટલે ભગતજી એવા એ ડોસામંડળમાં બરાબર વચ્ચે નાના બાળકની જેમ કથા સાંભળવા અવશ્ય બેસી જાય!
સાડા દસ વાગ્યે થાળ-માનસી પૂજા કરીને ઠાકોરજી જમાડ્યા પછી નાના સંતો પાસે વચનામૃતનું કથા વાંચન કરાવે અને પોતે રસપૂર્વક શ્રવણ કરે. સાયંકાળે પણ કોઇ વિદ્યાર્થી, નાના સંત કે કોઇ હરિભક્તના સાન્નિધ્યમાં ભગતજીની કથાશ્રવણ ભક્તિ ચાલુ જ હોય! અને ત્યારપછી સાયં સભાના ક્રમમાં થતી નિત્ય કથાવાર્તા પણ ભારે આદરભાવ સાથે શ્રવણ કર્યા કરે ને વળી કથા સાંભળ્યા પછી હાલતા ચાલતા એવી એ કથા વાર્તાના વાક્ય સમૂહો (વચનો) ભગતજી વારંવાર ઉચ્ચાર્યા કરે ને એ રીતે પોતે કથાનું સતત મનન કરતા રહે કે જેથી કથા વાંચન અને મનન પછી પણ કથાસંદેશ સાથે સંપૂર્ણ તદાકાર બની શકાય!!!
...ને એટલે જ તો ભગતજી પોતે જ કથાવાર્તાના એક જીવતા જાગતા પર્યાય સ્વરૂપ બની રહ્યા હતા! હાસ્તો, જ્યાં જ્યાં કથાવાર્તા ત્યાં ત્યાં ભગતજી, અને જ્યાં જ્યાં ભગતજી ત્યાં ત્યાં કથાવાર્તા!!!
ઉપરોક્ત રીતે નિત્ય કથા, નિત્ય કીર્તન ઉત્સવની ભક્તિભાવનાથી સદાય ભર્યા ભર્યા રહેતા પૂ. નારાયણ ભગતની જીવનશૈલી એટલી તો દિવ્ય બની ગયેલી કે, નાના મોટા સહુના અંતરમાં ભગતજી પ્રત્યે દિવ્યતા સભર આદરભાવ સહજ રીતે જ પ્રગટી રહેતો, સહુના અંતર કબૂલ કરતાં કે ખરેખર, ભગતજીનું જીવન ધન્ય છે, અને આપણે સહુએ એમની પાસેથી ઘણું ઘણું શીખવાનું છે!
ને વળી ધનુર્માસ, અધિક માસ તથા ચાતુર્માસની કથાઓ સાથે ખાસ તો શ્રાવણ માસની સ્પેશ્યલ કથાના આયોજનમાં ભગતજીનો રંગ બિલકુલ જૂદો જ હોય! એક વખત ચાતુર્માસ દરમિયાન ભગતજીએ, શ્રીજી મહારાજને ઇષ્ટ એવા આઠ સત્શાસ્ત્રોની કથા સાંભળવાની પ્રબળ ઇચ્છા પ્રગટ કરી હતી; ને ત્યારે પૂ. ગુરુસ્વામી ધર્મપ્રિયદાસજીએ અત્યંત શ્રદ્ધાભાવ સાથે આઠેય સશાસ્ત્રોની કથા (ગુજરાતી ભાષાંતર) ભગતજીને સંભળાવી હતી.
એ સમયે ભગતજીએ ચાર વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, વિદૂરનીતિ, વિષ્ણુસહસ્રનામ, વાસુદેવ માહાત્મ્ય અને યાજ્ઞવલ્કય સ્મૃતિ એમ આઠેય સત્શાસ્ત્રોનું ગુજરાતી ભાષાંતર અતિ મહિમાભાવ સાથે શ્રવણ કર્યું હતું ને પછી પૂર્ણાહુતિના પ્રસંગે તો તેમણે જાણે કોઇ એક મોટા ઉત્સવસરખું જ વાતાવરણ સજર્યું હતું.
કથાવાર્તાના અઠંગ વ્યસની એવા પૂ. નારાયણ ભગત કથાગ્રંથને, કથાવક્તાને અને અન્ય શ્રોતાઓને અત્યંત આદર આપે; ને વળી પ્રસંગને અનુરૂપ પૂજન, ચંદન, સેવા અને બેસવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ પોતે જ ગોઠવે અને એક અદના સેવક તરીકે બધાનો રાજીપો પ્રાપ્ત કરે!
ને આ રીતે વક્તા, શ્રોતા અને અન્ય સર્વ કોઇની પ્રસન્નતા પ્રાપ્ત કરતા રહેતા ભગતજીના જીવનમાં, સશાસ્ત્રોના શ્રવણ બાદ એનો અક્ષરશઃ અમલ કરવાની તત્પરતાનાં દર્શન સહેજે થતાં હતાં!
અત્રે નોંધનીય છે કે ભગતજી પોતે સંપૂર્ણ અપરિગ્રહી હોવા છતાં પણ ભાગવત ગ્રંથ માંહેની, આત્મદેવ બ્રાહ્મણની કથા સાંભળીને પોતા પાસે રહેલી સેવા સામગ્રીનો પણ સદંતર ત્યાગ કરી દીધો હતો!! |
તો આવા સર્વગુણ સમ્પન્ન ભગતજીના જીવન સાથે જડાઇ ગયેલા, પરમાત્મપ્રીતિ, કથા-સત્સંગ, સેવા ભાવના, અને સમર્પણભાવ સરખા સર્વોચ્ચ દિવ્ય ગુણો આજે પણ ગુરુકુલમાં સહુના માટે પ્રેરક બની રહ્યા છે!
પૂ. નારાયણ ભગત સર્વત્ર ભગવદ્ દર્શન કરનારા એક અનુપમ સાધક હતા. તેઓ પોતે સંત આશ્રમમાં નિવાસ કરતા હોવાથી, આશ્રમમાં બિરાજીત પ્રત્યેક છબીઓ તથા ભગવદ્ સ્વરૂપોનાં દર્શન અને સેવા-પૂજા વહેલી સવારથી જ શરૂ કરી દેતા હતા. નાની મોટી પ્રતિમાઓ અને તેને લગતી પૂજા સામગ્રી પ્રત્યે પણ ભગતજીના અંતરમાં ભારે દિવ્યભાવ રહેતો હતો! આરતી, ઘંટડી અને દિવેટીયામાં પણ દેવબુદ્ધિ પ્રગટાવતો એક પ્રસંગ
ભગતજી પોતે વારંવાર વાગોળતા અને પૂજ્યપાદ્ ગુરુદેવને પણ યાદ કરીને કહેતા કે,
‘અમે પેલી સ્પેશ્યલ ટ્રેનમાં જાત્રા કરતા કરતા એક દિવસ અયોધ્યા પહોંચ્યા, ને ત્યાં આગળ દેવ દર્શનનો અમૂલ્ય લ્હાવો લેતા લેતા સહુ હનુમાનગઢી ગયા, ત્યાંના પૂજારીઓને સંતો પ્રત્યે ખૂબ જ ભાવ ઉત્પન્ન થયો એટલે અમને સહુને હનુમાનજીની મૂર્તિ આગળ બેસાડીને નિરાંતે દર્શન કરાવ્યા. એ સમયે ગુરુદેવ શ્રી શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે, જુઓ તો, આ પૂજારી મહારાજ કેટલા બધા ભાવિક અને શ્રદ્ધાળુ છે, તેઓને આ હનુમાનજી મહારાજના મંદિરમાં રહેલી મૂર્તિમાં જ ફક્ત દેવત્ત્વ દેખાય છે એવું કંઇ નથી, પરંતુ તમે સહુ આ ઉજ્જવળ ઘંટડી અને ઝગારા મારતી આરતીનાં પણ જો ધ્યાનપૂર્વક દર્શન કરશો તો તેમાંથી પણ પૂજારીશ્રીનો બેહદ ભક્તિભાવ અને ઉત્કટ શ્રદ્ધાભાવ છલકાતો અવશ્ય નિહાળી શકશો!”
આટલું કહ્યા પછી ગુરુદેવે ઉમેર્યું હતું કે ‘આપણે તો બસ પૂજા કરીએ છીએ પણ પૂજા કરવાની સાધન સામગ્રીની ચોખ્ખાઇ પ્રત્યે જરાય ધ્યાન દેતા નથી; તો પછી તમે જ કહો કે, તેમાં ભગવાન પણ કેમ કરીને રાજી થાય?”
ગુરુદેવના ઉપરોક્ત શબ્દો એ ટાણે નારાયણ ભગતને જબરી અસર કરી ગયા! ને પછી તો તેઓ પણ દરરોજ નાના દિવેટીયા, ઠાકોરજીની આરતી અને ઘંટડી વગેરેને બરાબર ઘસીને સાફ કરે, અને જાણે કે ગુરુદેવ સાક્ષાત્ પ્રેરણા આપતા હોય એમ; ‘જય સ્વામિનારાયણ, જય ગુરુદેવ!” બોલતા જાય અને સાથે જ પૂજાના સાધનોની ઝગારા મારતી સેવા ભક્તિભાવે કરતા જાય!!
અહીં આગળ આટલું નોંધવું આવશ્યક છે કે, હૃદયમાં અખંડ ભક્તિભાવથી ભરેલા ભગતજીને આવી સેવા કરતા નિહાળવા એ તો ભાઈ! જીવનનો એક અણમોલ લ્હાવો જ ગણાય!!
ભગવાનના દર્શન અને સેવા નારાયણ ભગતને એવા તો ફળ્યાં કે, “જ્યાં જુઓ ત્યાં રામજી બીજુ ન ભાસે રે!' એવી સ્થિતિ તેઓને પ્રાપ્ત થઇ ગઇ! સંતો, હરિભક્તો, મુલાકાતીઓ અને પ્રત્યેક દર્શનાર્થીઓને પોતે ભાવપૂર્વક વંદન કરે, તક મળે તો દંડવત્ પ્રણામ પણ કરી લે, ને વળી કોઇ પણ પ્રકારની સેવા કરવા તરત જ તત્પર બની જાય!!
કોઇવાર નાના બાળકો દર્શને આવ્યા હોય ત્યારે પૂ. ભગતજી દૂરથી જ તેને ટગર ટગર જોયા કરે! અને જો કોઇ બાળક ભગતજીના ચરણસ્પર્શ કરવા માટે પોતાનો હાથ લંબાવે કે તરત જ એ બાળકની પહેલા ભગતજી પોતે તે બાળકના પગતળિયે હાથ ફેરવીને તેની ચરણરજ પોતાની આંખો અને મસ્તક ઉપર ચઢાવી લે, અને પછી બાળકને ઉદ્દેશીને કહે, ‘ભગવાન! તમારે મને પગે ન લગાય, તમે તો સનાકદિક છો, તમે તો ધ્રુવજી છો, તમે તો પ્રહ્લાદ છો, ને વળી તમે તો ભગવાનના મોટામાં મોટા ભક્ત છો, જુઓને હું તો સાવ મૂરખ છું, અને લપોડશંખ પણ હું જ છું! જાવ, જાવ હવે, પણ લ્યો, ભગવાનની આ પ્રસાદી લેતા જાવ'... આવી રીતે ભગતજી બાળકોને પટાવીને અને તેમની સાથે આવેલા વાલીઓને આદર સન્માન આપીને વળાવી ઘે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અને છારોડીની ગૌશાળામાં નિવાસ કરતી ગાયો પ્રત્યે ભગતજીને અપાર દિવ્ય બુદ્ધિ અને મહિમાભાવ હતો. તેથી જ જ્યારે જ્યારે તેઓ ગાયોનાં દર્શન કરવા ગૌશાળામાં જાય ત્યારે ત્યાં આગળ રહેલી ગાયમાતાઓને પાંચ પાંચ દંડવત્ અવશ્ય કરી લ્ય. ગૌશાળામાં માટી, ધૂળ કે છાણ પડેલું હોય તો પણ શરીર કે કપડાંની પરવા કર્યા વિના તેઓ ગાયોને દંડવત્ પ્રણામ કરે
... એવા અડગ નિયમધારી ભગતજીએ જયાં સુધી પોતાનું શરીર ચાલ્યું ત્યાં સુધી ગૌમાતાનાં દર્શન અને દંડવત્ પ્રણામનું એવું ને એવું નિયમ અખંડ રીતે પાળ્યું હતું!
ઇ. સ. ૨૦૦૧ની સાલમાં પૂ. નારાયણ ભગતને ઉત્તર ભારતની યાત્રા કરાવવા માટે પ. ભ. શ્રી વલ્લભભાઈ બાબરીયાએ આયોજન કર્યું હતું. તેમાંથી મેમનગર ગુરુકુલથી સંતો અને પાર્ષદો સાથે પૂ. ભગતજીને લઇને અમે બધા છપૈયા, ગોકુળ, મથુરા, વૃંદાવન તેમજ ગંગોત્રી-જમનોત્રી અને બદરીનારાયણની યાત્રા કરવા ગયા હતા.
આ યાત્રા દરમિયાન એક વખત અમે બધા જોષી મઠથી નીકળીને બદરીનારાયણના રસ્તે જઇ રહ્યા હતા ત્યારે પૂ. નારાયણ ભગત ત્યાં આગળના બર્ફીલા પહાડી ઝરણાઓ અને વૃક્ષોનાં દર્શન કરતા, હાથના નેજવા નેણ ઉપર માંડીને દૂર સુદૂર દૃષ્ટિ દોડાવી રહ્યા હતા; ને સાથે જ “જય બદરી વિશાલ... જય બદરી વિશાલ” એમ બોલતા પણ હતા! એ વખતે જમવા ટાણું થતા કેટલાક સંતો ત્યાં આગળ (રસ્તામાં) રસોઇ બનાવવા લાગ્યા.
બરાબર એ વખતે એક કૂતરું તેમની નજીક આવ્યું એટલે નારાયણ ભગતે સંતોને કહ્યું, “સંતો! આ
મુક્તને પણ કંઇક પ્રસાદી આપો.” ભગતજીનું કહેવું સાંભળી એક સંતે પ્રસાદીની બે લાડુડી એ કૂતરાને નાખી એટલે કૂતરું પૂંછડી પટપટાવતું શાંતિથી ખાવા લાગ્યું. એ દરમિયાન પૂ. ભગતજીએ ભારે ઝડપથી તે કૂતરાને બે દંડવત્ પ્રણામ કરી લીધા! તે જોઇ અમે બધા અત્યંત આશ્ચર્ય પામ્યા!ને પછી ભગતજીને પૂછયું, “ભગતજી! કૂતરાને તે વળી દંડવત્ કરાતા હશે ભલા?”
.. ત્યારે પૂ. ભગતજીએ જવાબ આપતાં કહ્યું, આ કંઇ કૂતરું નથી, આ તો બદરીકાશ્રમના મુક્ત છે મુક્ત!!' આ રીતે સમગ્ર જડ ચેતનમાં દિવ્ય દૃષ્ટિ અને મહિમાદૃષ્ટિ ભગતજીમાં બિલકુલ સાહજિક હતી. તદુપરાંત ૮૦ વર્ષની ઉંમરે પણ ચપળતા કોઇ એક યુવાન જેવી અને નિર્દોષભાવ કોઇ એક બાળક સરખો ધરાવતા હતા!
યાત્રા દરમિયાન (તેમજ અન્ય કોઇપણ પ્રસંગે દર્શને જવાનું થાય ત્યારે) રસ્તામાં જે કોઇ મળે તેના પ્રત્યે ભારે અહોભાવ, અતિ નમ્રભાવ અને કોઇ દેવદર્શન કરતા હોય એવો ભક્તિભાવ ભગતજીમાં હંમેશા જોવા મળતો હતો!
...ને ખાસ મજાની વાત તો એ છે કે, ભગતજીની આંખો નબળી પડી તે પછી પણ તેઓ કોઇ ઉંચુ મકાન જુએ એટલે જાણે કે કોઇ એક મંદિરનાં શિખરનાં દર્શન કરતા હોય એવી રીતે જ ભાવપૂર્ણ દર્શન કરે! તો વળી રસ્તામાં ક્યાંક અગ્નિનું તાપણું જુએ એટલે ‘જય યજ્ઞનારાયણ” એમ બોલી, બે હાથ જોડીને તાપણાંમાં પણ યજ્ઞનારાયણનાં દર્શન કરે!!!
આવી રીતે જળમાં, સ્થળમાં, પશુપક્ષીમાં બબ્બે સમગ્ર જડ-ચેતનમાં હરિદર્શન કરવાની સહજ સ્વાભાવિક દૃષ્ટિ સાથે જબરી તાલાવેલી ધરાવતા પૂ. ભગતજી આપણા સહુના માટે સદાકાળ દર્શનીય, વંદનીય અને પૂજનીય બની રહેશે.
હિમાલયના ચાર ધામની યાત્રા પુરી કરીને પૂ. નારાયણ ભગત સાથે અમે સહુ હરિદ્વાર આવ્યા એટલે નારાયણ ભગતે કહ્યું, “ચાલો આપણે સહુ ગંગામૈયામાં સ્નાન કરી લઇએ.” હરિદ્વારમાં અમોએ શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં ઉતારો કર્યો હતો તેથી આશ્રમના મહંત સ્વામીએ અમને કહ્યું કે “અમોએ અહીં નજીકમાં જ ‘સ્વામિનારાયણ ઘાટ' બંધાવ્યો છે, તો તમે સહુ ત્યાં જઇને સુખપૂર્વક સ્નાનવિધિ કરી શકશો.”
મહંત સ્વામી શાસ્ત્રી શ્રી હરિવલ્લભદાસજીનું કહેવું સાંભળીને અમે પૂ. ભગતજીને સ્વામિનારાયણ ઘાટ પર લઇ ગયા અને કહ્યું, 'લો ભગતજી! ચાલો હવે આપણે ગંગાસ્નાન કરી લઇએ.”
.. પરંતુ શી ખબર કેમ? પણ નારાયણ ભગત તો ત્યાં આગળ ચારે બાજુ જોવા લાગ્યા ને પછી બોલ્યા, અરે! આ તમે લોકો મને ક્યાં લઇ આવ્યા છો? શું આ હરકી પૌડી છે? આપણા સ્વામી નાહ્યા હતા તે સ્થળ ક્યાં
આ રીતે ભગતજી પ્રશ્નોનો મારો ચલાવવા લાગ્યા! તે જોઇ અમે ભગતજીને હરકી પૌડી લઇ ગયા કે જયાં દરરોજ સાયંકાળે ગંગા મૈયાની દિવ્ય આરતી થાય છે! ને પછી અમે સહુ હરકી પૌડીમાં ગંગાસ્નાન કરવા લાગ્યા, સાથે જ ભગતજી પણ ગંગાસ્નાનનો આનંદ માણી રહ્યા હતા!
... પરંતુ સ્નાન કરીને પૂ. ભગતજી ગંગા કિનારે ધોતિયું બદલતા હતા ત્યારે એકદમ ઓચિંતા જ ચારે બાજુ જોવા લાગ્યા અને હરકી પૌડીનો ટાવર જોતા જોતા અમને કહેવા લાગ્યા, “અરે! અહીં ક્યાં સ્વામી નાહ્યા હતા? હવે તો તમે સહુ ચાલો મારી સાથે, એટલે હું જ તમને સહુને સ્વામી જ્યાં નાહ્યા હતા તે સ્થળ પર લઇ જાઉં!”
... ને એમ કહીને ભગતજી તો ધોતિયું સરખું પહેર્યું, ન પહેર્યું અને તત્કાળ જ આગળ આગળ ચાલવા લાગ્યા! અને હરકી પૌડીથી ઉત્તર દિશાના ઘાટ તરફ બરાબર ૫૦ ડગલાં ચાલીને એકદમ અટકી જતા બોલ્યા, 'જુઓ અહીં આગળ જ સ્વામી નાહ્યા હતા, માટે હવે તો આપણે અહીં ફરી વખત ગંગાસ્નાન કરવું પડશે!
હર્ભભર્યા સ્વરે એટલું કહીને ભગતજીએ તે સ્થળે સહુની પહેલા જ અત્યંત મહિમાભાવથી ગંગાજીમાં ડૂબકી લગાવી અને અમને બધાને પણ આગ્રહ કરી કરીને ફરી વખત ગંગાસ્નાન કરાવ્યું!
આ રીતે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના આ અનન્ય સેવક નારાયણે ભગતે પતિતપાવની ગંગામૈયાનાં જલરાશિમાં પણ ગુરુદર્શન, ગુરુમહિમા અને ગુરુવંદના કર્યા! એટલે કે જે સ્થળ પર પોતાના ગુરુદેવ પૂર્વે નાહ્યા હતા તે જ સ્થળ પર પોતે પણ નાહીને ગુરુદેવનું માહાત્મ કર્યું, અને એ રીતે પોતાનો સેવકધર્મ પણ સુપેરે બજાવી જાણ્યો!!
ઉપરોક્ત પ્રસંગ પરથી જોઇ શકાય છે કે, ભગતજીના માનસપટ પર ગંગાજી કરતા પણ પોતાના ગુરુદેવનો મહિમા વિશેષરૂપથી અંકિત થયેલો હતો! આનું નામ જ તો પ્રગટ ભક્તિ! અને આનું નામ જ પ્રગટ ભાવ! કહેવું જોઇએ કે આવા પ્રસંગો જ આપણને દિવ્ય પ્રેરણા આપી જતા હોય છે અને ભક્તિસભર, ધર્મમય જીવનશૈલી તરફ આંગળી ચીંધી જતા હોય છે!! ને વળી આ પ્રકારના પ્રેરક સાહિત્યનું વાંચન જ માનવીને સર્વશ્રેષ્ઠ જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો આપી જતું હોય છે!!
પાર્ષદ શ્રી નારાયણ ભગતના વ્યક્તિત્વમાં સહુ ને અંદર-બહાર દીન-આધીન દાસભાવના દર્શન હંમેશા થતાં હતાં. તેમનું પોતાનું જીવન ખરેખર તો કોઇ એક સાચા સંત સરખું જ હતું. પરંતુ એટલું હોવા છતાં તેઓને પોતાના વિષે માન કે મોટાઇ તો બિલકુલ હતા જ નહિ! આમ તો ભગતજીની સેવા-ભક્તિ જોઇને સહુ કોઇને તેમના પ્રત્યે આદરભાવની લાગણી પ્રગટે; પણ જો કોઇ તેમને માન-સન્માન આપે તો તેઓ તરત જ તેનો નિષેધ (અસ્વીકાર) કરીને મનોમન અત્યંત અકળાઇ ઉઠે! છતાં પણ કોઇ વ્યક્તિ દુરાગ્રહથી હાર પહેરાવે, પગે લાગે કે દંડવત્ કરે તો ભગતજી પોતે સામેથી જ તે વ્યક્તિને દંડવત્ કરવા માડે!!!
... તો વળી ક્યારેક પ. પૂ. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂ. પુરાણી સ્વામી, પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે ભગતજીને ઘેરીને બેસી જાય અને તેમની પાસેથી સત્સંગની જૂની વાતો સાંભળે. ખાસ કરીને તો પૂ. પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી સખાભાવે ભગતજીને લડાવે અને પૂછે, ‘નારાયણ ભગત! તમે તો ખૂબ જૂના ભગત છો, હેં ને?”
... ત્યારે ભગતજી તરત જ, જાણે કે પોતાની જાતને તુચ્છકારી નાખતા ન હોય તેમ બોલી ઉઠે : 'જુના તો ખીજડા પણ હોય પરંતુ કાંઇ કામમાં ન આવે, હું પોતે એ ખીજડા જેવો જ છું, મને કંઇ કહેતા કંઇ જ આવડતું નથી! અને આપ બધા તો કેવી કેવી સેવા કરો છો! જો કે હું તો બિલકુલ નકામો છું- કંઇ કરતો જ નથી...' વગેરે વગેરે વાતો કરીને પોતાનો દીનભાવ સહજ ભાવે વ્યક્ત કરે! એક વખત એક ભારે રમૂજી પ્રસંગ બની ગયો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં એ વખતે, કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામી (રાજકોટ ગુરુકુલથી) પધાર્યા હતા અને પુરાણી સ્વામી ભગવદજીવનદાસજી સ્વામી (વિસાવદર ગુરુકુલથી) પધાર્યા હતા.
પૂજયપાદ્ ગુરુદેવ શાસ્ત્રી મહારાજના સેવાકાર્યમાં પાયાના પત્થર સમાન ને વળી સૌથી જૂના આ બન્ને શિષ્ય સંતો પધાર્યા એટલે પાર્ષદ નારાયણ ભગત તો રાજી રાજી થઇ ગયા! ને વળી પોતે પણ એ બન્ને સંતો સાથે ગુરુદેવની સેવામાં રહેલા હતા, તેથી પ્રસંગોપાત સત્સંગની જુની વાતો, સેવાની વાતો અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિની વાતો યાદ કરી કરીને એવા એ ત્રણેય સંતો વાતોએ વળગ્યા હતા.
એ ટાણે ગોષ્ઠિમગ્ન બની ગયેલ એ ત્રિપુટીનાં દર્શન કરીને; પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીએ એ ત્રણેય સંતોના ફોટોગ્રાફ ભેગા (એક સાથે) લેવાનું આયોજન કર્યું, ને એ માટે એ બધાને સમજાવ્યા પણ ખરા.
અલબત્ત, નારાયણ ભગત એ માટે એટલે કે ફોટો પડાવવા કોઇ રીતે સંમત થતા ન હતા. જો કે પછી તો કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી અને પૂ. ભગવદ્ગજીવનદાસજી સ્વામીએ ફોટો પડાવવા માટે અત્યંત આગ્રહ કર્યો ત્યારે જ ભગતજીએ માંડ માંડ ‘હા’ પાડી..
ફોટો પડાવતી વેળાએ, શ્વેત વસ્ત્રધારી નારાયણ ભગતને વચ્ચે બેસાડીને, તથા ભગવા વસ્ત્રધારી બન્ને સંતોએ પોતાનો પણ ફોટો પડાવ્યો. - બીજે દિવસે ફોટા ધોવાઇને આવી ગયો હોવાથી પૂ. બાલસ્વામીએ એકદમ રાજી થઇને (હર્ષભર્યા હૈયે) એ ફોટા નારાયણ ભગતને બતાવ્યા. જો કે ફોટા જોતાની સાથે જ ભગતજી એવા તો અકળાઇ ઉઠ્યા! કારણ કે પોતે વચ્ચે બેઠા છે અને પોતાની ચારે બાજુ સંતો છે; ને વળી તેમાં પણ ખાસ કરીને પોતાની પાછળ બાલસ્વામી ઊભા રહ્યા છે અને પોતે ખુરશીમાં બેઠા છે એ દેશ્ય (ફોટાનું દર્શન) તો ભગતજી કેમેય કરીને સહન કરી શક્યા નહિ!
... ને એટલે સ્તો તેઓ પૂ. બાલસ્વામીને અત્યંત વઢવા માંડ્યા! અત્યંત ઉગ્ર બનીને ઠપકાના શબ્દો કહેવા લાગ્યા, અરેરે! આ તો હદ થઇ ગઇ કહેવાય! આપ ભગવા વસ્ત્રધારી સંતને પાછળ ઊભા રાખીને હું પોતે આગળના ભાગે ખુરશી ઉપર બેસી ગયો છું, એ દશ્ય (ફોટો) જોઇને તો હું પોતે શરમનો માર્યો જાણે કે મરી જ રહ્યો છું! તમે મને છેતર્યો છે; આવું તે કરાતું હશે? મારા સરખા આંધળા-બેરાને સંતોની વચ્ચે તે ઘલાતો હશે કાંઈ? મારે તો નીચે જ બેસવાનું હોય અને આપ સહુની સેવા કરવાની હોય... માટે આવો આ ફોટો અત્યારે ને અત્યારે ફાડી નાખો, એ જોઇએ જનહિ!!!
પૂ. બાલસ્વામીએ ભગતજીની આ અકથ્ય અકળામણ તથા તેઓના ઉગ્ર વાક્યો સાંભળીને, ભગતની આંખો સામે જ એ ફોટો ફાડી નાખ્યો! કારણ કે નેગેટીવમાંથી બીજો ફોટો કઢાવી લઇશું', એમ વિચારીને ભગતજીને શાંત કરવા અને આત્મસંતોષ પમાડવા ખાતર ફોટો ફાડી નાખ્યો ત્યારે જ ભગતજીને નિરાંત થઇ!
આ રીતે સદાકાળ પોતાના વિષે અતિ નિમ્નભાવ, દીનભાવ અને આધીનભાવ ધરાવતા નારાયણ ભગત સેવા-ભક્તિના સાચા અધિકારી હતા. ને વળી ભક્ત કવિયિત્રી ગંગાસતીએ પણ પોતાની એક ભજનવાણીમાં આ મતલબનો જ સંદેશ આપ્યો છે કે,
‘ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું ને,
મેલી દેવું અંતરનું અભિમાન ....'
અહીં આગળ કહેવું જોઇએ કે, ગંગાસતીની ઉપરોક્ત વાણીને અનુસરતી ભગતજીની જીવનશૈલી ઘણા ઘણા મુમુક્ષોને- ભક્તજનોને હંમેશા હંમેશા પ્રેરણા આપતી રહેશે.
ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રતિષ્ઠિત દેવો તેમજ સંપ્રદાયના તીર્થસ્થાનોમાં બિરાજતા ભગવદ્ સ્વરૂપોનાં દર્શન માટે નારાયણ ભગત સદાય ઉત્સુક રહેતા હતા. તદુપરાંત રાજકોટ ગુરુકુળમાં સેવા કરતા કરતા તેઓ વચ્ચેથી સમય કાઢીને ભૂપેન્દ્ર રોડ પર આવેલા મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન સાથે, મંદિરના કમ્પાઉન્ડમાં ઉભેલી પ્રસાદીની બોરડીનાં દર્શન કરવાનું પણ તેઓને નિયમ હતું.
... ને વળી ગુરુકુલનાં સેવાકાર્યોમાં ક્યાંક ક્ષતિ ન રહી જાય, ને વળી કોઇને ખબર ન પડે એ રીતે જ ભગતજી એવું એ દર્શન-નિયમ પાળતા હતા. અલબત્ત, માત્ર દેવોનાં દર્શન કરવાં એટલું જ નહિ, બલ્કે દેવો માટે ફળ, ફૂલ લઇ જવાં, મહિમા સહિત અર્પણ કરવાં, દંડવતુ-પ્રદક્ષિણા કરીને એ તીર્થને હૃદયમાં ધારણ કરવું અને દરરોજ માનસી કરીને પણ એ દર્શનનો ક્રમ જાળવી રાખે એવા અડગ નિયમધારી ભગતજી હતા!
પૂજયપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે ભગતજી પ્રથમ સ્પેશ્યલ (યાત્રા) ટ્રેનમાં જોડાયેલા ત્યારે તેઓએ ભારતના સમગ્ર તીર્થોનાં દર્શન કર્યા હતાં, અને તે પણ અત્યંત મહિમાભાવ સાથે! એ વખતે ભગતજી દરરોજ સવારે જે તે તીર્થધામો સાથે દેવદર્શન-સ્નાન (એટલે કે તીર્થસ્નાન) વગેરેની માનસી પૂજા પણ કરતા હતા!
અહીં આગળ ભારે મજાની વાત એ છે કે, જયારે જ્યારે ભગતજી માનસી પૂજામાં બેઠા હોય, અને એ ટાણે એમને કોઇ બોલાવે તો આંખે બંધ રાખીને જ પોતે બોલી ઉઠે, “એ... ઉભા રહેજો હો... હું અત્યારે છેક રામેશ્વર પહોંચી ગયો છું.... અને થોડીક વારમાં જ પાછો આવું છું.
... આ રીતે ભગતજી, આછી રમૂજી છાંટ સાથે બિલકુલ નિખાલસભાવે બોલી જાય; ને વળી તે સાથે જ પોતાની તીર્થદર્શન વગેરેની માનસી પૂજા પણચાલુને ચાલુ જ રાખે!
પૂજય ભગતજીને સૌથી વધારે હેત વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ પર હતું. તેથી કોઇપણ નિમિત્તે તેઓને વડતાલ જવાનું થાય તો પોતે અત્યંત રાજી રાજી થઇ જતા અને જબરા ઉત્સાહમાં આવી જતા! તદુપરાંત તેમની પોતાની વૃદ્ધાવસ્થામાં પણ જ્યારે જયારે હરિકૃષ્ણ મહારાજનાં દર્શનની વાત નીકળે ત્યારે ત્યારે કોઈ એક નાના બાળકની જેમ જ પોતે ભારે હરખઘેલાં થઇ જતા હતા! ને વળી જો કોઇ વડતાલ જતું હોય તો ભગતજી તેને પણ સંપૂર્ણ પૂજયાભાવ સાથે દંડવત્ પ્રણામ કરવા માંડે; અને જો કોઇ વડતાલથી આવે તો હરિકૃષ્ણ મહારાજના અને આચાર્ય મહારાજના કુશળ સમાચાર પૂછીને ભગતજી તેને પણ દંડવત્ પ્રણામ કરે અને અતિ મહિમાભાવ સાથે તેનાં દર્શન પણ કરે!!!
અલબત્ત એ જ રીતે વડતાલ અને ગઢપુર (ગઢડા)ના અનુક્રમે ગોમતી સરોવર અને ઘેલાતીર્થનો પણ ભગતજીના અંતરમનમાં અપાર મહિમાભાવ હતો! જયારે જયારે વડતાલ કે ગઢપુર જવાનું થાય ત્યારે ભગતજી આ તીર્થજળમાં સ્નાન અવશ્ય કરતા હતા. સાથે જ તે તે તીર્થજળનું પાન પણ અતિ મહિમાભાવે કરતા હતા!
આપણને કદાચ ગંગાજળનો એટલો મહિમા નહીં હોય કે જેટલો મહિમા ભગતજી ગોમતી અને ઘેલાનો સમજતા હતા. ક્યારેક ઘેલા નદીમાં જળ ન હોય ત્યારે તેમની માટી કે રેતી પણ ભગતજી માથે ચઢાવી લેતા હતા! એક વાર તો ઘેલાનો ખળખળીયો (ઘેલા નદીમાં શ્રીજી મહારાજ અને સંતોએ જ્યાં વારંવાર સ્નાનલીલા કરેલ છે તે પ્રસાદીનું સ્થળ) શોધવામાં ભગતજીએ એટલી તો માથાકૂટ કરાવી કે સાથેના સેવાભાવી ભક્તો પણ ખૂબજ કંટાળી ગયા; પણ ભગતજી પોતે તો લેશમાત્ર થાક્યા નહીં, હાસ્તો ભગતજી કોનું નામ! એક વખત તો ખળખળિયા પ્રવાહમાં બિલકુલ કાદવ જેવું જ પાણી હતું તે પણ લઇને માથા પર ચઢાવવા લાગ્યા અને સાથેના સેવકો રોકે તે પહેલાં તો પોતાનું ધોતિયું મુખ આડું રાખીને ભગતજી એ ઉન્મત ગંગાનું જળપાન પણ ભારે મહિમા સાથે કરી ગયા હતા!
... ને બિલકુલ એવી જ રીતે ગોમતી સરોવરમાં પણ અનેક વખત સ્નાન અને જળપાન કરે, તો પણ કદી ધરાય જ નહિ, અલબત્ત આપણને કદાચ એ જળ ગંદુ, બલ્કે અસ્વચ્છ લાગે પરંતુ ભગતજી માટે તો એવું એ જળ - પુરુષોત્તમ નારાયણના અંગ પ્રસંગવાળું હોવાથી જાણે કે અમીજળની જ ગરજ સારે!!
... જો કે અહીં આગળ ખાસ નોંધનીય બાબત તો એ છે કે જે તે તીર્થોમાં સ્નાન કરતી વેળાએ ભગતજી પોતે, જે જે સંતો-હરિભક્તો સાથે ત્યાં આગળ પધાર્યા હોય તે બધાનું સ્મરણ કરે અને સત્સંગ પરિવારના બધા જ ભક્તજનો, સંતો, ગુરુદેવ, વિદ્યાર્થીઓ તથા ગૌશાળાની ગાયો સુધ્ધાંને પણ યાદ કરીને વારંવાર તીર્થજળ મસ્તક પર ચઢાવે! બધાનાં નામ બોલે અને આનંદના અતિરેકમાં એ ટાણે પોતાનું દેહભાન પણ ભૂલી જાય!
પૂ. ભગતજીની દર્શન કરવાની રીત પણ ખરેખર અદૂભૂત હતી! દેવદર્શન સાથે સભામંડપમાં અને સંતોની ધર્મશાળામાં પ્રત્યેક છબીઓનાં દર્શન પણ દિવ્યભાવથી જ કરે, અને તેનું નિત્ય સ્મરણ પણ કર્યા કરે! તેથી સમયાંતરે જ્યારે જયારે ફરી વખત દર્શન કરવા જાય ત્યારે ત્યાં આગળ પોતે આગલે વખતે જોયેલી છબીઓને ખોળી ખોળીને યાદ કરી કરીને તેનું પુનઃ દર્શન કરે! ને સંજોગોવશાત ત્યાં આગળ રહેલી છબીઓમાં કદી કંઇ ફેરફાર થયો હોય તો ભગતજી તરતજ એ પારખી જતા! - એક વખત છપૈયા ધામ જન્મસ્થાનનાં દર્શન કરવા ગયા ત્યારે ત્યાં આગળ એક સભામંડપમાં આ બાબતે ભારે રકઝક સાથે ચર્ચા થઇ હતી!
પૂ. ભગતજીએ ઘણાં વર્ષો પહેલાં છપૈયા ધામના સભામાંડપમાં દર્શન કર્યા હતા. ઇ. સ. ૨૦૦૧ની સાલમાં સંતો-પાર્ષદો સાથે ફરી વખત ત્યાં દર્શનાર્થે ગયા ત્યારે; બાલસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મપિતા અને ભક્તિમાતા વચ્ચે ઉભા રહીને દાડમનું ફળ માગી રહ્યા હોય એવું દૃશ્ય ધરાવતી એક છબી ત્યાં આગળ જોવામાં આવી નહીં એટલે નારાયણ ભગતે ફરી ફરીથી બે ત્રણ વખત બધી છબીઓનું નિરીક્ષણ કરી જોયું પરંતુ એ છબીનું દર્શન તો ન જ થયું. આખરે ભગતજીએ પૂ. મહંત સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજીને આ અંગે પૂછ્યું ત્યારે તેઓશ્રીએ જવાબ આપ્યો, “માફ કરજો, પણ તમે કહો છો તે છબી અત્યંત જૂની અને બિલકુલ જર્જરિત થઇ ગઇ હોવાથી સભામંડપના જીર્ણોદ્ધાર પછી અમે એને અહીં આગળ પધરાવી શક્યા નથી.”
પૂ. મહંત સ્વામીનો એવો જવાબ સાંભળીને નારાયણ ભગત એ ટાણે અત્યંત અકળાઇ ગયા! મહંત સ્વામી આગળ કરગરવા લાગ્યા, “અરે બાપજી! મારા પર દયા કરીને એ છબીનાં મને જલ્દી દર્શન કારવો! જ્યાં પણ એ છબી રાખી હોય ત્યાં આગળ મને જલ્દી લઇ જાઓ!” ઉપરોક્ત રીતે ભગતજી છબીઓમાં સમાવિષ્ટ પ્રત્યેક સ્વરૂપોનું માહાત્મ્ય પણ કરી જાણતા હતા અને ફરી ફરીને તે તે સ્વરૂપોનાં દર્શનની તાલાવેલી પણ ધરાવતા હતા! અને હૃદય ભીતરમાં તે તે છબીસ્વરુપોનું સતત સ્મરણ કરતા કરતા શ્રીહરિનો જાણે કે સાક્ષાત્કાર કરતા રહેતા હતા!
અહીં આગળ કહેવું જોઇએ કે, ભગતજીએ પોતાનું નિર્મળ હૃદય ભગવાનને રહેવા માટેનું જાણે કે કોઇ એક ભવ્યાતિભવ્ય મંદિર ન હોય એવું જ બનાવી દીધું હતું!
પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું,
મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું!
એક દિવસ પૂ. ભગતજી પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના આસનવાળા રૂમમાં બારણાં બંધ કરીને ફૂલનો હાર ગૂંથી રહ્યા હતા. એક તો વૃદ્ધવસ્થાને લીધે આંખે બરાબર દેખાય નહીં, ને એમાં વળી બન્ને આંખોમાં મોતિયા ઉતરાવ્યા હતા તેથી ચશ્મા ધારણ કરીને, મોટા મોટા ગલગોટાના હાર બનાવી રહ્યા હતા ત્યારે ઓચિંતા જ સોયના નાકામાંથી દોરો નીકળી ગયો! |
... ને પછી તો ભગતજીએ ઘણી મહેનત કરીને દોરો પરોવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેમેય કરી સફળતા ન મળી ત્યારે હારી, થાકીને રૂમના દરવાજા ખોલી બહાર આવ્યા અને હસતા હસતા પોતાની રમૂજી શૈલીમાં સેવકને કહ્યું, ‘ઓ ભાઇ! હવે હું પોતે આંધળો ને બેરો પણ થયો છું.
હું અત્યારે હું એક ફૂલનો હાર ગૂંથી રહ્યો હતો, પરંતુ અચાનક જ સોયના નાકામાંથી દોરો - નીકળી ગયો છે, શું તમે દોરો પરોવી આપશો કે? સેવકે કહ્યું, ભગતજી! તમે શા માટે આ ઉંમરે આવી બધી મહેનત કરો છો? અમને કહેશો તો અમે પણ હાર બનાવી આપશું.
સેવકનું કહેવું સાંભળી પૂ. ભગતજી એકદમ જ અકળાઇ ગયા અને બોલ્યા, ‘તમે ભાઈ! હું કહું એટલું જ કરો ને; આ આંધળાને બહુ વતાવવામાં માલ નહીં. તમને કહું તો ઘણા વર્ષોથી મેં સંકલ્પ કર્યો છે કે અમદાવાદના - કાલુપુર મંદિરમાં બિરાજતા નરનારાયણ દેવને માટે સુંદર મજાનો હાર બનાવીને તે કૃપાસિંધુ ભગવાનને ધરાવવો. આજે એ શુભ સંકલ્પ મારે પૂરો કરવો છે, માટે મારા પર આટલી દયા કરો ભાઈ, લો આ સોયમાં દોરો પરોવી આપો!” ને પછી એ સેવકે દોરો પરોવી આપ્યો એટલે ભગતજી રૂમમાં બેસીને શાંતિથી ફૂલહાર ગૂંથવા લાગ્યા અને પેલો - સેવક તો ભગતજીની એવી એ ભાવક્રિયાને આભો બનીને નિરખી જ રહ્યો!!
એ ટાણે ભગતજી એકાગ્રચિત બનીને, એક એક ફૂલને બરાબર જોઈ તપાસીને સોયમાં પરોવતા જાય અને ધીમે ધીમે શ્રીજી મહારાજના જુદા જુદા નામો પણ લેતા જાય!ને સાથે જ વિનંતી પણ કરતા જાય, “હે વર્ણિરાજ! હે ઘનશ્યામ મહારાજ! હે - હરિકૃષ્ણ મહારાજ! હે દયાળુ, નરનારાયણ દેવ! મારો બનાવેલો આ ફૂલહાર જરુર પહેરજો, અને મારા ઉપર હંમેશા રાજી રહેજો પ્રભુ!”
અત્રે આટલું નોંધવું અત્યંત આવશ્યક છે કે ભારે મહિમા ભાવ સાથે ગૂંથાયેલો ભગતજીનો એવો એ ફૂલહાર અને તેઓનાં પ્રેમ છલોછલ હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના (વિનંતી) સાંભળીને પ્રસન્નચિત્ત બનેલા શ્રીજી મહારાજે, ભગતજીના એ પ્રેમ નીતરતા પૂષ્પહારને પોતાના કંઠમાં અવશ્ય ધારણ કર્યો હશે!!
ને પછી તો હાર સંપૂર્ણ બનાવીને ભગતજી પોતે સેવકો સાથે કાલુપુર મંદિરે ગયા અને પોતાના હાથે બનાવેલો એ ફૂલહાર બ્રહ્મચારી મહારાજને આપતાં કહ્યું, 'મા-બાપ! મારો આ હાર નર-નારાયણ દેવને જરુર ધરાવજો, અને રાજી રહેજો! હું તો હવે આંધળો અને બહેરો પણ થયો છું, તો પણ ભગવાન! તમે તો રાજી રહેજો.' | ...પ્રસંગ પૂરો કરતા કહેલાં આટલું જરુર નોંધવું પડશે કે, આ ભક્તિ, આ દીનતા, આ મહિમાભાવ અને સેવા માટેની આવી અજોડ તત્પરતા ક્યાં જોવા મળે? પૂ. નારાયણ ભગતના જીવનમાં સેવા ભક્તિના આવા ગુણો સુંદર સ્વરૂપે પ્રગટ થયા, અને આપણને તેના અત્યંત નજીકથી દર્શન થયાં એ જ આપણા ધન્યભાગ્ય ગણાય!!
સત્સંગ-સેવાનું ફળ તે અંતઃકરણ શુદ્ધિ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, “જો ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને ભગવાનની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે” અંતઃકરણ શુદ્ધ થતાં ભગવાનનું સ્મરણ પણ અખંડ થવા લાગે છે, સત્સંગી માત્રનો હૈયામાં ગુણ આવે છે અને સહુના પ્રત્યે મહિમાભાવ સાથે દિવ્યતાની બુદ્ધિ પ્રગટે છે.
પૂ. નારાયણ ભગતે નિષ્કામભાવે બધાની સેવા કરી હતી, જેના પરિણામે તેઓને બધા પ્રત્યે દિવ્યભાવના પ્રગટેલી હતી; ને પરિણામસ્વરૂપે, પ્રત્યેક વ્યક્તિમાં મારા પ્રભુનો જ વાસ છે, એવી દૃષ્ટિથી જ ભગતજી બધા સાથે વર્તન કરતા હતા.
કવિ કલાપીએ ઉપરોક્ત ભાવનાને ફૂટ કરતું એક સરસ મજાનું કાવ્ય લખ્યું છે તેની બે પંક્તિઓ અત્રે પ્રસ્તુત છે :
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની,
જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!’
ને વળી કોઇપણ સંત, હરિભક્ત, વિદ્યાર્થી કે પછી અપરિચિત વ્યક્તિ વિષે ભગતજીને પૂછવામાં આવે એટલે તરત જ તેના વિષેનો, સદ્ગુણ અને દિવ્યભાવ સાથેનો જ પરિચય આપે! તેમના મુખમાંથી કોઇના વિષે, ક્યારેય પણ નબળી વાત જ નીકળે નહીં! કહેવું પડશે કે, બીજાના ગુણ ગ્રહણ કરવામાં ભગતજીનો નંબર પહેલો જ આવે!
કદી કોઇ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની યાદી કરાવે એટલે અંતરના અહોભાવ સાથો બોલી ઉઠે : 'સ્વામીની ચેષ્ટા તો ગુણાતીતાનંદ સ્વામી જેવી જ!” કેમ જાણે પોતે ગુણાતીતાનંદ સ્વામી સાથે રહ્યા હોય અને એમની ચેષ્ટાઓ જાણતા હોય! તદુપરાંત આચાર્ય મહારાજશ્રી આનંદપ્રસાદજી મહારાજની યાદી કોઇ કરાવે તો તરત જ બોલી જાય : 'એમની રાજરીત અને ચેષ્ટાઓ જાણે કે રઘુવીરજી મહારજ જે વી!' પૂજય પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજીનું સ્મરણ થતાં જ, એમની કથાવાર્તા કરવાની શૈલીનો પ્રસંગ ટાંકીને વાત કરે.
પૂ. જોગીસ્વામી વિષે તો ભગતજીને હંમેશા અલૌકિક ભાવ જ રહેતો હતો! ને તેથી જોગીસ્વામીની વાત નીકળતા જરૂર બોલે કે : 'જોગીસ્વામી તો અનાદિ મુક્ત જ છે, અને એમણે માનત સ્વામી (મહંત સ્વામી કૃષ્ણજીવનદાસજી)ને ખૂબ રાજી કર્યા છે.’ આ રીતે સંતો-હરિભક્તો વિષેની સ્પેશ્યલ ઓળખ ભગતજીના મનમાં હંમેશ માટે રહેલી અને જ્યારે જ્યારે તે સંત, હરિભક્ત કે વિદ્યાર્થી મળે ત્યારે તરત જ એવી એ ઓળખ (પોતાના મનમાં પડેલી છાપ) સાથે જ જે તે વ્યક્તિ સાથે વાત કરે! - એક વખત છારોડી ગુરુકુળમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ પધાર્યા હતા અને નારાયણ ભગત પણ એ પ્રસંગે ત્યાં આગળ હાજર હતા. મુખ્યમંત્રીશ્રીનું આગમન થતાં જ બધા લોકો તેમને મળવા (જોવા) માટે દોડી ગયા પરંતુ નારાયણ ભગત તો પોતાના સ્થાને જ ઉભા રહીને બન્ને હાથ જોડી મુખ્યમંત્રીને નમસ્કાર કર્યા અને દંડવત્ પ્રણામકરીને બોલી ઉઠ્યા, ‘રાજા હું છું.” અર્થાત્ ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં ભગવાન કહે છે, "મનુષ્યમોમાં રાજા હું છું’ તેનું સ્મરણ કરીને ભગતજીએ મુખ્યમંત્રીમાં રહેલા પરમાત્માને એ ટાણે વંદન કર્યા.
આવી દિવ્ય દૃષ્ટિને કારણે જ પૂ. નારાયણ ભગત એક સદ્ગુરુ સંત બલ્કે એકાંતિક મુક્ત પુરુષની જેમ સૌના અંતરમાં આદરણીય સ્થાન પામ્યા હતા.
‘સેવા એ જ મુક્તિ' એ શ્રીજી વચનને જીવનમંત્ર બનાવીને પૂ. નારાયણ ભગતે આજીવન સૌની સેવા કરી હતી, અને વળી તે પણ માત્ર એક જવાબદારી તરીકે નહિ, બલ્કે હૃદયના સાચા ભાવ સાથેની જ સેવાઓ હતી! એમની આ પ્રકારની સેવાથી સહુ તેમના ઉપર અત્યંત રાજી રહેતા હતા; ને સાથે જ તે બધા પણ ભગતજીની સેવા કરવાની પ્રબળ ભાવના રાખતા હતા. | આટલું છતાં ભગતજી કોઇપણની સેવા લેવા માટે બિલકુલ તૈયાર ન હતા, અને જો કોઇ પોતાની સેવા કરવા
આવે તો તરત જ તેને અટકાવે, અથવા પોતે ત્યાંથી ભાગી જાય! સમય જતાં શરીરના ધર્મ પ્રમાણે ભગતજી પણ વૃદ્ધ થયા અને તેમના શરીરમાં નબળાઇ, કાને બહેરાશ અને આંખોમાં મોતીયા આવ્યા. આટલું છતાં તેઓ દવા કરાવવા માટે બિલકુલ તૈયાર ન હતા! પણ પછી, “આ શરીર તો સેવા અને ભગવદ્ ભક્તિ માટેનું અણમોલ સાધન છે. એવું કહી સંતોએ તેઓને ખૂબજ સમજાવ્યા ને ત્યારે જ તેઓ ડૉક્ટરોની સેવા-સારવાર લેવા માટે તૈયાર થયા! શરીરના મોહથી પણ મુક્ત થઇને રહેવું તે આનુ નામ!
આંખોના ડૉક્ટર અભય વસાવડાને ભગતજી દિવ્ય પુરુષ કહેતા હતા અને કાનનું મશીન (શ્રવણયંત્ર)
લાવી આપનાર ઉપર અત્યંત રાજી રહેતા હતા. ડૉક્ટર મુકેશ શાહને વારંવાર મળવાનું થાય ત્યારે અત્યંત અહોભાવ સાથે તેમને પગે લાગતા ભગતજી તેઓને વૈદ્યરાજ કહીને સંબોધતા હતા! ડૉ. મુકેશ શાહ ફીઝીશીયન હોવાથી નાની-મોટી શારીરિક તકલીફો થાય ત્યારે સંતો તેમને બોલાવતા. ડૉક્ટર હંમેશા કહેતા કે 'નારાયણ ભગતનું હૃદય તો કોઇ નાના બાળકની જેમ જ ધબકે છે, તમે જોજો ને એમને કદી પણ હૃદયરોગ થશે નહીં.”
... ને ખરેખર ભગતજીને ક્યારેય પણ હૃદયની બિમારી આવી જ ન હતી.
અમદાવાદ ગુરુકુળમાં જો કે નારાયણ ભગતની સેવા કરવાનો લાભ ઘણા સંતો-પાર્ષદો અને વિદ્યાર્થીઓને મળેલો છે પરંતુ તેઓની વૃદ્ધ અવસ્થા અને શારીરિક અશક્તિ નિહાળીને સંતો-પાર્ષદો અને વિદ્યાર્થીઓ સુધ્ધાં અત્યંત આનંદ સાથે ભગતજીની સેવામાં જોડાઇ જતા હતા.
....ને ત્યારે ભગતજી, પોતાની ઇચ્છા ન હોવા છતાં પણ એવી એ પ્રેમછલોછલ સેવાઓનો સ્વીકાર કરતા હતા.
સ્વચ્છતા, સુઘડતા અને પવિત્રતાના ભગતજી અત્યંત આગ્રહી હતા. ને એટલે જ તો તેમની સેવા કરનાર વ્યક્તિઓએ સંપૂર્ણ સાવધાની રાખવી પડતી હતી! સહેજ પણ અસ્વચ્છતા કે અપવિત્રતા ભગતજી સાખી શકતા નહોતા. ને એટલે સેવાભાવીઓએ અત્યંત સાવધાન રહેવું પડતું હતું!
કારણ કે ભગતજી પોતે અત્યંત જાગૃત પુરુષ હતા. સેવા કાર્યોના સાતત્યથી પ્રાપ્ત થયેલી ભગવત કૃપાને કારણે ભગતજીનો અંતરાત્મા પૂર્ણપણે જાગી ચૂક્યો હતો! ભગતજી દરરોજ સવારે ૩ થી ૩:૩૦ વાગ્યે જાગૃત થઈ જતા હતા એટલે સેવકોએ પણ ભગતજીની પહેલા જાગવું પડતું હતું. દૈનિક ક્રિયાઓ અને તેમાં પણ શારિરીક ક્રિયાઓમાં ભગતજીની ઝડપ અસાધારણ હતી! તેમનું હાવું-ધોવું, ચાલવું, જમવું વગેરેમાં ઝડપ અને જાગૃતિનાં દર્શન થતાં હતાં.
... અહીં આગળ ખાસ નોંધનીય બાબત તો એ છે કે ભગતજી જે કંઇ ક્રિયા કરી રહ્યા હોય તેમાં તેઓ સંપૂર્ણ તન્મય બની જતા હતા; એટલે એ ટાણે એમને જો કોઈ સહેજ પણ ખલેલ પહોંચાડે તો તેઓ જરાય સહી શકતા ન હતા.
આ રીતે, ભગતજીની કાર્યતીવ્રતા, તત્પરતા અને બાલસહજ ચંચળતાને ધ્યાનમાં રાખીને જ સેવકોએ તેઓનું સેવાકાર્ય સંભાળવાનું હતું, તથા કોઇપણ બાબતમાં માત્ર અને માત્ર ભગતજીની ઈચ્છાને જ આધીન રહેવું પડતું હતું! ને ક્વચિત્ એમ ન બને ત્યારે ભગતજી અત્યંત અકળાઇ ઉઠતા.
...ને વળી પોતાની સેવા કરવામાં કોઇપણ વસ્તુનો બગાડ ન થાય તે વાતનું તો ભગતજી પોતે ખાસ ધ્યાન રાખતા. કદી કોઇ સેવક આ બાબતમાં બેદરકારી બતાવે તો ભગતજી તેને તરત જ રોકે, અને ટોકે પણ ખરા.
પાણીનો બગાડ ન થાય એટલા માટે તેઓ પાણીના નળને બે ત્રણ વાર ખોલ બંધ કરીને પોતાના હાથથી જ બંધ કરે અને ક્યાંક લીકેજ તો નથી ને’ એમ બોલીને બીજાને પણ પ્રેરણા આપે! કહેવું જોઇએ કે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ હાલવા ચાલવામાં અને ખાવા-પીવામાં એટલા તો સાવધાની સાથે તકેદારી રાખે કે સેવકોને જો એ બધુ શીખવું હોય તો આપોઆપ જ સત્સંગની શિક્ષા સુપેરે મળી રહે એમ હતું.
પૂ. નારાયણ ભગત પોતાની વૃદ્ધાવસ્થામાં મેમનગર ખાતેના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પધાર્યા તેની પાછળનું મુખ્ય પરિબળ પ. પૂ. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી બન્યા છે એમ ચોક્કસ કહી શકાય. કારણ કે રાજકોટ ગુરુકુલમાં હતા ત્યારથી જ પૂ. બાલસ્વામીને માંદા સંતો અને વિદ્યાર્થીઓની સેવા કરવાનું અંગ હતું. ને તેથી જ તેઓ પૂ. ભગતજીને અત્યંત આગ્રહ કરીને રાજકોટથી અમદાવાદ ગુરુકુલમાં લાવ્યા હતા. - પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી હયાત હતા ત્યારે પૂ. નારાયણ ભગતે એક વર્ષ સુધી અમદાવાદ ગુરુકુલમાં પધારીને પોતાની આંખોની સારવાર કરાવી હતી. પૂ. પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ પણ પોતાની ઉત્તરાવસ્થામાં અમદાવાદ ગુરુકુલ ખાતે રહીને સેવા કરવાનો લાભ આપ્યો હતો.
એ જ રીતે પ.પૂ જોગી સ્વામી, પાર્ષદવર્ય શ્રી રવજી ભગત, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી પણ હમણા અમદાવાદ (છારોડી) ખાતે રહીને ભજન-સ્મરણ અને ચિંતન-મનન સાથે યજ્ઞાનુષ્ઠાન કરી રહ્યા છે. તદુપરાંત પૂ. ભંડારી સ્વામી હરિપ્રસાદદાસજી પણ પોતાની બિમારી વખતે મેમનગર ગુરુકુલ ખાતે રહીને શાંતિપૂર્ણ સમય વિતાવતા હતા અને હાલમાં પાર્ષદ કનુભગત તથા પાર્ષદ પુરુષોત્તમભગત પણ પોતાની સેવા નિવૃત્તિ બાદ આ સંસ્થામાં જ રહીને સેવા-ભજન કરી રહ્યા છે. ને વળી આ બધા સંત-પાર્ષદોની સેવા માટે પરમપૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમપૂજય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ મેમનગર-છારોડી ગુરુકુલ ખાતે વસતા સૌ સંતો-પાર્ષદો અને વિદ્યાર્થીઓને પ્રબળ પ્રેરણા પૂરી પાડી છે.
તદુપરાંત અશક્ત સંતો અને પાર્ષદોની સેવા સારવારમાં કોઇ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે વાતની પણ આ સદ્ગુરુ સંતો સતત તકેદારી રાખે છે અને તેથી જ તો પૂજ્યપાદ જોગી સ્વામી સરખા સંતવર્ય અને પાર્ષદ નારણ ભગત જેવા ભક્તવર્યની સેવાનો બહુમૂલ્ય લાભ અત્રેના તમામ સંતો અને વિદ્યાર્થીઓને સહજ રીતે જ મળ્યો.
અત્રે કહેવું પડશે કે, પાર્ષદ નારાયણ ભગતની સેવામાં સતત રહીને સાધુ ગોવિંદપ્રસાદજીએ પોતાનું - સાધુજીવન ધન્ય ધન્ય બનાવ્યું છે. કેમકે તેઓને ભાગવતી દીક્ષા આપતી વખતે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે - ગોવિંદપ્રસાદજીને આજ્ઞા આપી હતી કે, “પાર્ષદ નારાયણ ભગતની તમો પોતે આજીવન સેવા કરજો.' એ આજ્ઞાને શિરે ચઢાવીને સાધુ ગોવિંદપ્રસાદજીએ, ભગતજી ધામમાં પધાર્યા ત્યાં સુધી સેવા કરી છે. પૂ. પુરાણી સ્વામી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ પણ પાર્ષદ નારણ ભગતની સેવાનો લાભ અતિ મહિમાપૂર્વક લીધો છે. જિંદગીના છેલ્લા વર્ષોમાં ભગતજીની તબીયત ખૂબજ નાજુક રહેતી. એ ટાણે સ્વામી હરિસ્વરુપદાસજી, ભગતજીને દર્દમાં રાહત થાય તે માટે તેમના હાથે-પગે તેલ વડે માલીશ કરી આપતા હતા અને ભગતજીનો ભારે રાજીપો મેળવતા હતા. તદુપરાંત પૂ. નારાયણ ભગત અમદાવાદ પધાર્યા ત્યારથી સાધુ ભક્તવત્સલદાસજી, જૂનાગઢ મંદિરના પુજારી સાધુ વિવેકસાગરદાસજી, સાધુ સત્સંગભૂષણદાસજી, ચંદુ ભગત (સ્વામી ચંદ્રપ્રસાદદાસજી) પાર્ષદ શામજી ભગત, તથા મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ વગેરે તેઓની - સેવાનો લાભ ઉઠાવીને ધન્ય બન્યા છે.
કહેવું જોઇએ કે પૂ. નારાયણ ભગત જેવા સેવાભાવી ભક્તની સેવા કરવાનો લાભ લેવો એ સત્સંગની શિક્ષા દીક્ષાનો અમૂલ્ય લ્હાવો લીધા બરાબર જ છે. ધન્ય છે નારયણ ભગતને અને ઝાઝા ધન્યવાદ છે. એમની જનેતાને. દિવ્ય અને સેવા સભર વિચારધારા લઇને પૃથ્વીલોક પર પધારેલા પૂ. નારાયણ ભગત, સત્સંગ સમાજ માટે સેવા ભક્તિનો એક મહાન આદર્શ બની રહેશે.
- પરમપૂજય સદ્ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના એક લેખ (દેહથી દેવત્વ સુધીની યાત્રા)માં દાનવીય અને દૈવીય એમ બે પ્રકારની વિચારધારાઓ વિષે વિદ્વતાપૂર્ણ અને વિસ્તૃત વાત કરી છે, તેમાંથી અહીં પ્રસંગોચિત દૈવી વિચારધારાની થોડીક લાક્ષણિકતાઓ અહીં આગળ પ્રસ્તુત છે.
દૈવી વિચારધારા પ્રકાશને પ્રેમ કરે છે, ચૈતન્યને સ્વીકારે છે, દેહમાં રહેલા દેવને પૂજે છે, ત્યાગીને ભોગ ભોગવવામાં માને છે તથા દેહને પરમાત્માની સાધના અને આરાધનાનું સાધન માને છે. દૈવી વિચારધારાની ઉપરોક્ત તમામ લાક્ષણિકતાઓ નારણ ભગતમાં સ્પષ્ટપણે પ્રગટેલી જોઇ શકાતી હતી.
અંતમાં, ગોંડલ સ્ટેટના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી મહારાજાએ જે એક મહાન જીવનસૂત્ર અપનાવ્યું હતું તે ટાંકીને પ્રસ્તુત પ્રસંગ કથા અહીં આગળ પૂર્ણ કરીશું, તે જીવનસૂત્ર છે : “પોતાની પહેલાં બીજા અને સૌની પહેલાં પોતાની ફરજ.'
પાર્ષદ નારાયણ ભગત દિવ્યમૂર્તિ હતા, મહિમામૂર્તિ હતા, સેવામૂર્તિ હતા. મહિમા ભગવાન સ્વામિનારાયણનો છે અને એ મહિમા ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોનું પાન કરનારા અને પાલન કરનારા સદ્ગુરુઓનો છે. સદ્ગુરુની દીક્ષા કેવી હોય તે અંગે અહીં જૂનાગઢ સભામંડપમાં કહેવું જોઇએ કે આ અક્ષરબ્રહ્મનો સભામંડપ છે, અહીં સામે અક્ષરબ્રહ્મની ડેરી છે, અહીં જે થાંભલો હતો ત્યાં બેસીને અક્ષરબ્રહ્મ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરુપ અને મહિમાને આ જગતમાં પ્રગટ કરેલો છે. પૂજ્ય ભગતજીના જીવનમાં સદ્ગુરુએ આ મહિમા ભર્યો હતો. જે અક્ષરબ્રહ્મ છે તે પુરુષોત્તમ નારાયણની મોજડી લઇને તેમની સેવામાં આગળ ચાલે છે.’ આ કથા પ્રસંગને જીવનમંત્ર બનાવીને નારાયણ ભગત અખંડ સેવકભાવે દાસભાવે જીવી ગયા અને આપણને શુદ્ધ ઉપાસના સાથે સેવકભાવની દિવ્ય પ્રેરણા આપતા ગયા. જે સેવાનો ભાવ નારાયણ ભગતે પોતાના અંગમાં સ્થિર કર્યો અને ‘સેવા મુકિતશ્વ ગમ્યતામ' નું સ્વામિનારાયણીય મુકિતવિધાન સિદ્ધ કરી ગયા.
મોક્ષ માટેના ધણાં સાધનો છે, ધર્મપાલનથી ભગવાન મળે, જ્ઞાનથી ભગવદ્ પ્રાપ્તિ થાય, વૈરાગ્યથી ભગવાનના માર્ગે જવાય, યોગ, તપ, જપ, ધ્યાન વગેરે અનેક સાધનોથી મોક્ષમાર્ગના પગથિયા ચઢવાના ઉપાયો શાસ્ત્રોમાં બતાવેલા છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે અત્યંત સરળ અને સહજ મુકિતનો આત્યંતિક માર્ગ દર્શાવ્યો, એ સેવાનો માર્ગ છે. સેવાથી મુક્તિ મળે એમ શ્રીજી મહારાજે નથી કહાં, પરંતુ સેવાને જ અમે મુકિત માનીએ છીએ, અર્થાત સેવક બન્યો તે મુકત બની ગયો. આ સ્વામિનારાયણ ભગવાનનો જીવનમુકિતનો દિવ્ય સિદ્ધાંત છે. આમાં કયાંય કઠિનતા નથી, કારણ કે મુકિતમાં અવરોધરુપ અહંકારનું વિસર્જન સેવાથી જ થાય છે. સેવાથી મહારજમય બની ગયેલા અને મહારાજના ધામમાં પહોંચી ગયેલા નારાયણ ભગતને હું વંદન કરું છું, એવા જ અમારા સંતવર્ય અ. નિ. પૂજ્યપાદ મુગટ સ્વામી (સ્વામી નિરન્મુકતદાસજી-જૂનાગઢ ગુરુકુલ)એ પણ સેવામયા જીવન જીવીને મહારાજમય બની ગયા તેમનું પણ સ્મરણ કરીને વંદન કરું છું.
નારાયણ ભગત અને માધાભગત (ધોરાજી) આ બન્ને પાર્ષદોની જોડ્ય સંપ્રદાયમાં અજોડ હતી. કારણ કે બન્ને પાર્ષદો સદ્ગુરુઓના કૃપાપાત્ર સેવકો હતા. આ બન્ને પાર્ષદોની દિવ્યતા અને મહિમાપૂર્ણ સેવા આપણે ક્યારેય ન ભૂલી શકીએ. નારાયણ ભગત શું હતા એ સાચી રીતે તો જૂના સંતો, વયોવૃદ્ધ સંતો જ કહી શકે. એ સેવામૂર્તિ હતા અને સેવા દ્વારા છતે દેહ ધામમાં જ રહેતા હતા,
આપણે પણ નારાયણ ભગતની જેમ ભગવાન સ્વામિનારાયણની મોજડી ઉપાડનારા સેવક બનીએ તો મુકતાનંદ કહે મુકિત, સુગમ કરી સીધી. જે કઠિન દેખાતો મોક્ષમાર્ગ અતિ સરળ બની રહેશે.
પૂ. નારાયણ ભગત ઉપર આપણા સંપ્રદાયના સર્વ સંતોની કૃપાદૃષ્ટિ રહેલી છે. આ મુકતાત્માનો ગંગા કિનારે થયેલો અંતિમ સંસ્કાર દિવ્યતાથી ભરેલો હતો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની અંતિમયાત્રા અને અગ્નિસંસ્કારની દિવ્ય સ્મૃતિઓ તાજી કરાવે એવા તેમના સેવક પૂ. ભગતજીના અંતિમ સંસ્કાર થયા. ગીતા ભવનની ગૌશાળાની ગાયો પણ આ મુકતાત્માના દર્શન કરવા દોડી આવી હતી અને ભગતજીના અગ્નિસંસ્કારના સ્થાને ગંગા મૈયાની પ્રદક્ષિણાની દિવ્ય સ્મૃતિ કયારેય નહીં ભૂલાય.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જે સ્થાને જ્યાં ભજનનો સંકલ્પ કરેલો એ જ સ્થાને પૂ. નારાયયણ ભગતનો અંતિમ સંસ્કાર થયો એ આપણા સૌ માટે અલૌકિક ધટના બની રહેશે. ગુરુકુલના સંતો-પાર્ષદો-વિધાર્થીઓએ પૂ. નારાયણ ભગતને મુક્ત માનીને ખૂબ સેવા કરેલી છે, ભગતજીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે, સૌ ધન્યભાગી બન્યા છે. સેવારુપી મુક્તિનો સાક્ષાત્કાર કરનારા નારાયણ ભગત મુતાત્માને વંદન .
- પ. પૂ. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી
ભગવાન અને ભગવાનના સંતો-ભકતો પ્રત્યે વાત્સલ્યભાવ અને સેવાનો ભાવ ધરાવતા પાર્ષદ નારાયણ ભગત આપાણી ગુણાતીત પરંપણના સદ્ગુરુઓના કૃપાપાત્રા સેવક હતા. જેના જીવનમાં સત્સંગ સાથે ગુરુ-નિષ્ઠા, ચોખ્ખાઈ સાથે ચોકસાઈ અને સેવા સાથે મહિમાભાવ જેવા સદગુણો સૌને ઊડીને આંખે વળગે એવા હતા. આ સત્સંગ દિવ્ય છે, તેનો પુરાવો આપણી સૌની સમક્ષ નારાયણ ભગતે પૂરો પાડ્યો છે. આ સત્સંગનો પ્રતાપ તો જુઓ, એક સામાન્ય ખદ્યોત જેવો જીવાત્મા ભગવાનના આશ્રયે, તેમની સેવાના પ્રતાપે અને ભજનના પ્રતાપે કયાં પહોંચી જાય છે?
નારાયણ ભગત તો છતે દેહે ભગવાન શ્રીહરિના ધામમાં જ રહેતા હોય એવું એમનું જીવનનું વર્તન હતું. કોઈનો કયારેય પણ અવગુણ નારાયણ ભગતને ન આવે અને પોતાનો ગુણ કદી એમણે લીધો જ નથી. એમનું અક્ષરધામમાં જવું એ ઘટના પણ કેટલી દિવ્ય બની ગઈ બધા સંતો અને હરિભકતો જ્યારે ઋષિકેશમાં ગંગાકિનારે ચાલતી સાધના શિબિરમાં અનુષ્ઠાનમાં હતા ત્યારે જ ભગતજીએ અહીં અમદાવાદ ગુરુકુલમાં દેહ છોડયો.
અમે ૧૪મી નવેમ્બરે વહેલી સવારે ગંગાસ્નાન કરતા હતા અને ભગતજીના અક્ષરવાસના સમાચાર મળ્યા. પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ તત્કાળ પૂ. બાલસ્વામી અને અન્ય યુવાન સંતો માટે પ્લેનની ટિકીટો કઢાવી અને ઋષિકેશથી નીકળવાની તૈયારીમાં હતા તે જ સમયે સાધુ ધર્મવત્સલદાસજી સ્વામી અને સાધુ ભકતવત્સલદાસજી સ્વામીને વિચાર આવ્યો કે નારાયણ ભગતને જ અહીં ઋષિકેશ ગંગાકિનારે લાવીએ તો!! આ વિચાર બધાને ગમી ગયો અને ભગતજીની સેવામાં રહેલા ગોવિંદપ્રસાદ સ્વામી અને નાના સ્વામી માધવચરણદાસજી તેમજ હરિભકતો ડૉ. વિપુલભાઈ, ચંદ્રકાંતભાઈ ગોહિલ, લાલભાઈ, રમેશ વગેરે અમદાવાદથી ભગતજીના પાર્થિવ દેહને 2 કલાકમાં પ્રષિકેશ લાવ્યા.
નારાયણ ભગતના પાર્થિવ દેહનું તેજ અને શરીરની હીરના ફેલ જેવી સ્થિતિ આજે પણ આપણને દિવ્યતાનો અનુભવ આપે છે. મહારાજ અને સંતો ભગતજીને ધામમાં તેડી ગયા અને ભગતજીનો દેહ ગંગા કિનારે પંચભૂતમાં વિલીન થયો. ઋષિકેશ, સ્વર્ગાશ્રમમાં ભગતજીની અંતિમ યાત્રાએ એકદિવ્ય વાતાવરણ સર્જ્યું. કોઈ મોટા સદગુરૂને શોભે એવી પાલખી યાત્રા, એ ગંગાજીના જળથી ભગતજીને સૌએ કરેલો અભિષેક, સૌ સંતો હરિભકતોની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર... એ બધું કયારેય ભુલાસે નહિ.
ભગવાનના મહિમાભાવ સાથે ભગતે કરેલી સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજની સેવા, અનુવૃત્તિ અને સમર્પણનું આ કુળ છે. તેમણે પોતાનું આખું જીવન ગુરૂદેવની આજ્ઞા મુજબ સત્સંગની સેવામાં સમર્પિત કર્યું હતું. રાજકોટથી સેવા નિવૃત્ત થયા પછી અહીં અમદાવાદમાં આવીને તેમણે કથાશ્રવણનું અંગ કેળવ્યું હતું અને ૮૫ વર્ષ સુધી બધાની દોડી દોડીને સેવા કરતા હતા. આપણા ધન્યભાગ્ય છે કે એવા મુકત પાર્ષદની આપણને સેવા મળી અને આપણને સૌને સત્સંગની, સેવાની, કથાની, સમર્પણભાવની પ્રેરણા આપી ગયા..
અક્ષરધામમાં મુકતોની સાથે વિરાજી રહેલા મુકતાજ નારાયણ ભગતને હું મારા હદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
- પ. પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી
ભકતરાજ નારાયણ ભગતનું સેવક તરીકેનું વ્યકિતત્વ આપણને કાયમ યાદ રહેશે. નારાયણ ભગત માત્ર આપણી સંસ્થાનાં જ નહિ, પરંતુ સમગ્ર સત્સંગના આભૂષણ સમાન હતા. જેમણે આજીવન સેવા કરીને સૌને રાજી કર્યા. ભગવાનનો રાજીપો મેળવવા આપણે સૌ સેવા, ભજન, ભકિત, વ્રત, જપ, તપ વગેરે કરીએ છીએ, પરંતુ સાચી ભગવત્ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપણે નારાયણ ભગતના જીવનમાંથી ઘણું જ શીખવાનું છે. એક જીવંત વ્યક્તિ તરીકે નારાયણ ભગત સદાય જાગૃત અને ઉત્સાહથી ભરેલા સેવક હતા. આળસ, પ્રમાદ કે ગાફલાઈનું નામનિશાન નહીં, સેવા માટે સદાય તત્પર રહેતા નારાયણ ભગતમાં સારાસારનો વિવેક પણ એટલી જ માત્રામાં હતો. નારાયણ ભગતને કોઈ ભોળા ભગત સમજીને છેતરી ન શકે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો પડછાયો બનીને જીવ્યા અને ગુરુદેવના એક એક શબ્દને જેણે જીવનમાં આચરવાનો પ્રયત્ન કર્યો. સત્શાસ્ત્રો અને સદ્ગુરુના વચનોમાં અચળ નિષ્ઠા રાખીને એક સંસ્થાના સેવક હોવા છતાં સમગ્ર સત્સંગને પોતાનો કરી જાણતા, એટલું જ નહિ આજે સમગ્ર સત્સંગ જેને પોતાના માણસ તરીકે સ્વીકારે છે, એવા નારાયણ ભગતને બન્ને દેશા આચાર્ય મહારાજશ્રીઓના પણ રાજીપા સાથેના આશીર્વાદ મળેલા છે.
નારાયાણ ભગતના અક્ષરવાસના સમાચાર સાંભળીને આપણા અમદાવાદ દેશના મોટા મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજે નારાયણ ભગત પ્રત્યે શોક સંવેદના પ્રગટ ફરતા મને (ફોનમાં) જણાવ્યું હતું કે, “સંપ્રદાયમાં આવી સમજણવાળા, મહિમાવાળા અને નિર્મળ અંતઃકરણવાળા બહુ ઓછા ત્યાગીઓને જોયા છે. નારાયણ ભગતના ધામમાં જવાથી ગુરૂકુળ સંસ્થાને તો મોટી ખોટ પડી હોય પરંતુ સંપ્રદાયને મોટી ખોટય પડી છે. મારા હદયથી હું નારાયણ ભગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આપ સૌ સંતોને પણ એ માર્ગે ચાલવાનું ખૂબ બળ આપે એવી શ્રી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.”
એ જ રીતે વડતાલ ધામથી પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પોતાના લેખિત શોક સંદેશમાં નારાયણ ભગતને શ્રદ્ધાંજલિ આપતાં જણાવેલું છે કે ‘નારાયણ ભગતે અતિશય સેવાભાવી, મુમુક્ષુ તરીકે સેવા-ભજન-સ્મરણની અજોડ મશાલ પ્રગટાવેલી છે. આપણી મૂળ પરંપરા અને ખાસ કરીને ગાદિસ્થાન, આચાર્ય શ્રી પ્રત્યેની નિષ્ઠા તેમના હૃદયમાં સદાય જોવા મળેલી છે. નિખાલસ અને નિર્માનીપણાના અનંત ગુણોથી વિભૂષિત અક્ષરવાસી નારાયણ ભગતના દિવ્ય આત્માને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતાની નિજ સેવાનું સુખ આપે એવી અમો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.'
પૂજ્ય મહારાજશ્રીઓ ઉપરાંત સમગ્ર સત્સંગના મૂર્ધન્ય સંત-મહાનુભાવોએ પણ શ્રદ્ધાંજલિ સભામાં પધારીને પૂજ્ય અ.નિ. નારાયણ ભગતને આશીર્વાદ આપેલા છે, એટલું જ નહિ, પરંતુ તેમની સેવા, કથાશ્રવણ, મહિમાભાવ, નિર્માનપણાના ગુણોને બિરદાવી ભાવાંજલિ અર્પણ કરતા ધન્યતા અનુભવી છે.
પૂજ્ય નારાયણ ભગતએ છેલ્લા ૨૫ વર્ષોથી અત્રે મેમનગર ગુરુકુલમાં નિવાસ કરીને કથાવાર્તાનો અખાડો જમાવ્યો અને સૌ સંતો-હરિભકતો-વિદ્યાર્થીઓને સેવા કરવાની ઉજ્જવળ તકો પૂરી પાડીને આપણને સૌને ધન્યભાગી બનાવ્યા છે.
- પ. પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
જીવનમાં ત્રણ બાબતો દુર્લભ છે. મનુષ્યત્વ, મુમુક્ષતા અને મહાપુરુષોનો પ્રસંગ - આશ્રય મળવો. પૂ.નારાયણભગતને આ ત્રણેય મળ્યા અને એમણે આ ત્રણેય દુર્લભ બાબતોને જીવનમાં આત્મસાત્ કરી બતાવ્યા. આ ત્રણેય બાબતો ઘણાને મળે છે પણ મળ્યા પછી મોટા ભાગના ચૂકી જાય છે. નારાયણભગત મનુષ્યત્વનો મહિમા સમજ્યા હતા એટલે સ્વયં પ્રજ્ઞાથી ધર છોડીને ભગવાન ભજવા માટે નીકળી પડ્યા, જૂનાગઢ આવ્યા , પીળી ચોટલી વાળા જોગીસ્વામીને મળ્યા અને કહાં મારે ભગવાન ભજવા છે અને તમારી પાસે રહેવું છે. જોગીસ્વામી નારાયણભગતમાં રહેલા મુમુક્ષુત્વને પામી ગયા અને વિચારવા લાગ્યા કે આની જે મહિમાબુદ્ધિ છે, દિવ્ય બુદ્ધિ છે, જે શ્રદ્ધા છે એને સંભાળે એવા ગુરુ જોઇએ, એની જે સેવાની ભૂખ છે એ ભૂખને ભાંગે એવા ગુરુ જોઇએ, એ નિર્મોહી સંતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો ભેટો કરાવ્યો અને નારાયણભગતને સોંપતા કહાં- સ્વામી, તમારી જે આ વિશાળ સત્સંગની સેવા પ્રવૃત્તિઓ છે તેમાં ભારે કામ આવે એવો આ મુમુક્ષુ સેવક છે હું તમને સોપું માટે તમે એને સંભાળજો. શાસ્ત્રીજીમહારાજે તરત જ એ ભગતને પાર્ષદ દીક્ષા આપી. નારાયણભગતનું પૂર્વાશ્રમનું નામ પુનાભાઇ હતું અને પાર્ષદની દીક્ષા આપતી વખતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે તેમનું નામ નારાયણ ભગત પાડ્યું.
સદ્ગુરુને સમર્પિત તો ઘણા થાય છે, મહાપુરુષ પણ મળે છે, પરંતુ શિષ્યત્વ કયાં છે? જે ભગતના જીવનમાં પૂરેપૂરું શિષ્યત્વ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું અને દાસત્વભાવ સાથે આ શિષ્યત્વ આજીવન નિભાવ્યું. હરિભકતનો નાનકડો બાળક હોય તેનાથી પણ પોતાનો તણખલા જેવા સમજે અને એ બાળકને સનકાદિક સમજીને દંડવત્ કરી લે . એવું ભગતજીમાં દાસત્વનું અંગ હતું. તો પછી ભગવાનના સંતો હરિભકતો આગળ એમનામાં કેટલું દાસત્વપણું હશે? એનો વિચાર કરી શકાય છે.
મુમુક્ષુનું ઝળહળતું ઉદાહરણ એટલે પૂ. નારાયણભગત. આ બાબત સમજવા જેવી છે. મુમુક્ષુ એટલે જેણે મોક્ષનો માર્ગ સ્વીકાર્યો છે, મુકિત પામવાની મહેચ્છા સેવે છે એવો સત્સંગ અને સદ્ગુરુને આશ્રયે આવેલો સાધક અથવા સાધુ. આપણે જ્યારે સત્સંગમાં આવીએ છીએ ત્યારે આપણામાં અવું મુમુક્ષુપણું સોળે કળાએ ખીલ્યું હોય ,આખો સત્સંગ દિવ્ય લાગે, સાધુ સંતો ભગવાન જેવા લાગે , કાંકરે કાંકરો પરમેશ્વર લાગે , પછી ધીમે ધીમે સમય જતા એ મહિમાબુદ્ધિ અને દિવ્યબુદ્ધિ ઝાંખા પડવા માંડે. એ ઝાંખા પડતાં ઝીરો બેલેન્સ થઇ જાય છે ઝીરો થઇ જાય ત્યાં સુધી પણ વાંધો નથી પણ એનાથી આગળ ઉછું થવા માંડે . લોકો પાસે પોતાના મહિમાની અપેક્ષા વધવા માંડે, કે હવે મારો કોઇક મહિમા જાણો , મારામાં દિવ્યબુદ્ધિ રાખો નહિંતર તમારું કલ્યાણ નહીં થાય આવું આપણી મહિમાબુદ્ધિનું, દિવ્યબુદ્ધિનું શીર્ષાસન થઇ જાય અને અધ:પતનની પરાકાષ્ઠા કહેવાય. બીજામાં મહિમાબુદ્ધિ અને દિવ્યબુદ્ધિ રાખવાને બદલે આપણામાં એવા ભાવો બીજા પાસે રાખવાનું મન થાય છે, એ જ અધઃપતન છે. વચનામૃતમાં અનુભવી સંતોના આ અંગે જ પ્રશ્નો પૂછાયેલા છે કે સત્સંગમાં આવ્યા પછી મહિમાબુદ્ધિ અને દિવ્યબુદ્ધિ ઓછા કેમ થઇ જાય છે? ત્યારે શ્રીજીમહારજે તેના ઉત્તરમાં કહ્યું છે જે નાના નાના સ્વાભાવિક દોષોને જોઇને પોતાની કુબુદ્ધિને કરીને તેને મોટા કલ્પીને સંતોનો અવગુણ લીધા કરે તેથી એની બુદ્ધિ મલિન થઇ જાય છે એટલે ભગવાન અને સંતોમાંથી હેત ઓછું થઇ જાય છે.
નારાયણભગત માટે કહી શકાય કે તેઓ જ્યારથી સત્સંગમાં આવ્યા તે દિવસથી જીવનના અંત સુધી તેમના મહિમા અને દિવ્યબુદ્ધિ સદાય વધતા જ રહ્યા, વધતા જ રહ્યા, વધતા જ રહ્યા, કયારેય ધટ્યા નહીં. સારંગપુરના ત્રીજા વચનામૃતમાં શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને યાદ કર્યા અને જણાવ્યું કે અમે જ્યારે પ્રથમ લોજપુરમાં આવ્યા અને પ્રથમ મુકતાનંદસ્વામીને દીઠા ત્યારે એમનામાં જેવી શ્રદ્ધા અને એવું એમને ભગવાનનું મહાત્મ્ય હતું, એવું ને એવું આજ દિન પર્યંત છે. નવું ને નવું જ છે પણ ગૌણ પડ્યું નથી. આપણે સદ્ગુરુ મુકતાનંદસ્વામીને નથી જોયા પણ નારાયણભગતને જોયા છે.
ભગતની મહિમાબુદ્ધિ કેવી તે આપણે સૌ જાણીએ છીએ . છારોડી ગુરુકુલમાં શાકોત્સવ હતો ત્યારે ભગતજી ત્યાં પધાર્યા હતાં. દર્શન કરીને સંતો જ્યાં શાક-રોટલા પીરસતા હતા ત્યાં ગયા. ખુલ્લા કેમ્પસમાં એક કૂતરું જોયું એટલે નારાયણભગતે સંતોને કહ્યું કે આ કૂતરાને પણ પ્રસાદીનો રોટલો નાખો. સંતોએ કૂતરાને રોટલો નાખ્યો એટલે કુતરું તે રોટલો મોઢામાં લઇને ત્યાંથી ભાગી ગયું . એટલે સંતો કહેવા લાગ્યા જુઓ ભગત એણે રોટલો ખાધો નહીં. ત્યારે ભગત તરત બોલી ઉઠ્યા “તમને ખબર ન પડે, એને હજુ માનસીપૂજા બાકી હોય એટલે નથી ખાધું, એ માનસીપૂજા કરીને એ રોટલો અવશ્ય ખાશે. ભગતજીને કોઇનો અવગુણ આવે જ નહીં. જે ગાયોને દંડવત્ કરે, કૂતરાને દંડવત્ કરે આવી મહિમાબુદ્ધિ કયાં જોવા મળે? આપણે ભગવાનને કે સાધુસંતોને પણ દંડવત્ કરી શકતા નથી. કારણ કે મહિમાબુદ્ધિનો અભાવ છે.
જેને જેટલો ભગવાનના ભકતનો મહિમા હોય એટલો જ એને ભગવાનનો મહિમા હૃદયમાં હોય છે અને જેનાં અંતરમાં ભગવાનનો મહિમા ભરપૂર હોય એટલે એને ભકિતનો મહિમા સમજાય છે. આ એક સત્સંગસભર જીવનનો સરવાળો છે.
આ મહિમા અને દિવ્યબુદ્ધિને કારણે નારાયણભગત અજાતશત્રુ બની ગયા હતા. એમને કોઇના પ્રત્યે દુર્ભાવ નહોતો અને એમના પ્રત્યે કોઇને દુર્ભાવ નહોતો. આવું ભગતનું વ્યકિતત્વ હતુ. જેને પ્રત્યેક વ્યકિતમાં પ્રભુ દેખાય છે એટલું જ નહીં પરંતુ કણ કણમાં જેને ભગવાનનો અનુભવ થાય છે, શ્રીજી દેખાય છે, ગુરુદેવ પ્રત્યે મહિમાભાવનો ભગતજીનાં અંતરમાં એટલો ઊંચો ભાવ હતો કે તેની વાતો ન થઇ શકે. જ્યારથી પોતે સત્સંગમાં આવ્યા ત્યારથી ગુરુદેવની પ્રત્યેક ક્રિયા, ઘટના, મિલન, મુલાકાત, ઉત્સવ-સમૈયા વગેરે ઇદમ્ ભગતજીને યાદ હોય અને કોઇ પૂછે અથવા કોઇક મળે ત્યારે એ કહી બતાવે.
કથા સાંભળતાં સાંભળતાં એમનું મન દ્રવી ઉઠતું અને ભૂતકાળમાં થયેલી નાની ભૂલોને પણ યાદ કરીને ૮૦ વર્ષે એનું પ્રાયશ્ચિત કરવા માટે ભગતજી આગ્રહ સેવતા. સંતોને પૂછીને પ્રાયશ્ચિત કરતા. વળી અનુતાપ કરતા બોલે, હું ગુરુ પાસે નિષ્કપટ ન થયો અને પ્રાયશ્ચિત ન કર્યું માટે હે સંતો, તમે પ્રાયશ્ચિત આપો.
નારાયણ ભગતની સેવા એ નિષ્કામ કર્મયોગ હતો. કોઇની પાસેથી સેવાના બદલાની કોઇ ભાવના કે અપેક્ષા નહિં, આવા નિરપેક્ષ ભાવવાળા પવિત્ર સ્ક્રયવાળા, મહિમાભાવના સાગર સમાન ભકતરાજ નારાયણ ભગત વિષે જેટલું કહીંએ એટલું ઓછું પડે. એમના પ્રત્યેક પ્રસંગમાંથી આપણને પ્રેરણા મળે છે.
મારા સદ્ભાગ્યે છેલ્લા થોડા વર્ષોથી મને ભગતની સેવાનો લાભ મળેલો છે. જે કોઇની સેવા લેવા રાજી નહોતા તેમની સેવા સંતોએ કરી. કારણ કે ભગવાનના સંબંધ કરીને ભકતનો મહિમા સૌના અંતરમાં પ્રગટે છે. ભકત અને ભગવાનનો સંબંધ દિવ્ય છે. તે સેવા કરનારને અનુભવાય છે. આપણે બધા એમના દર્શન -સેવા. કરીને ધન્ય ભાગી બન્યા છીએ.
- પ. પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી
પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી
ગાંધીનગર ગુરુકુલ
પ. પૂ. શાસ્ત્રીજી મહારાજ ભજનાનંદી, કર્મનિષ્ઠ સંત હતા. જ્યારે સત્સંગમાં કોઇને સલાહની જરૂર પડતી ત્યારે સહુ મુકતાનંદ સ્વામી પાસે જતા . એમ બન્ને દેશના સંતો-હરિભકતો શાસ્ત્રીજી મહારાજ પાસે જતા. સ્વામી નાના માણસની પણ ખબર રાખતા. શાસ્ત્રીજી મહારાજના સેવક નાણયણ ભગત પણ એવા જ સેવાભાવી હતા.
પ. પૂ. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી
કુંડળ
'ઘણી જગ્યાએ શ્રદ્ધાંજલિ સભામાં જવાનું થાય પરંતુ અહીં નારાયણ ભગતની વાતો સાંભળીને બધો થાક ઉતરી ગયો અને હૃદય ભીનું થયું. ભગવાનને રાજી કરવા વિદ્યા, ધન કે બુદ્ધિની જરૂર નથી, પરંતુ ભગવાન રાજી થાય છે ભકતમાં રહેલા ગુણોથી. હું ભગવાનને પ્રાર્થના કરું કે મને ભગતજીના થોડા ગુણો પ્રાપ્ત થાય . આવા મોટા પુરુષના ભજન કરતાં હોય તથા તેમની સેવા જ્યાં થતી હોય ત્યાં ભગવાનો વાસ હોય જ.'
પ. પૂ. નીલકંઠ સ્વામી
કોઠારી શ્રી , વડતાલ
પૂ. નારાયણ ભગતનું જીવન મહિમાથી ભરેલું હતું. ભગતજી જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી અંત સુધી એક સરખું જીવન રાખ્યું. વચનામૃતમાં કહ્યા પ્રમાણે ભગવાન અને ભગવાનના ભકતની સેવા કરે, ભગવાન તથા ભકતને પ્રણામ કરે, માંદાની ખબર સખે , પોતાની પાસે કોઇ વસ્તુ આવે તે પહેલાં બીજાને આપે. આ ચારેય લક્ષણા ભગતમાં જોવા મળતા . આવા ભકતો આપણને મળવા તો દુર્લભ છે જ પરંતુ ભગવાનને પણ મળવા દુર્લભ છે.
પ. પૂ. શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
શ્રી સ્વામિનારાયણ મયુમંત્ર પીઠ ફરેણી
ગુરુકુલ જે દેવભકતો અને દેવસેવકો તૈયાર કરે છે તે અજોડ છે. ગુરુકુલ એ સંત પરંપણની પ્રણાલિકા છે અને મંદિરો એ શ્રીજીની પ્રણાલિકા છે. આ પ્રણાલિકા દ્વારા નારણભગત જેવા સેવકો તૈયાર થયા છે. સેવા માટે સદાય તલપાપડ રહેનાર શ્રી નારણભગત તીવ્ર શ્રદ્ધાવાન હતા. નારણભગતનું સર્જન કરવા પાછળ શાસ્ત્રીજીમહારાજ , પુરાણી સ્વામી અને જોગીસ્વામી જેવા સંતોનું તપ અને ત્યાગ-વૈરાગ્ય સભર જીવન રહેલું છે. અ.નિ. નારણભગતના જીવનમાંથી થોડાક સત્સંગના ગુણો આપણામાં ઉતરે એ જ મારી અંતરની શ્રદ્ધાંજલિ છે.
શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામી
ચેરમેનશ્રી , સ્વા. મંદિર, જૂનાગઢ
જે સ્વામિનારા ભગવાનનો હોય તે મારો સંબંઘી, જે ગુરુકુલમાં આવે તે માટે મહેમાન આવી દિવ્યભાવના સભર જીવન જીવી ગયેલા અને પ્રત્યેકની સેવા કરનારા અ. નિ. નારાયણભગતની સાચી ઓળખાણ તેમના મીઠા આવકારામાં રહેલી અમે અનુભવી છે. એક સેવક પોતાના મીઠા સ્વભાવથી કેટલી ઊંચી પદવીને પામી જાય છે તેનું જ્વલંત ઉદાહરણ પૂ.નારાયણભગતે પૂરું પાડ્યું છે. જૂનાગઢ રાધારમણદેવનાં આ સેવક સાથે સત્સંગમાં રત્ન સમાન હતાં.
પ. પૂ. શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી
(બાપુ સ્વામી), વડતાલ
આપણો સંપ્રદાય વાતોનો નહિ, પણ વર્તનનો છે. ભગતજીનું જીવન વર્તનનું હતું. પોતે સમર્થ હોવા છતાં નીર્માની રહ્યા . પોતે કેવા ભાગ્યશાળી હતા કે ગંગા કિનારે અગ્નિસંસ્કાર થયા. વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં આવ્યા ત્યારે ગૌશાળામાં ગાયોને દંડવત કરેલા. તેમનામાં ભગવાન અને ભગવાનના ભકતોનો કેવા મહિમા હશે !
પ. પૂ. શ્રી ભગવતચરણ સ્વામી
જામજોધપુર
‘પૂ. નારાયણ ભગત સફેદ કપડામાં સંત હતા . પોતે પોતાનું જીવન શ્રીજી મહારાજ અને શાસ્ત્રીજી આજ્ઞામાં જ વ્યતીત કર્યું હતું. પોતે સેવાની મૂર્તિ હતા . સમાજના જ્યારે કોઇ ઘામમાં જાય ત્યારે તેનો અગ્નિસંસ્કાર કરી તેના અસ્થિ ગંગામાં પઘસવે પરંતુ ભગતજીનો અગ્નિસંસ્કાર જ ગંગાકિનારે થયો તે ભગતજીના અહોભાગ્ય કહેવાય.'
પ. પૂ. શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી
હરિયાળા
અમે ભગતની સાથે ઉછર્યા છીએ. ભગતજી જેવા બીજા પુરુષ ન મળે. જેમ શાસ્ત્રીજી મહારાજની આંખો ફરે તેમ ભગતનું શરીર ફરતું. ભગતજીનું જીવન નિસ્પૃહી હતું. ભગતજીના જો આપણે ગુણ લઇએ તો પણ આપણું જીવન ઘન્ય બની જાય તેવું દિવ્ય જીવન હતું.
પ. પૂ. શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી
ગઢપુર
પૂ. નારાયણ ભગતનું જીવન નંદ સંતો જેવું અદ્દભુત હતું. ભગતજીના દર્શન ૫૫ વર્ષ પહેલાં થયેલા . ભગતજી અમને જામનગર મુકવા આવેલા , પાર્ષદ તરકે એક સંત જેવું જીવન જીવી ગયા.પૂ. ભગતજીમાં જેવા ગુણો હતા તેવા આપણામાં આવે તેવી શ્રીજી મહારાજના ચરણોમાં તથા ભગતજીના ચરણોમાં પ્રાર્થના ..
પ.પૂ.શ્રી ભકિતતનયદાસજી સ્વામી
મહુવા ગુરુકુલ
પૂ. નારાયણ ભગતમાં ભગવાન અને ભગવાનના ભકત પ્રત્યે એટલો મહિમા હતો કે બદરીનાથ ધામમાં એક કુતરાને દંડવત્ કરે, કેવી ઊંચી ભકિત! ભગતજીએ જ એવી પ્રેરણા આપી હશે જે તમે બઘા ઋષિકેશ શિબિરમાં જાઓ , હું ત્યાં આવીશ.
પ. પૂ. પૂરાણી શ્રી માઘવજીવનસ્વામી
જુનાગઢ
પૂ.નારણભગતને સદગુરુ સંત કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. મૂર્તિમાન નિર્દોષતા એટલે પૂ. નારણભગત. દિવ્યભાવનો પર્યાય એટલે પૂ. નારણભગત. સત્સંગના ભૂતકાલીન દૃષ્ટાંતોનું જીવંત ઉદાહરણ એટલે પૂ. નારણભગત. પૂ.ભગત જે કથાશ્રવણ કરે અને જે સંતો પાસેથી સાંભળે તેનો અમલ કરે. કથાને જીવનમાં પ્રગટ કરે.
બીજા કોઇને નડવું નહે અને સૌની સેવા કરવી એ ભગતજીનો જીવનમંત્ર . સદાય સ્વદોષ દર્શન અને બીજાના ગુણોનું દર્શન. દેહનો અનાદર, અપગ્રર્યજીવન જેવા દિવ્યગુણોનું પ્રગટીકરણ પૂ.નારણભગતમાં થયું તેનું કારણ સદાય કથાપ્રીતિ – કથાશ્રવણ.
પ.પૂ. શાસ્ત્રી શ્રી માધવદાસજીસ્વામી
ઊના ગુરુકુલ
પૂ. નારાયણ ભગતના જીવનમાં મેં નિ:સ્પૃહીપણાના દર્શન કરેલા છે. સાદગીપૂર્ણ જીવન, સંપૂર્ણ સ્વચ્છતાની મૂર્તી એટલે સાદગી પણ શોભી ઉઠે. બાળક જેવી નિર્દોષતા એમની સાથે રહેનારા સૌ ને અનુભવાય છતાં બધાના માવતર જેવી ભૂમિકા ભજવતાં ગુરુકુલનાં સંતવૃંદમાં દિવ્યતા સભર જીવનનો આદર્શ સ્થાપી ગયેલા નારાયણ ભગતના જીવનમાંથી આપણને સત્સંગ સભર જીવન જીવવાની શક્તિ અને સમજણ આવે તેવી પ્રાર્થના.